સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ગુરુવારથી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી APMCમાં સંદીપ દેસાઈ નવા પ્રમુખ તરીકે નિમાયા છે.
આગામી અઢી વર્ષ માટે સુરત APMCના નવા સુકાની તરીકે ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈ જ્યારે ઉપપ્રમુખ તરીકે હર્ષદ પટેલની વરણી થઈ છે.આ સાથે જ APMCના નવા પ્રમુખને આવકારવા માટે બજાર સમિતિના ઈતિહાસમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો ઊમટી પડયા હતા.
સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીમાં ખેડૂતની 10, વેપારીની 4 અને 2 મંડળી પ્રતિનિધિની મળી કુલ 16 બેઠક બિનહરીફ થઈ હતી.જ્યારે પાલિકા 1, જિલ્લા રજિસ્ટ્રાર 1 અને 1 ખેતીવાડી અધિકારીની મળીને કુલ 19 બોર્ડ ડિરેક્ટર્સ થયા છે. હવે 70 વર્ષથી વધુ ઉંમરના ત્રણ સહિત 10 ડિરેક્ટરોનું પત્તું કાપી 10 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું હતું. 10 યુવા ડિરેક્ટર્સ સાથેની ટીમ ધરાવતી APMCના ટીમ લીડરની વરણી કરવા ગુરુવારે તાપીના જિલ્લા રજિસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને પહેલી બોર્ડ મિટિંગ મળી હતી.આ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.સુરત એપીએમસીમાં ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ થઈ હોવાથી પાર્ટી હાઈ કમાન્ડે મેન્ડેટ આપ્યો હતો.ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જનક બગદાણા મેન્ડેટ લઈને આવ્યા હતા.
તેમજ મેન્ડેટ અનુસાર અંકુર કાંતિભાઈ પટેલે ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈની પ્રમુખ તરીકે દરખાસ્ત કરી હતી.જ્યારે ચિરાગ ગુણવંતભાઈ પટેલે ઉપપ્રમુખપદ માટે હર્ષદ છીતુભાઈ પટેલની દરખાસ્ત કરી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખપદની દરખાસ્તને ચૂંટણી અધિકારી એવા તાપી જિલ્લા રજિસ્ટ્રારે ગ્રીન સિંગ્નલ આપતા જ નવા પ્રમુખ અને ઉપપ્રમુખને ડિરેક્ટરોએ વધાવી લીધા હતા.આ સાથે જ 2500 કરોડનો વહીવટ ધરાવતી સુરત એપીએમસીની કમાન સંદીપ દેસાઈને સોંપી દેવામાં આવી હતી.સુરત એપીએમસી મેંગો પલ્પ બનાવી ગુજરાતમાં જ નહીં દુબઈ, અમેરિકા સહિતના દેશોમાં પણ મોકલાવે છે.
હવે આગામી અઢી વર્ષ માટે APMCના પ્રમુખ તરીકે સંદીપ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે હર્ષદ પટેલ રહેશે.અઢી વર્ષ પછી ફરી વખત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરાશે. APMCના પ્રમુખપદે ચૂંટાયા બાદ સંદીપ દેસાઈ જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવાની વડાપ્રધાનના સંકલ્પને પૂરો કરવા પ્રયાસ કરીશું.

