અંકલેશ્વરની નોરિસ મેડિસિન કંપનીના માલિક વિમલ શાહ સામે ભરૂચના બિલ્ડર સેજલ શાહે રૂપિયા 6 કરોડના વિશ્વાસઘાત અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી છે.ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલા હરિહર બંગલોઝમાં રહેતા બિલ્ડર સેજલ શાહની ગત 14 ડિસેમ્બર 2022 માં ઉદેપુર ખાતે વિમલ ડી.શાહ જોડે મુલાકાત થઈ હતી.ભરૂચના શ્રોફ ચંદ્રેશ શાંતિલાલ શાહના પુત્રના લગ્નમાં તેઓએ બિલ્ડર સાથે ચેન્નાઇ રહેતા અને અંકલેશ્વરની નોરિસ કંપનીના માલિક સાથે ઓળખાણ કરાવી હતી.જેના થોડા દિવસ બાદ વિમલ શાહે બિલ્ડર અને શ્રોફને અંકલેશ્વરની હોટલમાં જમવા બોલાવ્યા હતા.ત્યારે પોતાને અરજન્ટ રૂ.6 કરોડની જરૂર હોવાનું કહ્યું હતું.
બિલ્ડર સેજલ શાહને વિશ્વાસમાં લઇ 15 દિવસમાં જ રૂપિયા પરત કરવાનું ફાર્મા કંપની માલિકે કહ્યું હતું. બિલ્ડરે 28 ડિસેમ્બર 2022 ના સુરત રહેતા તેમના કૌટુંબિક બહેન કિરણબેન કાપડીયાના એકાઉન્ટ મારફત રૂ.2 કરોડનું RTGS કરી આપ્યું હતું.બાદમાં ફરીથી વિમલનો ફોન આવતા સેજલ શાહે 30 ડિસેમ્બરે તેમના એકાઉન્ટ મારફત ₹4 કરોડ RTGS કર્યાં હતાં. જોકે દિવસો વિતતા ગયા અને બિલ્ડરને કંપની માલિક વાયદા બતાવતો ગયો હતો.એપ્રિલ મહિનામાં કંપની માલિક વિમલ શાહે તેનો અંકલેશ્વરમાં આવેલ પ્લોટ નંબર 802 રૂ.12.50 કરોડનો હોય જે બિલ્ડરને ખરીદી લેવા અને 6 કરોડ બાદ કરી બાકીની રકમ આપવા ઓફર મૂકી હતી. જોકે આ સ્કીમમાં બિલ્ડર ભેરવાયા ન હતા.જેના 4 દિવસ બાદ મકતમપુર શિલ્પી ડ્રિમ ખાતે કંપની માલિકે બિલ્ડરની ઓફિસે બે ગુંડા મોકલી હવે જો રૂપિયા માંગ્યા તો જાનથી મારી નાખવાંની ધમકી આપી હતી.અંતે ભરૂચના બિલ્ડરે કંપની માલિક સામે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.