– જેમણે રિટર્ન ભર્યુ નથી તે વહેલામાં વહેલા તકે ભરી દે, અંતિમ ક્ષણની રાહ ન જુએ તથા તારીખ વધવાની આશા ન રાખે
– રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાની સ્પષ્ટતા
આવકવેરા કરદાતાઓ કે જેમણે અત્યાર સુધી ઇન્કમ ટેક્સ રીટર્ન (આઇટીઆર) ફાઇલ કર્યુ નથી તેઓ વહેલામાં વહેલી તકે આઇટીઆર ભરે કારણકે નાણા મંત્રાલય આઇટીઆર ભરવાની અંતિમ તારીખ ૩૧ જુલાઇમાં વધારો કરવાનું નથી તેમ મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ એક નિવેદનમાં જણાવ્યું છે.તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમને આશા છે કે ગયા વર્ષની સરખામણીમાં આઇટીઆર ફાઇલિંગ ગયા વર્ષની સરખામણીમાં વધુ રહેશે.ગયા વર્ષે એક જુલાઇ સુધીમાં આકારણી વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૫.૮૩ કરોડ ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતાં.તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે આઇટીઆર ફાઇલિંગની ઝડપ વધારે હોવાથી હું આઇટીઆર ફાઇલ કરનારાઓનો આભાર વ્યક્ત કરું છું.હું આઇટીઆર ફાઇલ નહીં કરનારાઓને અપીલ કરું છું કે તે છેલ્લી ક્ષણની રાહ ન જુએ અને એ આશા ન રાખે કે અંતિમ તારીખ ૩૧ જુલાઇ લંબાવવામાં આવશે.
૨૦૨૩-૨૪ના બજેટ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં સરકાર ટેક્સ પેટે ૩૩.૬૧ લાખ કરોડ રૃપિયા મળે તેવી શક્યતા છે.કસ્ટમ ડયુટી કલેક્શન ૧૧ ટકા વધીને ૨.૩૩ લાખ કરોડ રૃપિયા થવાનો અંદાજ છે.જીએસટી કલેક્શન ૧૨ ટકા વધીને ૯.૫૬ લાખ કરોડ રૃપિયા રહેવાનો અંદાજ છે.ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ બંનેને ધ્યાનમાં લઇએ તો કુલ ટેક્સ કલેક્શન ૧૦.૪૫ ટકા વધીને ૩૩.૬૧ લાખ કરોડ રૃપિયા રહેવાનો અંદાજ છે.ગત નાણાકીય વર્ષમાં ટેક્સ કલેક્શન ૩૦.૪૩ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું.