સુરત: સુરતનાં વરાછા વિસ્તારમાં લેબગ્રોન ડાયમંડ મશીનરી અને CVD લેબગ્રોન ડાયમંડના વેપારમાં મોટું નામ ધરાવનાર કંપની નબળી પડી રહી હોવાની ચર્ચાને પગલે હીરા ઉદ્યોગમાં ચર્ચાનું બજાર ગરમ થયું છે.સુરતમાં સિન્થેટીક ડાયમંડમાં મોટું નામ અને માર્કેટિંગ કરીને સિક્કા પાડનારી કંપની ગંભીર નાણાકીય સંકટમાં સપડાઈ હોવાની વાતો ફેલાતા છેલ્લા ત્રણ દિવસથી રોકાણકારો,બેંકો અને જોબવર્ક કરાવનારાઓને બાકી પેમેન્ટ મેળવવા ભીંસ વધારી હોવાની વાત ચાલી રહી છે.
ચર્ચા એવી છે કે, કંપનીના લેણદારોને પેમેન્ટ ચુકવવા વધુ સમય આપવાની માંગણી થતાં પેઢી કાચી પડી રહી હોવાની વાતને બળ મળ્યું છે.જાણકારો કહે છે કે,લેબગ્રોનનાં વેપારમાં ઝંપલાવનાર મોટાભાગની કંપની મની ક્રાઇસીસમાં છે.કારણ કે બજારમાં લેબગ્રોન ડાયમંડની કે લેબ મશીનરીની કોઈ ખાસ ડિમાન્ડ નથી.બીજી તરફ બેંકો અને ફાઈનાન્સિયલ કંપનીઓનું વ્યાજ ચઢી રહ્યું છે.હીરા ઉદ્યોગના સૂત્રો કહે છે કે, 361 ડોલર પ્રતિ કેરેટના ભાવે લેબગ્રોન ડાયમંડ વેચાશે એવી વાતો કરીને આ કંપનીએ મશીનો ભાડે આપ્યા હતા,હાલમાં લેબગ્રોન ડાયમંડનો ભાવ પ્રતિ ડોલરના 32 ડોલર થઇ ગયો છે.લેબગ્રોનમાં કામકાજ બંધ થઇ ગયા છે.એટલે કંપની મશીનો પાછા લઇ રહી નથી જેમના નાણાં જામ થયા છે તે મોટાભાગના ઇન્વેસ્ટર્સ છે.
જાણકારો કહે છે કે,આ કંપનીને ધિરાણ આપનાર રાષ્ટ્રીય કૃત બેંકોએ ધિરાણ પરત મેળવવા દબાણ ઊભું કર્યું છે.આ કંપનીને ડાયમંડ મશીનરી ઉત્પાદનના નામે સુરતની જાણીતી સહકારી બેંકે કરોડોનું ધિરાણ આપવાનું જોખમ લીધું છે.એને લગતાં મેસેજ પણ બજારમાં ફરી રહ્યાં છે.2013માં આ કંપનીએ સૌથી પહેલા લેબગ્રોન ડાયમંડ અને મશીનરી ઉત્પાદનના વેપારમાં ઝંપલાવી તગડો નફો રળ્યો હતો.મોટાભાગે સુરત વરાછા વિસ્તારના લેણદારો ફસાયા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.બીજી બાજુ આ કંપનીનો પોર્ટ ફોલિયો જોતા છેલ્લા 8 વર્ષમાં ખાસ્સા ફેરફારો જોવા મળી રહ્યા છે.ઇઝરાયેલ બેઝ સરિન ટેક્નોલોજીસના મશીનોનું ડુપ્લિકેશન કરી રોકરણકારોને આકર્ષવા ઊંચો નફો આપવાના કારણો આપી કરોડો રૂપિયા કાચામાં ઉઘરાવ્યા હોવાની પણ ચર્ચા છે.હીરા બજારમાં ચર્ચાઈ રહ્યું છે કે સરિન ટેક્નલોજીસના જે મશીનોનું ડુપ્લીકેશન કરી લેબગ્રોઉંન ડાયમંડ રેડી કરવામાં આવતા હતા તેની માંગ તો ઘટાડો થયો છે જે ઉપરાંત ડુપ્લીકેટ મશીનમાં તૈયાર કરાયેલા હીરાની ક્વોલિટી અવ્યસ્થિત અને ગુણવત્તસભર ન હોવાના કારણે જેવા જોઈએ એ પ્રકારની ક્વોલિટીના હીરા પણ તૈયાર થઇ રહ્યા નથી.જેને કારણે પણ લેણદારોને છેલ્લા 5 વર્ષથી આશ્વાશન આપતા હતા તેમની ધીરજ અને વિશ્વસનિયતા ખૂટી પડી છે અને ચર્ચા મુજબ ખરેખર આ પ્રકારના મશીનો છે કે નહિ ? કે માત્ર તરકટ જ રચવામાં આવ્યું હોય તેવી આશંકા પણ સેવાઈ રહી છે.ત્યારે જે પ્રકારે બજારમાં વાત વહેતી થઇ છે તેને લઇ સમાધાનકારી પ્રયાસો હાથ ધરાઈ રહ્યા હોવાનું પણ જાણકારો કહી રહ્યા છે.
કંપની કાચી પડી રહી હોવાની ચર્ચા આ કારણોથી ઉપડી
– રોકાણકારો,બેંકો અને જોબવર્ક પર કામ કરનારાઓને સમયસર પેમેન્ટ ચૂકવવાને બદલે માર્કેટ સુધરતા સુધી સમય આપવા માંગ કરી.
– 361 ડોલર પ્રતિ કેરેટના ભાવે લેબગ્રોન ડાયમંડ વેચાશે એવી વાતો કરીને આ કંપનીએ મશીનો ભાડે આપ્યા હતા, હાલમાં લેબગ્રોન ડાયમંડનો ભાવ પ્રતિ ડોલરના 32 ડોલર થઇ ગયો.
– ધિરાણ આપનાર બેંકોએ પેઢીની સદ્ધરતા ચકાસવા હીરા ઉદ્યોગના મોટા માથાઓ પાસે માહિતી મેળવતા ચર્ચાઓને વેગ મળ્યો.
– સુરતનાં મોટા ગજાના વેપારીઓને ડાયમંડ સ્કેનિગ સહિતની મશીનરી રૂપિયા સવાથી દોઢ કરોડમાં વેચવામાં આવી પણ મશીનરીનો પ્રત્યક્ષ કબજો આપ્યો નહીં,ઇઝરાયલની કંપનીએ અબજોનો કોપી રાઈટનો કેસ પણ કર્યો.
– કંપનીના પ્રમોટર્સ દ્વારા આડેધડ ખર્ચાઓ કરવામાં આવ્યા
– કંપનીના માલિકે તાજેતરમાં જ તેમના દિકરાને અમેરીકામાં 4 લાખ ડોલરની કિંમતની લક્ઝુરિયસ કાર બર્થડે ગીફ્ટ તરીકે આપવામાં આવી,અમેરિકામાં 130 કરોડનો બંગલો ખરીદવામાં આવ્યો
– અમેરિકા,દુબઇ,હોંગકોંગ મુંબઈ,સુરતમાં ઓફિસો શરૂ કરવામાં આવી એને લીધે કેપિટલ ખર્ચ વધ્યો,પાછળથી કેટલીક ઓફિસો બંધ કરવામાં આવી
– બિઝનેસ મોડેલમાં મશીનરી ખરીદીને પણ કબજો મળતો નહીં
લેબગ્રોન ડાયમંડ મશીનરી વેચાણ અને સિન્થેટિક ડાયમંડ ઉત્પાદનનું યુનિક મોડેલ કંપનીએ રજૂ કર્યું હતું.જેમાં રોકાણકારો મશીનરી ખરીદતા પણ પ્રત્યક્ષ કબજો લઈ શકતા નહીં આ મશીનરી પર પોતાના કારીગરો મોકલી રોકાણકારો જોબવર્કનું કામ મેળવતા હતા.પણ લેબગ્રોન ઇન્ડસ્ટ્રીની મંદીમાં હીરા અને મશીનરીનાં ભાવો પડી જતા આ મોડેલ ફેઈલ થઈ ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.રૂ. 1000 કરોડથી વધુની ચુકવણીમાં ડિફોલ્ટ થયાની માર્કેટમાં ચર્ચા ચાલી રહી છે.શહેરના લેણદારો આ હીરા કંપની પર હવે રૂ. 1000 કરોડથી વધુની લેણી રકમની ચુકવણી કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂકી રહી છે.
1,000 કરોડની કંપનીના ભાગીદારો છેલ્લા 5 વર્ષથી આ પ્રકારે બજારમાં કામ કરી રહ્યા છે,જેમાં લેબગ્રોન મશીનો વસાવ્યા હોય તેમાં ઈન્વેસ્ટમેન્ટ મેળવી મોટો નફો ચૂકવવાના વાયદા કરી ચિઠ્ઠીઓ મારફતે કરોડો રૂપિયા એકઠા કરી ચુક્યા છે.ઉપરાંત આ કંપનીને ઇઝરાયેલ બેઝ સરિન ટેક્નોલોજીસએ કોપીરાઇડ,પેટર્ન અને કલેઇમ મુદ્દે સુપ્રીમ કોર્ટ સુધી લઇ ગઈ છે.ચર્ચા છે કે સરિન ટેક્નોલીઝના મશીનોનું ડુપ્લિકેશન કરી બજારમાં જે વ્યાપાર કર્યો છે અને રૂપિયા ઉઘરાવ્યા છે તે તમામ મળીને આંકડો માત્ર લેબગ્રોન ડાયમંડમાં જ 1000 કરોડ કરતા વધુનો છે જયારે મશીનનો મામલે જે આંકડો છે તે આંખ આંજી નાંખે એટલો ઊંચો છે.હાલમાં કેટલાંક હીરાબજારના મદારીઓ થકી મામલો શાંત પાડવાનો પ્રયત્ન થઇ રહ્યો છે,પરંતુ આ કંપનીનો ફુગ્ગો ગમે ત્યારે ફૂટી શકે એવી શક્યતા છે.બીજી તરફ લેણદારો સતત ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે કંપનીના સંચાલકો દિવાળી સુધી રાહ જોવાનું અને બધું ઠીકઠાક હોવાનું જણાવી રહ્યા છે.જાણકારોના મતે આ કંપનીનો પરપોટો ગમે તે ઘડી એ ફૂટે એવી શક્યતા છે.જયારે અમેરિકામાં મોટાપાયે નાણાં રોકવામાં આવ્યા છે.જેમાં રિયલ એસ્ટેટના વીલાનો પ્રોજકેટ પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે આશંકા સેવાઈ રહી છે કે અહીંયા જે રૂપિયા એકઠાં કરવામાં આવ્યા તે વિદેશમાં રોકાણ કરી પેઢી કાચી પડી હોવાની વાત ફેલાવી નવા ખેલનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે.હાલ તો હીરાબજારમાં ચારે તરફ આ કંપની 1000 કરોડમાં પ્રિ-પ્લાન ઉઠમણું કર્યું કે કાચી પડી એ આગની જેમપ્રસરી રહી છે.