– માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
– ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યો હતો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ સાથે સંકળાયેલા ગુનાહિત માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.કોંગ્રેસ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગણી કરવામાં આવી હતી.સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવા સંમતિ આપી છે.આ મામલે 21 જુલાઈએ સુનાવણી થશે.આ અરજી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા દાખલ કરવામાં આવી છે.ગુજરાત હાઈકોર્ટે 7 જુલાઈના રોજ આ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યો હતો.આ મામલામાં નીચલી કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધીની સંસદ સભ્યતા રદ્દ કરવામાં આવી હતી.
ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું હતું…
ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટનો આદેશ સાચો છે.આ આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી,તેથી અરજી નકારી કાઢવામાં આવે છે. 2019માં રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.આ મામલે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.આ વર્ષે નીચલી અદાલતે તેમને દોષિત ઠેરવ્યા અને બે વર્ષની સજા સંભળાવી.
મામલો શું હતો?
રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું, નીરવ મોદી,લલિત મોદી,નરેન્દ્ર મોદીની અટક કોમન કેમ છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ગુનાઈત માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.