મુંબઈ : મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથના ભરત ગોગાવલેએ ગઈ કાલે એક ચોંકાવનારો ખુલાસો કરતાં શિવસેનામાં ખળભળાટ મચી ગયો છે.શિવસેનાના એક નેતાએ પ્રધાન નહીં બનાવવામાં આવે તો પોતાની પત્ની આત્મહત્યા કરશે એવું દબાણ લાવીને પ્રધાનપદ મેળવ્યું હોવાનું કહીને ભરત ગોગાવલેએ શિવસેનાની અંદરની વાત જાહેર કરી દીધી છે.એકનાથ શિંદે જૂથના વિધાનસભ્યો પ્રધાનપદ મેળવવા માટે કેવું-કેવું દબાણ લાવે છે એના આરોપ અત્યાર સુધી વિરોધ પક્ષના નેતાઓ કરી રહ્યા હતા,પણ ભરત ગોગાવલેના આ નિવેદનથી સત્તા માટે નેતાઓ કેવા-કેવા ખેલ કરે છે અને દબાણ લાવે છે એ જાહેર થયું છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના ભરત ગોગાવલેએ ગઈ કાલે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજે માવળાઓની મદદથી સ્વરાજ્યની સ્થાપના કરી હતી.એવી જ રીતે એકનાથ શિંદે અમારા સહયોગથી મુખ્ય પ્રધાન બન્યા છે.એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા ત્યારે અમારા જૂથના અનેક વિધાનસભ્યોએ વિવિધ પ્રકારનાં દબાણ લાવીને પ્રધાનપદ મેળવ્યાં છે.આવી સ્થિતિમાં અમને અમારા મુખ્ય પ્રધાન મુશ્કેલીમાં પડ્યા હોવાનું જણાયું.એક નેતાએ પોતાની પત્ની આત્મહત્યા કરશે,બીજાએ કહ્યું મને નારાયણ રાણે ખતમ કરી નાખશે તો ત્રીજાએ રાજીનામું આપવાની ધમકી આપી હતી.પ્રધાનપદ નહીં મળે તો પત્ની આત્મહત્યા કરશે એવું કહેનારા નેતાનું શું કરવું? એકનાથ શિંદે સાહેબે કહેલું કે તે નેતાની પત્ની જીવતી રહેવી જોઈએ એમ કહીને પ્રધાનપદ આપ્યું.બીજાને નારાયણ રાણે ખતમ ન કરે એ માટે પ્રધાનપદ આપ્યું. આપણી એક પણ જગ્યા ઓછી ન થવી જોઈએ એમ માનીને મેં પ્રધાનપદ માટે કોઈ જીદ નહોતી કરી એટલે રહી ગયો.