કામગાર નેતા ડો.દતા સામંત હત્યા કેસમાં છોટા રાજન નિર્દોષ જાહેર

46

– 1997માં દતા સામંતની 17 ગોળી મારીને હત્યા કરાઈ હતી
– સામંતની હત્યાના કાવતરાંમાં રાજનની સંડોવણી સાબિત કરવા પુરતા પુરાવા નહીં જોકે, રાજન અન્ય કેસોમાં જેલમાં જ રહેશે

મુંબઈ : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆી)ની સ્પેશિયલ કોર્ટે શુક્રવારે ગેંગસ્ટર છોટા રાજનને ટ્રેડ યુનિયનના નેતા ડો. દતા સામંતની હત્યાના કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યો હતો.સામંતની હત્યાનું છોટા રાજને કાવતરૃં ઘડયું હોવાનું સાબિત કરવા પુરાવા ન હોવાનું કોર્ટ કહ્યું હતું.જો કે જુદા જુદા શહેરમાં ગેંગસ્ટર રાજન ડઝનબંધ કેસોમાં ટ્રાયલનો સામનો કરી રહ્યો હોવાથી જેલમાંથી બહાર આવી શકશે નહીં.

મુંબઈમાં ૧૯૮૧માં સામંતે કાપડ મિલ કામદારોની હડતાળનું આયોજન કર્યું હતું.૧૬ જાન્યુઆરી, ૧૯૯૭ના સામંત જીપમાં પવઈથી ઘાટકોપરમાં પંતનગરમાં તેમની ઓફિસમાં જઈ રહ્યા હતા.ત્યારે વિક્રોલીમાં પદમાવતી રોડ પર બાઈક પર આવેલા હુમલાખારોએ સામંત પર ૧૭ રાઉન્ડ ફાયર કર્યા હતા.અંધાધૂંધ કરાયેલી ફાયરિંગમાં સામંતને અનેક ગોળી વાગી હતી.તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોકટરે સામંતને મૃત જાહેર કર્યા હતા.આ ઘટના બાદ સામંતના ડ્રાઈવરની ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે રાજને તેમની હત્યાનું કાવતરું ઘડયું હતું.પરંતુ સ્પેશિયલ જજ બી.ડી. શેલલ્કેએ શુક્રવારે ચુકાદામાં કહ્યું હતું કે રાજને હત્યાનું કાવતરૃં ઘડયું હતું કે સાબિત કરવા માટે કંઈપણ રજૂ કરવામાં આવ્યું નથી.અન્ય સાક્ષીઓની જુબાની આરોપીઓ સામેના આરોપો સાબિત કરવા માટે પૂરતા નથી.ટ્રાયલના પ્રથમ તબક્કામાં જુલાઈ, ૨૦૦૩માં ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.

રાજન સામેના કેસમાં ગેંગસ્ટર ગુરુ સાટમ અને રાજનના વિશ્વાસુ રોહિત વર્માને ફરાર આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.તેમની અલગ ટ્રાયલ કરવામાં આવી હતી.ઓકટોબરમાં ૨૦૧૫માં ઈન્ડેનેશિયાના બાલીથી રાજનની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેની સામે નોંધાયેલા તમામ કેસની તપાસ સીબીઆઈએ હાથ ધરી હતી.

Share Now