– તેમની સાથે સુપ્રીમકોર્ટમાં મંજૂર 34 પદોમાંથી 32 પદો ભરાઈ ગયા
– સુપ્રીમકોર્ટની કોલેજિયમે ગયા અઠવાડિયે જ તેમની બઢતીની ભલામણ કરી હતી
કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાં અને એસ.વી. ભટ્ટીની નિમણૂક કર્યાની નોટિફિકેશન જાહેર કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાં અને એસ.વી. ભટ્ટીને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કર્યા છે.સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ગયા અઠવાડિયે તેમની બઢતીની ભલામણ કરી હતી.
કેન્દ્રીય કાયદામંત્રીએ આપી માહિતી
કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ટ્વિટ કરીને બંને જજોની નિમણૂક અંગે માહિતી આપી છે.તેમણે લખ્યું છે કે ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા-વિચારણાં કર્યા પછી જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાં અને એસ.વી.ભટ્ટીને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કર્યા છે.
સુપ્રીમ કોર્ટમાં કેટલા ન્યાયાધીશો છે?
જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાં હાલમાં તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે અને જસ્ટિસ ભટ્ટી કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે.તેમની નિમણૂક સાથે સુપ્રીમ કોર્ટમાં 34 જજોની મંજૂર સંખ્યામાંથી 32ની સંખ્યા થઈ જશે.તેની સાથે જ સુપ્રીમકોર્ટની કોલેજિયમે ત્રણ હાઈકોર્ટના જજોની અન્ય હાઈકોર્ટમાં બદલી કરવાની ભલામણ પણ કરી હતી.
ત્રણ હાઈકોર્ટના જજોની બદલીની ભલામણ
આ સાથે જ સુપ્રીમકોર્ટની કોલેજિયમે ફરી એકવાર ત્રણ હાઈકોર્ટના જજોની બદલીની ફરી એકવાર ભલામણ કરી હતી અને તેમની બદલી ન કરવા અને મૂળ હાઈકોર્ટમાં જાળવી રાખવાની જજો દ્વારા કરાયેલી વિનંતીની પણ અવગણના કરવામાં આવી હતી.માહિતી અનુસાર ત્રણ જજો દ્વારા કરાયેલી વિનંતીમાં સુપ્રીમકોર્ટની કોલેજિયમને કોઈ મેરિટ જણાયો નહોતો.