– પેટા ચૂંટણીના ફોર્મ ભરવા માટેની આખરી તારીખ 22 જુલાઈ છે
– ભાજપે ઉમેદવાર જાહેર કરવા પહેલા નિરીક્ષકો પણ મોકલી આપ્યા લગભગ 20 તારીખની આસપાસ ઉમેદવાર પણ જાહેર થાય તેવી શક્યતા : ત્રિપાંખીયો જંગની શક્યતા
સુરત,તા.17 જુલાઈ 2023,સોમવાર : સુરત પાલિકાના વોર્ડ નંબર-20ની પેટા ચૂંટણી માટે નિરીક્ષકો સામે ભાજપના 34 જેટલા દાવેદારોએ ચૂંટણી લડવા માટે તૈયારી બતાવી છે.તો બીજી તરફ પાલિકાના વિપક્ષ આપ કે કોંગ્રેસમાં હજી ઉમેદવાર માટે કોઈ ચળવળ જાહેર કરવામા આવી નથી.જો બન્ને પક્ષો પણ ઉમેદવાર જાહેર કરે તો પાલિકાની ચૂંટણીની જેમ ત્રિપાંખીયો જંગ થાય તેવી શક્યતા છે.આ ચૂંટણી રસાકસીવાળી થશે કે નહી તે ત્રણેય પક્ષ ઉમેદવાર જાહેર કરે પછી જ નક્કી થશે.
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20 ના કોર્પોરેટર જયેશ જરીવાલાનું 22 મે 2022 ના રોજ અવસાન થતાં તેમની જગ્યાએ ખાલી પડેલી જગ્યા પર 6 ઓગસ્ટના રોજ ચૂંટણી થશે.આ માટે ભાજપે ગઈકાલે રવિવારે નિરીક્ષકો મોકલ્યા હતા.સુરતના પ્રભારી શીતલ સોની અને ભરૂચના પુર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે સમક્ષ ભાજપના 34 જેટલા દાવેદારોએ ચૂંટણી લડવા માટે તૈયારી બતાવી છે.
આ બેઠક માટે ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ અને ઉમેદવારી પત્રક પાછા ખેંચવાની છેલ્લી તારીખ 25 જુલાઈ જાહેર કરવામાં આવી છે. 6 ઓગસ્ટના રોજ મતદાન થશે અને 8 ઓગસ્ટના રોજ પરિણામ જાહેર થશે.ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ છે તેમ છતાં હજી પાલિકાના વિપક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર માટે કોઈ કવાયત હાથ ધરવામાં આવી નથી.આગામી દિવસોમાં ત્રણેય પક્ષ દ્વારા ઉમેદવાર જાહેર કરવામા આવે એટલે ફરી એકવાર ત્રિપાંખીયો જંગ ખેલાશે તે નક્કી છે.જોકે, આ ચૂંટણી રસાકસીવાળી થશે કે નહી તે ત્રણેય પક્ષ ઉમેદવાર જાહેર કરે પછી જ નક્કી થશે.