– નોટ બંધ કરવાની સત્તા આરબીઆઇ પાસે નથી : અરજકર્તા
– અરજીમાં નોટ બદલવા આવનાર દરેક વ્યકિતને વળતર પેટે રૂ. 500 વધુ આપવાની માગ
નવી દિલ્હી : બે હજાર રૂપિયાની નોટ બદલવાની શરૂઆત ૨૩ મેથી થઇ ગઇ છે. લોકો બેંકોમાં જઇને પોતાની પાસે રહેલી ૨૦૦૦ રૂપિયાની નોટ બદલાવી રહ્યાં છે.આ દરમિયાન આરબીઆઇની બે હજાર રૂપિયાની નોટ બદલવાના સર્ક્યુલેશન વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં એક જન હિત અરજી દાખલ કરવામાં આવી છે.જેમાં ૧૯ મેના રોજ આરબીઆઇ દ્વારા જારી નોટિફિકેશનને રદ કરવાની માગ કરવામાં આવી છે.આ પીઆઇએલમાં નોટ બદલવા આવનારા લોકોને બેંકો દ્વારા ૫૦૦ રૂપિયા વળતર પેટે વધુ આપવાની પણ માગ કરવામાં આવી છે.આ અરજી વકીલ રજનીશ ભાસ્કર ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવી છે.અરજકર્તા રજનીશ ગુપ્તાએ અરજીમાં અનેક પ્રકારની દલીલો રજૂ કરી છે.તેમણે જણાવ્યું હતું કે આરબીઆઇની પાસે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૯૩૪ હેઠળ કોઇ પણ મૂલ્યની નોટ બધ કરવા માટે કોઇ સ્વતંત્ર સત્તા નથી.આરબીઆઇ એક્ટ, ૧૯૩૪ની કલમ ૨૪(૨) હેઠળ આ સત્તા ફક્ત કેન્દ્ર સરકાર પાસે છે.
મોટા પાયા પર જનતાની અપેક્ષિત સમસ્યાઓનું વિશ્લેષણ કર્યા વગર ૨૦૦૦ રૂપિયાની નોટ પરત લેવાનો આટલો મોટો મનસ્વી નિર્ણય લેવા પાછળ આરબીઆઇએ ક્લીન નીટ પોલિસી સિવાય અન્ય કોઇ પણ દલીલ આપી નથી.ક્લીન નીટ પાલિસીમાં ફક્ત ક્ષતિગ્રસ્ત,નકલી અથવા ખરાબ નોટ પરત લેવામાં આવે છે નહીં કે સારા નોટ.આ અરજીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે દેશના લોકો કોઇ પણ ભૂલ વગર પોતાની ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવા માટે બેંકમાં જવા માટે મજબૂર થયા છે.આ અરજીમાં માગ કરવામાં આવી છે કે પોતાના કામ ધંધા છોડીને બેંકોમાં કલાકો સુધી લાઇનમાં લાગી નોટ બદલવા આવનાર દરેકને વળતર પેટે ૫૦૦ રૂપિયા વધુ આપવા જોઇએ.

