– ટેન્ડરના ભાવ વધઘટ મામલે કોન્ટ્રાક્ટરોની હડતાળ ચાલે છે
– સરકારી કામમાં રૂકાવટ કરવા અંગેની ફરિયાદ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ
અમદાવાદ : અમદાવાદમાં સામાન્ય માણસ લુખ્ખા અને અસામાજિક તત્વોના ત્રાસને કારણે હેરાન પરેશાન થઈ ગયો છે.સરકાર લોકોને સુરક્ષાની વાતો કરે છે પણ સરકારી ઓફિસો જ સુરક્ષા વિહોણી સાબિત થતી જાય છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાંથી કેટલાક કન્સ્ટ્રક્શન કંપનીના માણસો ઘૂસી આવ્યા હતાં અને કચેરીના કર્મચારીઓ સાથે બોલાચાલી કરીને ટેન્ડર બોક્સમાંથી ટેન્ડરની કોપી કાઢીને લઈ ગયા હતાં.આ અંગે કચેરીના સુપ્રિટેન્ડન્ટે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ટેન્ડર બોક્સમાંથી ટેન્ડરની કોપી કાઢીને લઈ ગયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરમાં મેમકો ખાતે આવેલ રાજીવ ગાંધી ભવન ખાતેની મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં પીન્ટુ અમૃત કન્સ્ટ્રક્શન,પરિહાર બિલ્ડરનો માણસ રવિન્દ્રભાઈ,પરમલસિંગ રાજપૂતના સતિષભાઈ,રાજશ્રી કન્સ્ટ્રક્શનનો માણસ કિરીટ મોદી સહિત અન્ય દસેક માણસો ઓફિસના પહેલા માળે રાખેલ ટેન્ડર બોક્સ આગળ આવી ઓફિસના કર્મચારીઓ સાથે માથાકૂટ કરતા હતાં.તેઓ ટેન્ડર બોક્સમાંથી ટેન્ડરની કોપી જબરદસ્તીથી કઢાવતા હતાં.જેથી ઓફિસના સુપ્રિટેન્ડેન્ટ મનુભાઈ નિનામાએ તેમને રોકતા તેમણે કહ્યું માન્યુ નહોતુ અને અન્ય લોકોની વાતને પણ અવગણીને ટેન્ડર બોક્સમાંથી ટેન્ડરની કોપી કાઢીને લઈ ગયા હતાં.
શહેર કોટડા પોલીસે ફરિયાદ નોંધી
આ લોકો સામે સરકારી કામકાજમાં રૂકાવટ લાવવા અંગેની ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ મનુભાઈ નિનામાએ ફરિયાદ નોંધાવી છે.મનુભાઈ પાસે ઈનચાર્જ આસિસ્ટન્ટ ઈજનેરનો ચાર્જ છે.આ ઓફિસમાં ટેન્ડરના ભાવ વધઘટ મામલે કોન્ટ્રાક્ટરોની હડતાળ ચાલે છે. જેથી કોઈપણ કોન્ટ્રાક્ટરને કોઈપણ પ્રકારનું ટેન્ડર સબમીટ કરવા દેવામાં આવતું નથી.જેના કારણે આજે આ પ્રકારની ગેરરીતિ થવા પામી હતી.શહેર કોટડા પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


