ગુજરાતમાં કોરોના પોઝિટિવના વધુ 3 કેસ નોંધાયા, કુલ આંક 108 થયો, 10 લોકોનાં થયા મોત

310

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશનને કારણે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે ગુજરાતમાં કુલ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે બાદ ગુજરાતમાં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 108 પહોંચી ગઈ છે. તો તેના કારણે 10 લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે.

આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં કુલ 108 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 2 અને સુરતમાં એક કેસ પોઝિટિવ નોંધાયો છે. દિલ્હીથી અમદાવાદ આવેલ 25 વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો અમદાવાદના 45 વર્ષના આધેડને લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાનો ચેપ લાગ્યો છે. તો સુરતની મહિલાને પણ લોકલ ટ્રાન્સમિશનથી કોરોના પોઝિટિવ આવ્યો છે.

ગુજરાતમાં 108 પોઝિટિવ કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં કોરોના પોઝિટિવનાં 45 કેસ-5 મોત, સુરતમાં 13 કેસ-1 મોત, ગાંધીનગરમાં 13 કેસ, રાજકોટમાં 10 કેસ, વડોદરામાં 9 કેસ- 1 મોત, ભાવનગરમાં 9 કેસ-2 મોત, પોરબંદરમાં 3 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, કચ્છ-મહેસાણા-પાટણમાં એક-એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે પંચમહાલમાં એક કેસ પોઝિટિવ અને એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

આ ઉપરાંત જયંતિ રવિએ જણાવ્યું કે, 14520 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. 2276માંથી 108 કેસ પોઝિટિવ, 2159 કેસ નેગેટિવ, 9 પેન્ડિંગ છે. ક્વોરન્ટાઈન ભંગ બદલ 418 ફરિયાદ નોંધાઈ છે. તો 104 હેલ્પલાઈન પર 570 અને 1100 નંબર પર 1297 કોલ આવ્યા છે.

Share Now