– અઢી વર્ષથી જમીન સંપાદન વળતરને લઈ ખેડૂતોનો ચાલતો વિરોધ અંતના આરે
– જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોને રૂ.600 આસપાસ ભાવ મળી રહે તે માટે કલેકટર કરશે પ્રયાસો
ભરૂચ જિલ્લામાં 70 કિલોમીટરમાંથી 32 ગામોમાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે છેલ્લા અઢી વર્ષથી વળતરના મુદ્દે વિરોધના વિઘ્નમાં હતો.ભરૂચ જિલ્લાના 1500 ખેડૂતોની 2700 એકર જમીન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેમાં સંપાદિત થઈ છે.જોકે જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો સુરત,નવસારી અને વલસાડ જિલ્લાને આપાયેલ 900નો ભાવને લઈ વિરોધમાં અડયા રહ્યાં હતાં.અઢી વર્ષથી ચાલતો ખેડૂતોનો વિરોધ છેલ્લા કેટલાક દિવસોથી વ્યાપક અને ઉગ્ર બન્યો હતો.જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ અગાઉ આપેલા ભાવોને લઈ NHAI કોર્ટમાં ગયું હતું. નવો ભાવ 370 ખેડૂતોને મંજુર ન હતો.દરમિયાન આજે બુધવારે કલેકટરના અધ્યક્ષ સ્થાને સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,ડી.કે. સ્વામી,રીતેશ વસાવાની ઉપસ્થિતીમાં ખેડૂતો સાથે બેઠક યોજાઇ હતી.
જિલ્લા કલેકટરે ખેડૂતોને ઊંચી જંત્રીને લઈ જિલ્લાના તમામ ખેડૂતોને થનારી અસરોથી વાકેફ કર્યા હતા.અંતે રૂપિયા 600 લેખે ભાવ મળે તે માટે સર્વ સહમતી સંધાતા વિરોધ,વિવાદનો અંત આવે તેવી સુખદ સ્થિતિ સર્જાવા સાથે ખેડૂતોમાં પણ રાહત અને ખુશી જોવા મળી રહી છે.ભરૂચથી હવે દોઢ વર્ષથી અટકેલ એક્સપ્રેસ વેનું કામ સડસડાટ ચાલતા આગામી સમયમાં વડોદરાથી અંકલેશ્વર સુધીનો એક્સપ્રેસ વેનો ભાગ કાર્યરત થઈ જાય તેવી ઉજળી તકો સર્જાઈ છે.


