– સેક્રેટરી જેવી ચાવડાની ઓફિસ,સરકારે સિક્યોરિટી પણ પૂરી પાડી હતી
– વનરાજસિંહ માટે રાતોરાત HK કોલેજનું સેન્ટર બંધ કરાવી યુનિ.માં ડિપાર્ટમેન્ટ શરૂ કરાવાયું
– પ્રદીપસિંહ અને ચાવડાની બેલડીના ઈશારે યુનિવર્સિટીમાં બધું થતું હોવાની જોરશોરથી ચર્ચા
ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યું તેના પગલે ગુજરાત યુનિવર્સિટી ચર્ચામાં આવી છે.યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાના ભવનો અને ગેટ બાંધવામાં આવ્યા તેના કોન્ટ્રાક્ટમાં લાખો-કરોડોની કટકી કરવામાં આવી હોવાની ચર્ચા છે. લગભગ 300 કરોડના બાંધકામ કરવામાં આવ્યા હોવાની વાત છે.એક ગેટ પાછળ એક કરોડથી વધુ રકમનું આંધણ થયાનું ચર્ચાય છે.હાલમાં એકબીજા ઉપર કાદવ ઉછાળની પ્રવૃત્તિ શરૂ થઈ છે તેમાં હવે કોનો વારો આવશે ? તેની હાલમાં કોઈને ખબર નથી.પ્રદીપસિંહ અને વનરાજસિંહ ચાવડાની બેલડીના ઈશારે યુનિવર્સિટીમાં બધું થતું હોવાની જોરશોરથી ચર્ચા છે.
શિક્ષણ વર્તુળમાં ચાલતી ચર્ચા મુજબ ભાજપના દબાણને વશ થઈ ગુજરાત યુનિ. દ્વારા વર્ષ-2019માં વનરાજસિંહ ચાવડાની અધ્યાપક તરીકે નિયુક્ત કરવા એચ.કે કોલેજમાં ચાલતા સેન્ટરને બંધ કરાવી રાતોરાત અલગથી ઈન્ડિયન ક્લચરલ નામનો ડિપાર્ટમેન્ટ શરૂ કરી દીધો.આ પહેલા આવો કોઈ ડિપાર્ટમેન્ટ પણ નહોતો ચાલતો.એટલું જ નહીં વર્ષ-2020માં તત્કાલિન ગૃહમંત્રી દ્વારા આ મહાશયને સરકારના ખર્ચે સિક્યુરિટી પુરી પાડવામાં આવી હતી.અધ્યાપક ચાવડાની ઓફિસ કોઈ સેક્રેટરીથી કમ નહીં તેવી તૈયાર કરાઈ છે.આ સિવાય ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓના પ્રવેશ થાય એ માટે યુનિ. દ્વારા અલાયદો એક ઠરાવ પણ પ્રસિદ્ધ કરાયો હોવાનું જાણવા મળે છે.છેલ્લા કેટલાક વર્ષથી યુનિવર્સિટીની તમામ કમિટીના નિર્ણયો પણ તેમના જ ઈશારે લેવામાં આવતા હોવાનું યુનિ.વર્તુળમાંથી જાણવા મળ્યું છે.મહત્વનું તો એ છે કે, યુનિવર્સિટીના વિવિધ વિભાગના HOD, સિનિયર પ્રોફેસર્સ પણ તેમને સાહેબ તરીકે આદરથી સન્માન આપે છે.સરકાર સુધી એવી પણ ફરિયાદો પહોંચી છે કે, આ ડિપાર્ટમેન્ટના CCTV ફૂટેજ ચકાસવામાં આવે તો તેઓએ કેટલા વર્ગો લીધા છે તેની પણ વિગતો સામે આવી જશે.મહત્વની વાત એ છે કે, વનરાજસિંહની ભરતીને લઈ સરકાર સમક્ષ અનેક ફરિયાદો પહોંચી હોવા છતાં સરકારના પેટનું પાણી પણ હલ્યું નથી.આ વનરાજસિંહ પહેલા એનએસયુઆઈમાં હતા પછી પાર્ટી બદલી ભાજપમાં આવી ગયા ત્યારથી તેનો દબદબો શરૂ થયો છે.
વિસ્તરણ અને વિકાસના નામે કરોડોના બાંધકામમાં ભ્રષ્ટાચારની ગંધ
ગુજરાત યુનિવર્સિટીમાં વિસ્તરણ અને વિકાસના નામે કરોડો રૂપિયાના ભવનો બાંધવામાં આવ્યા છે.જુદા જુદા મહાનુભાવોના નામ આપીને ગેટ બાંધવામાં આવ્યા છે.આવા એક ગેટ પાછળ કહેવાય છે કે દોઢ થી બે કરોડ ખર્ચવામાં આવ્યા છે.વાસ્તવમાં 70 લાખમાં ગેટ તૈયાર થઈ જાય.લગભગ 300 કરોડના બાંધકામ કરવામાં આવ્યા હોવાની વાત છે.જેના કોન્ટ્રાક્ટમાં કટકી કરવામાં આવ્યાની ચર્ચા છે.
બાંધકામમાં ભ્રષ્ટાચાર માટે સિસ્ટમ બનાવી હતી
ગુજરાત યુનિવર્સિટીમાં બાંધકામમાં કટકી કરવા માટે પણ આ લોકોએ સિસ્ટમ બનાવી હતી.કોન્ટ્રાક્ટમાં કટકી કરે અને બાંધકામની ગુણવત્તા નબળી રાખતા હતા.બીજું કે જેટલી રકમનું ટેન્ડર હોય તે મળતિયાને અપાવતા હતા.બાદમાં રિવાઈઝ કરીને ટેન્ડરને દોઢ થી પોણા બે કરોડ સુધી પહોંચાડતા હતા.મૂળ રકમ બાદ કરતા રિવાઈઝ કરાયું હોય તે બધી રકમ આ લોકો માટે મલાઈ હતી.