પાકિસ્તાનમાં અહેમદિયા ઉદ્યોગપતિની કંપનીના સોફ્ટ ડ્રિન્ક સામે પણ બહિષ્કારની ઝૂંબેશ

146

ઈસ્લામાબાદ,તા.29 જુલાઈ 2023,શનિવાર : પાકિસ્તાનમાં અહેમદીયા સમુદાય અવાર નવાર કટ્ટરવાદીઓના નિશાના પર રહેતો હોય છે. હવે અહેમદિયા સમુદાયના એક ઉદ્યોગપતિની માલિકીના સોફ્ટ ડ્રિન્ક પર પણ પાકિસ્તાનમાં તવાઈ આવી છે.પાકિસ્તાનમાં શેજાન નામની કંપની સોફટ ડ્રિન્ક બનાવતી જાણીતી કંપનીઓ પૈકીની એક છે અને છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનના અલગ અલગ વિસ્તારોમાં તેનો બહિષ્કાર કરવાની ઝુંબેશ શરુ કરાઈ છે.તેની પાછળનુ કારણ એટલુ જ છે કે કંપનીની માલિકી અહેમદિયા સમુદાયના વ્યક્તિ ધરાવે છે.

આ કંપનીની સ્થાપના 1964માં થઈ હતી અને્ તે સોફ્ટ ડ્રિન્ક સિવાય સ્કવેશ,સિરપ,જામ,સોસ,ચટણી અને અથાણા જેવી પ્રોડક્ટસનુ પણ ઉત્પાદન કરે છે.તેની લોકપ્રિય પ્રોડકટમાં મેન્ગો જ્યુસ પણ સામેલ છે.જે પાકિસ્તાનના બાળકોમાં ફેવરિટ છે.જોકે આ પ્રોડકટ અહેમદિયા સમુદાયનો વિરોધ કરનારા કટ્ટરવાદીઓના નિશાના પર છે.પેશાવરમાં આ પ્રોડકટ વેચતી દુકાનો તેમજ ડિલિવરી કરતા વાહનોના ડ્રાઈવરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.અહેમદિયા સમુદાય લાંબા સમયથી પાકિસ્તાનમાં અત્યાચારોનો સામનો કરી રહ્યો છે.1974માં તેમને બિન મુસ્લિમ જાહેર કરી દેવાયા હતા. 2010માં તેમની મસ્જિદ પર થયેલા હુમલામાં 85 લોકોના મોત થયા હતા. ગયા મહિને સિંધ પ્રાંતમાં આ સમુદાયના ધાર્મિક સ્થળના મિનારા ટોળાએ તોડી પાડ્યા હતા

Share Now