ભારતીય જનતા પાર્ટીમાં લાંબા સમયથી ચાલી રહેલી યાદવાસ્થળીમાં વધુ એક રાજકીય નેતા અને પ્રદેશ મહામંત્રીનો ભોગ લેવાયો છે.પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેનો સ્વીકાર કરી લીધો છે.હાલ સમગ્ર પદભાર ઉત્તર ગુજરાતના પ્રભારી રજની પટેલને સોંપવામાં આવ્યો છે.અગાઉ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટની જ આવી રીતે અકાળે એક્ઝિટ થઇ હતી.
થોડા સમય પહેલાં સુધી અમદાવાદ અને સુરત મહાનગરના પ્રભારી તેમજ પ્રદેશ કાર્યાલય ઇન્ચાર્જ પ્રદીપસિંહ વાઘેલાએ ‘અંગત’ કારણોસર રાજીનામું આપ્યાનું મીડિયાને જણાવ્યું છે અને કહ્યું છે કે, સાત દિવસ પહેલાં જ રાજીનામું પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યું હતું.અલબત્ત, વાઘેલાએ અન્ય કોઇ વાતનો ફોડ પાડ્યો નથી પરંતુ કાર્યાલયથી માંડીને કાર્યકરોમાં ચાલતી ચર્ચા મુજબ વાઘેલાના વિસ્તાર સાણંદ તથા આસપાસના વિસ્તારોમાં ફરતી થયેલી ગંભીર પ્રકારના આરોપો મૂકતી પત્રિકાઓ છેક વાયા કોબા,ગાંધીનગર થઇ દિલ્હી સુધી પહોંચી હતી.આ પત્રિકાનું પગેરું દબાવવામાં આખરે વાઘેલાની પોતાની આશાસ્પદ રાજકીય કારકિર્દી પર હાલ તો બ્રેક લાગી ગઇ છે.
પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકારોના પ્રશ્નોના ઉત્તરમાં મહામંત્રી રજની પટેલે સ્વીકાર્યું હતું કે, પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે અને એનો સ્વીકાર થયો છે.તેમણે કહ્યું કે,વાઘેલાએ વ્યક્તિગત કારણોસર હાલના હોદ્દા પરથી રાજીનામું આપવાની દરખાસ્ત પક્ષ સમક્ષ મૂકી હતી.જોકે, એમની સામે સોશિયલ મીડિયા કે અન્ય રીતે ફરિયાદોની વાત ચાલે છે એવી કોઇ ફરિયાદ કે પત્રિકા પક્ષના કોઇ સ્તરે મળી નથી કે તેની કોઇ તપાસ ચાલતી નથી.તેમણે કહ્યું કે, પ્રદીપસિંહ વાઘેલા જ નહીં, કોઇપણ કાર્યકર માટે કાર્યાલયના દ્વાર હંમેશા ખુલ્લા હોય છે.આ મામલો ત્યારે ચર્ચાના ચકડોળે ચઢ્યો જ્યારે SOGએ રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીના કુલપતિપદેથી થોડા દિવસો પહેલાં જ નિવૃત્ત થયેલા હિમાંશુ પંડ્યાની લંબાણપૂર્વક પૂછપરછ કરી હતી.આ પહેલાં પણ અન્ય કેટલાક લોકોની પૂછપરછ કરી હતી.પોલીસે પોતાને મળેલી માહિતીને પણ પોતાના ઉપરીઓને અવગણીને સંબંધિત સ્થાનો સુધી પહોંચાડી હતી અને આને કારણે મામલો વધારે ડહોળાતા,આખરે એસઓજીએ એક જૂની અરજીને ફરિયાદના રૂપમાં સ્વીકારી,પાલડીમાં રહેતાં મુકેશ શાહ અને પુત્ર જીમિત શાહની ધરપકડ કરી હતી.મુકેશભાઇ ભગવાનદાસ શાહ અમદાવાદ જિ.પં.માંથી નિવૃત્ત થયેલા સિવિલ એન્જિનિયર છે અને પુત્ર ભાજપના જ નેતાઓ સાથે ઘરોબો ધરાવે છે.
અહેવાલ અનુસાર, કહે છે કે મુકેશભાઇ શાહને વાઘેલાના આશીર્વાદથી જ જિલ્લામાં ‘કારોબાર’ની છૂટ મળી હતી અને એમાં કોઇ મુદ્દે ડખો થતાં સંબંધો વણસ્યા હતા.આથી ખિન્ન પિતા અને પુત્રએ વાઘેલાના ચિઠ્ઠાને પત્રિકાના રૂપમાં ફરતી કરી છેક કોબા, ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચાડી હતી.રાજકીય કારકિર્દી સામે જોખમ ઊભું થતાં એસઓજીમાં રહેલા ઓળખીતા અધિકારી મારફતે ગુપ્ત રાહે તપાસ હાથ ધરાવી હતી.આખરે મામલો છેક મીડિયા સુધી પહોંચે એ પહેલાં જ વાઘેલાને રાજીનામું આપવાની સૂચના અપાઇ હતી.આ મામલાને રાષ્ટ્રીય નેતૃત્વએ ગંભીરતાથી લીધો છે.આગામી સમયમાં વધુ કોઇ નેતા કે નેતાઓની આવી રીતે એક્ઝિટ થાય તો નવાઇ નહીં, તેમ કાર્યકરો માની રહ્યા છે.
તીન તીગડા, કામ બીગડા
છેલ્લા કેટલાક સમયથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને એમાંથી પોતાનો ભાગ માગવા સુધી પહોંચેલી પત્રિકા,ફરિયાદના મામલે પોતાના જ સંસદીય મતવિસ્તારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવા સુધી રેલો પહોંચ્યો છે.હાલ તો પોલીસે વસાવાના સમર્થકોને જેલ હવાલે કરી દીધા છે એ ઘટનાક્રમ પૂર્વે જ વડોદરા શહેરના મેયર સામે પત્રિકાઓ ફરતી થઇ હતી અને એમાં શહેર સંગઠન ઉપરાંત કોર્પોરેટર સહિતના લોકોની સામેલગીરી બહાર આવી હતી.આ બન્ને પ્રકરણો ચર્ચામાં છે એમાં જ અમદાવાદ જિલ્લામાં મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સામે પત્રિકા ફરતી થઇ હતી અને આ પત્રિકામાં ગંભીર આરોપો,સર્વે નંબર સાથે જમીનો, ગુજરાત યુનિવર્સિટીમાં કેટલાક ચોક્કસ કોન્ટ્રાક્ટ આપવા,જમીનોનો કારોબાર વગેરે વિગતો રજૂ કરવામાં આવી હતી.આથી ચોંકી ઊઠેલા વાઘેલાએ આ પત્રિકા પાછળ કોનો હાથ છે એની જાણકારી મેળવવા પોતાની વગનો ઉપયોગ કરી એસઓજીના એક અધિકારીને કામ સોંપ્યું હતું.એસઓજીએ તપાસ દરમિયાન પાલડી રહેતા પિતા-પુત્ર મુકેશ શાહ અને જીમિત શાહ એમ બે વ્યક્તિઓની ભૂમિકા સાથેના પુરાવા મેળવ્યા હતા.આ તરફ તપાસમાં અન્ય કેટલાક તથ્યો મળી આવતાં મામલો વધારે ગરમાયો હતો.પોલીસે ગુજરાત યુનિવર્સિટીના એક મહિલા પ્રોફેસર કે જેઓ શાહ પરિવારમાંથી જ આવે છે એમને પૂછપરછ માટે બોલાવ્યા હતા.એમણે આપેલી વિગતોથી તપાસ વાઘેલા માટેના બદલે વાઘેલા સામે શરૂ થઇ ગઇ હતી.મુકેશ શાહ અને જીમિત શાહે વાઘેલાના જ ખિલે કૂદીને ભાજપમાં વર્ચસ્વ પેદા કર્યું હતું અને મુકેશ શાહ તથા જીમિત શાહ સાથેના સંબંધો વણસતા વાઘેલા સામે પત્રિકા ફરતી કરી હતી.તો આ પત્રિકામાં રહેલા આરોપોની તથ્યતા તપાસવાની સૂચના પણ ઉપરથી આવતાં મામલો વધારે સંગીન બની ગયો હતો.કહે છે કે વાઘેલાની ભલામણથી જ મુકેશ શાહના પત્નીને યુનિવર્સિટીમાં નોકરી મળી હતી.એમણે યુનિવર્સિટીના તત્કાલિન કુલપતિ હિમાંશુ પંડ્યા વિરુદ્ધ કેટલીક ફરિયાદો કરી હતી.આ ફરિયાદો અંગે એસઓજીએ પૂછપરછ કરીને પંડ્યા અને વાઘેલાના સંબંધોની જાણકારી મેળવી હતી.આ પછી પંડ્યાને પૂછપરછ માટે બોલાવી વાઘેલા વિરુદ્ધની જાણકારીનો જથ્થો મેળવ્યો હતો.કહે છે કે પંડ્યાએ વાઘેલાની સૂચનાથી કરેલા કામો વગેરે સહિતના વટાણા વેરી દીધા હતા.આ જાણકારીઓમાં આરોપોમાં પ્રાથમિક તથ્ય જણાતા વાઘેલાને પદત્યાગના સંકેતો આપી દેવાયા હતા.
પ્રભાારી બન્યા બાદ પણ યુનિવર્સિટીનો મોહ ન છૂટ્યો
ગુજરાત ભાજપના યુવા નેતા તરીકે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદીપસિંહ વાઘેલાને યુવા મોરચાના પ્રમુખ બનાવ્યા હતા.બે ટર્મ સુધી યુવા મોરચાના સંગઠનને રાજ્યભરમાં મજબૂત કરી પોતાની કારકિર્દીને આગળ વધારવા સાથે સાણંદમાં વીરાંજલિ કાર્યક્રમ સહિતના સામાજિક પ્રવૃત્તિને ચાલુ રાખી હતી.જોકે, વાઘેલા યુવા મોરચા,એબીવીપી સહિતની પ્રવૃત્તિમાં સક્રિય રહ્યા હોવાથી ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ અને સેનેટ મેમ્બર્સની પસંદગીમાં આગળ પડતી ભૂમિકા ભજવતા રહ્યા હોવાનું વિદ્યાર્થી નેતાઓનું કહેવું છે.એટલું જ નહીં યુનિવર્સિટીના કામોમાં પણ પોતાનું ઇન્વોલમેન્ટ સતત રાખતા રહ્યા હતા.એમાં પ્રમુખપદે સી.આર. પાટીલની ટીમમાં કદ મોટું થયું,અમદાવાદ-સુરતના પ્રભારી બન્યા, પણ યુનિવર્સિટીમાં ચંચુપાત ચાલુ રાખી હતી.યુનિવર્સિટીમાં કેટલીક ભરતી,નિમણૂક,સિન્ડિકેટ સેનેટ મેમ્બર્સની પસંદગીમાં તો ઠીક,યુનિવર્સિટીની જમીનોના વહીવટ,વિકાસ કામોમાં કોન્ટ્રાક્ટ પસંદગીમાં એમના સૂચનોના પાલનનો આગ્રહ રખાતા હતા.આખરે આ મામલા જ એમની સામે આવી પડ્યા છે.
ભાજપમાં ભેદી પ્રવૃત્તિનો જૂનો ઇતિહાસ, મહામંત્રીપદ સલામત નથી !
ભારતીય જનતા પાર્ટીના ચાર દશકના ઇતિહાસમાં ગુજરાતમાં વિતેલા વર્ષોમાં અનેક ઘટનાઓ પ્રથમ વખત બની રહી છે એની પાછળનું કારણ છે કે પક્ષનો ઝડપથી વધતો જતો વ્યાપ અને વિસ્તાર.આ માટે પક્ષે અનેક મુદ્દાઓ સાથે બાંધછોડ અને સમજૂતી કરી છે.આ સડો ધીમે ધીમે પદ પર બેસનારને લાગી જતો હોય છે અને આ જ કારણ છે કે દસ વર્ષમાં ભાજપમાં ત્રણ પ્રદેશ મહામંત્રીઓની અકાળે કારકિર્દી પૂરી થઇ ગઇ છે. ૨૦૧૫-૧૬માં મધ્ય ગુજરાતના ઇન્ચાર્જ અને પ્રદેશ મહામંત્રી ભરત પંડ્યા, ૨૦૨૨-૨૩માં પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ અને હવે પ્રદીપસિંહ વાઘેલાનું નામ ઉમેરાયું છે.એટલે સૌથી મહત્ત્વના ગણાતા મહામંત્રીનું પદ પણ હવે સલામત નથી.આ જ રીતે ભાજપમાં પત્રિકાઓ વહેતી કરી પક્ષમાં જ વિરોધીઓને ખતમ કરવાની પ્રવૃત્તિ પણ વર્ષો જૂની છે એમાં સૌથી શક્તિશાળી સંગઠન મહામંત્રી સંજય જોશીને બદનામ કરતી વીડિયો ક્લિપ ફરતી કરવામાં આવી હતી.આમ, ભાજપમાં આ પ્રવૃત્તિઓનો ઇતિહાસ ઘણો જૂનો છે.
ગુપ્ત રાહે ચાલતી તપાસ રાજીનામા સુધી પહોંચી ?!
પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પોતાના વિરુદ્ધ ફરતી થયેલી પત્રિકાનું પગેરું દબાવવા માટે પોતાના ઓળખીતા એસઓજી અધિકારીને કામ સોંપ્યું હતું.આ સમગ્ર મામલે અધિકારીએ ચુપચાપ પગેરું દબાવ્યું હતું અને મામલાની જડ સુધી પહોંચી પુરાવા એકત્રિત કર્યા હતા.બીજી તરફ પ્રમુખ સી.આર. પાટીલ સામે આવી જ પત્રિકા ફરતી કરનારા આરોપીઓને સુરત પોલીસે ઝડપ્યા અને કોર્ટમાંથી જામીન મળી જતાં કહે છે કે વાઘેલાએ કોઇપણ રીતે પોતાની કારકિર્દી સામે જોખમ ઊભું કરનારાઓને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું.એમાં પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, જીમિત શાહ જ્યાં નોકરી કરતો હતો એ કંપનીએ એક અરજી આપી હતી અને એમાં જીમિત અને પિતા મુકેશ શાહ જિલ્લા પંચાયતની પોતાની અર્ધ સરકારી નોકરીના સ્ટેમ્પ અને ડોક્યુમેન્ટ તેમજ ફરિયાદીની કંપનીના સ્ટેમ્પ,આઇડી વગેરેનો દુરુપયોગ કરતાં હતા.૨૯ જુલાઇએ મળેલી અરજીને ૩૦ જુલાઇએ રેકોર્ડ પર લઇ એસઓજીએ એફઆઇઆર નોંધી તપાસમાં કેટલાક જૂના સ્ટેમ્પ,સિક્કા મળી આવતાં પિતા પુત્રને ઝડપી લીધા હતા. હાલ બન્નેના જામીન નામંજૂર થયા છે.આ પ્રકરણમાં તપાસકર્તા અધિકારીએ પગેરું પકડી લીધું,પણ જ્યારે યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલરને પૂછપરછ માટે બોલાવાયા,એના લીધે આ અધિકારીને સિનિયર અધિકારીને ખબર પડતાં બન્ને વચ્ચે ભારે માથાકુટ થઇ હતી.આ માથાકુટ થતાં ગુપ્ત મામલો જાહેર થયો,એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચમાં વાત વહેતી થઇ હતી.આ તરફ વાઘેલા સામેના આરોપોમાં પ્રાથમિક તથ્ય અને પોતાની સત્તાનો દુુરુપયોગ પુરવાર થતાં છેવટે વાઘેલાનું રાજીનામું લેવાયું હતું.
IT સેલના મહેશ મોદીનું પણ રાજીનામું લેવાયું
આઈટી સેલમાં ભાજપના કાર્યકર મહેશ મોદીને પણ રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે.તેમણે જ ટેબલેટ ખરીદવાનો સોદો કર્યો હતો,જે પાર્ટીના ધારાસભ્યો અને અન્ય કાર્યકર્તાઓને આપવામાં આવ્યા હતા.ખરીદીમાં અનિયમિતતા અને અન્ય કેટલાક મુદ્દાઓ તેમના રાજીનામા માટે કારણભૂત હોવાનું મનાય છે.


