રાજ્ય સરકારે 70 IPS અધિકારીની બદલીનું લિસ્ટ જાહેર કર્યા બાદ હજુ ઘણા સિનિયર અધિકારીઓ સહિત જિલ્લાના પોલીસ વડાની બદલીઓનું બીજું લિસ્ટ આગામી મહિને જાહેર કરાશે.ચૂંટણી ટાણે IBમાંથી અનુભવી અધિકારીઓને ખાસ જવાબદારી સોંપાશે.જ્યારે ACBના ડાયરેક્ટર તરીકે પણ સિનિયર અધિકારીને પોસ્ટિંગ અપાશે.અમદાવાદ અને વડોદરા બાદ સુરત પોલીસ કમિશનર તરીકે પણ નવો ચહેરો મૂકાય તેવી શક્યતા છે.
અહેવાલ અનુસાર, ઘણા લાંબા સમયથી પોલીસ ભવનમાં જ ફરજ બજાવતા DGP અનિલ પ્રથમને બદલીઓના લિસ્ટમાં સ્થાન મળ્યું નથી.બીજી તરફ રાજકોટના તત્કાલિન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને સ્થાનિક રાજકીય અગ્રણીઓ સાથેના મનદુખને લઇને જૂનાગઢ પોલીસ તાલીમ શાળામાં મૂકાયા છે.તેમની પણ બદલીની અપેક્ષા ઠગારી નિવડી છે.જેલના એડિશનલ DGP ડો. કે.એલ.એન. રાવને પણ મહત્ત્વની જવાબદારી સોંપવાનો તખ્તો ઘડાયો હતો પરંતુ કોઇ કારણોસર તેમને જેલના વડા તરીકે યથાવત્ રાખવામાં આવ્યા છે.
પોલીસ ભવનમાં લાંબા સમયથી રખાયેલા નરસિમ્હા કોમરને પણ ભવનમાં જ બદલી આપવામાં આવી છે.સુરત રેન્જ IGP તરીકે ફરજ બજાવતા પીયૂષ પટેલને એડિશનલ DGPના પ્રમોશન સાથે સુરતમાં રખાયા હતા.આ બદલીઓના લિસ્ટમાં તેમને પ્રતિક્ષામાં રખાયા છે.જેને પગલે તેમને સુરત અથવા ગાંધીનગર ખાતે કોઇ મહત્ત્વની જવાબદારી સોંપાય તેવી સંભાવના છે.
આ ઉપરાંત ATSના IGP અમિત વિશ્વકર્મા,ACBના બિપીન આહિરે તથા મકરંદ ચૌહાણ,અમદાવાદના JCP અજય ચૌધરી દ્વારા પણ બદલી માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.70 અધિકારી ફરજના નવા સ્થળે હાજર થાય ત્યાર બાદ બદલીઓનું બીજુ લિસ્ટ જાહેર થાય તેવી સંભાવના છે.