– ગણેશ એન્ટરપ્રાઈઝના નામે સુફીયાને અમદાવાદના ટેક્સ કન્સલ્ટન્ટ ધર્મેશ ગાંધી સાથે મળી રૂ.901 કરોડના બોગસ બિલ બનાવ્યા હતા
સુરત : ડમી પેઢીઓના નામે જીએસટી નંબર મેળવી બાદમાં ટેક્સ ક્રેડિટ મેળવવાના કૌભાંડમાં સુરત પોલીસના ઈકો સેલે મુખ્ય સૂત્રધાર એવા સુરતના સુફીયાન કાપડીયાની ધરપકડ કરી છે.રૂ.2706 કરોડના કૌભાંડની તપાસ દરમિયાન ઈકો સેલને જે 1500 થી વધુ બોગસ પેઢીઓની વિગત મળી હતી તે પૈકીની એક ગણેશ એન્ટરપ્રાઈઝના નામે સુફીયાન કાપડીયાએ અમદાવાદના ટેક્સ કન્સલ્ટન્ટ ધર્મેશ ગાંધી સાથે મળી રૂ.901 કરોડના બોગસ બિલ બનાવ્યા હતા.
ઈકો સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ બનાવટી લાઈટબિલના આધારે ડમી પેઢીઓના નામે જીએસટી નંબર મેળવી બાદમાં ટેક્સ ક્રેડિટ મેળવનાર આઠ પેઢીઓ-સંચાલકો વિરુદ્ધ સાડા છ મહિના અગાઉ સુરત ઈકો સેલે ગુનો નોંધી સુરત પોલીસની 12 ટીમે અમદાવાદ,સુરત,રાજકોટ,જૂનાગઢ,મોરબી અને ભાવનગરમાં હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં રૂ.200 કરોડના ટ્રાન્ઝેક્શન અને 21 બોગસ કંપનીની વિગતો મળી હતી.ઇકો સેલની તપાસમાં ખુલાસો થયો હતો કે સુરતનો નૂર આલમ મુખ્ય સૂત્રધાર છે અને તેણે સુરતના સુફીયાન કાપડીયા, અમદાવાદના સજ્જાદ અને ભાવનગરના ઉસ્માન સાથે મળી સમગ્ર કૌભાંડ કર્યું છે.દરમિયાન, ઇકો સેલે આ કૌભાંડમાં અત્યાર સુધી 18 આરોપીની ધરપકડ કરી હાથ ધરેલી તપાસમાં કૌભાંડ અંદાજીત રૂ.2706 કરોડનું હોવાનો પણ ખુલાસો થયો હતો.
ઈકો સેલને તપાસમાં બોગસ બિલની હેરાફેરી માટે ગુજરાત અને અન્ય રાજ્યોમાં 1500 થી વધુ બોગસ પેઢીઓની વિગત મળી હતી.તે પૈકી એક પેઢી ગણેશ એન્ટરપ્રાઈઝના નામે પણ બિલો મળ્યા હતા.આ ગુનાની તપાસ કરી રહેલી ઈકો સેલે હેડ કોન્સ્ટેબલ ઉમેશ મધુકરભાઈ અને સિદ્દીક સૈયદને મળેલી બાતમીના આધારે અડાજણ ગુજરાત ગેસ સર્કલ બ્રિજ નીચેથી આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુફીયાન અબ્દુલ લતીફ કાપડીયા ( ઉ.વ.43, રહે.11/105/એ, નગર શેઠની પોળ, વડાચૌટા, નાણાવટ, સુરત ) ને ગતરાત્રે ઝડપી લીધો હતો.સુફીયાન કાપડીયાએ અમદાવાદના ટેક્સ કન્સલ્ટન્ટ ધર્મેશ ગાંધી સાથે મળી ગણેશ એન્ટરપ્રાઈઝના નામે કેમિકલ અને સ્ક્રેપના રૂ.901,48,59,626 ના બિલોની હેરાફેરી કરી હતી.સુફીયાન કાપડીયાની બે વર્ષ અગાઉ આવા જ કૌભાંડમાં સેન્ટ્રલ જીએસટી વિભાગે ધરપકડ કરી હતી.સુફીયાન કાપડીયાએ 12 બોગસ પેઢીઓમાંથી બીલીંગ કરી તેમજ અન્ય 6 પેઢી બોગસ ઉભી કરી રૂ.33.30 કરોડની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવી સરકાર સાથે છેતરપીંડી કરી હતી.
દરમિયાન, ઈકો સેલે સુફીયાન કાપડીયાને કોર્ટમાં રજૂ કરી તેના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.આગામી દિવસોમાં ઈકો સેલ અમદાવાદ જઈ ટેક્સ કન્સલ્ટન્ટ ધર્મેશ ગાંધીની પુછપરછ કરશે.