સુરત: સુરતના પીપલોદ SMC આવાસમાંથી એક બુટલેગરને મધરાત્રે 3 બાઇક પર સવાર 7 જણાં ઉપાડીને ગોપીપુરા લઈ ગયા બાદ ઢોરમાર મારી કલાકો બાદ ઘર પાસે ફેંકી ગયા હોવાની ઘટના સામે આવી છે.એટલું જ નહીં પણ દેશી દારૂનાં ધંધા પર કબજો જમાવવા સ્વર્ગવાસી સૂર્યા ગેંગના માણસોએ આવું કૃત્ય કર્યું હોવાનું ઇજાગ્રસ્ત પરિવારે આરોપ મુક્યો છે. 6 મહિનામાં બીજી વાર હુમલો કરી બે જણાને માર મરાયો હોવાનું સામે આવ્યું છે.
ઈજાગ્રસ્તના મિત્ર પ્રદીપ ભોલેનાથ શુકલાએ જણાવ્યું હતું કે મારી નજર સામે જ સંતુ ઘીરજાશંકર રાજપૂતને મધરાત્રે 3 બાઇક પર સવાર 7 જણા ઉપાડી ગયા હતા.તેઓ દેશી દારૂનો અડ્ડો ચલાવવા માટે 50 હજારનો હપ્તો દર મહિને માંગી રહ્યા હતાં. હપ્તો નહિં આપો તો પરિવાર સાથે જાનથી મારી નાંખવાની ધમકી આ ગેંગ આપી રહી હતી.વધુમાં પ્રદીપે જણાવ્યું કે સંતુનાં અપહરણ બાદ એને ગોપીપુરા લઈ જવાયો હતો.જ્યાં 3 કલાક સુધી માર મારી તેની પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ સંતુ પાસે કેટલાક વિવાદાસ્પદ નિવેદનોનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું હતું.જો પોલીસ ફરિયાદ કરી તો આખા પરિવાર ને જાનથી મારી નાખીશું એવી ધમકી પણ આપી હોવાનો આક્ષેપ પ્રદીપે કર્યો હતો.હાલ ઉમરા પોલીસને જાણ કરાતા પોલીસ સંતુના નિવેદન લઈ આગળની તપાસ કરી રહી છે.સંતુ હાલ સિવિલમાં સારવાર હેઠળ છે.
સંતુએ પ્રદીપને જણાવ્યું હતું કે તેનાં કેટલાક ગંદા વિડીયો પણ બનાવાયા હતાં.તેમજ તેને લાકડાના ફટકાથી માર મરાયો હતો.લગભગ 3 કલાક સુધી માનસિક શારીરિક યાતના આપ્યા બાદ વહેલી સવારે સંતુને તેના ઘર પાસે ફેંકી દેવાયો હતો.જ્યાં અનિકેત નામના યુવકનો હાથ ફેક્ચર કરી હુમલાખોર ગેંગ ભાગી ગઈ છે.