– રહેમાન ગીત ગાઈ રહ્યો હતો ત્યારે જ પોલીસ સ્ટેજ પર ધસી આવી
– રહેમાને ઓડિયન્સનો આભાર માની સ્ટેજ પરથી ચાલતી પકડીઃ પોલીસની સૂચના તરત માની લેવાતાં કોઈ કેસ દાખલ ન કરાયો
મુંબઈ : ઓસ્કાર એવોર્ડ વિજેતા સંગીતકાર એ.આર.રહેમાનનો પુણેમાં આયોજીત લાઈવ શો પોલીસે અટકાવ્યો હતો.શૉ રાતે ૧૦ વાગ્યાની સમય મર્યાદા પછી પણ ચાલુ હોવાથી પોલીસે કાર્યવાહી કરી હતી.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.પુણેમાં રાજા બહાદુર મિલ્સ ખાતે આયોજીત સંગીતના ઉસ્તાદ રહેમાનની લાઈવ કોન્સર્ટમાં હાજરી આપવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી.બંડગાર્ડન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સંતોષ પાટીલના જણાવ્યા મુજબ ગઈકાલ રાતે ૧૦ વાગ્યાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હતી.અમે રહેમાન અને અન્ય કલાકારોને શૉ બંધ કરવા કહ્યું હતું. તેમણે અમારી સૂચનાનું પાણી કર્યું અને શૉ બંધ કરી દીધો હતો.આ બનાવના વીડિયોમાં પોલીસ રહેમાન અને અન્ય કલાકારોને ઘડિયાળ તરફ સંકેત કરીને સંગીત વગાડવાનું બંધ કરતી જોવા મળ્યા હતા.
પોલીસે કહ્યું હતું કે શૉ બંધ કરો નહીં તો કાર્યવાહી કરવામાં આવશે.આમ છેવટે શૉ બંધ કરી દેવામાં આવ્યો હતો.રહેમાને ઉપસ્થિત પુણેવાસીઓને આભાર માન્ય અને કાર્યક્રમ બંધ કરીને સ્ટેજ પરથી નીચે ઉતરી ગયા હતા.રહેમાનની ગીત પર ધૂમ મચાવતા લોકો પોલીસની કાર્યવાહીથી નિરાશ થયા હતા.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલામાં કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.
એ.આર. રહેમાને તેમના શૉને સારો પ્રતિસાદ મળ્યા બાદ એક ટ્વિટ શેર કરીને દર્શકોનો આભાર માન્યો હતો.તેમણે આ ટ્વિટમાં લખ્યું હતું કે ગઈકાલે રાતના ઈવેન્ટને મળેલા જોરદાર પ્રતિસાદ માટે આભાર! આ રોલર કોસ્ટર કૉન્સર્ટ હતી.પુણે શાસ્ત્રીય સંગીતનું મહત્વનું સ્થળ છે.અમે ટૂંક સમયમાં તમારી સાતે ગીત ગાવા પાછા આવીશું.


