– વાપીમાં ઉચ્ચ શિક્ષિત ઉદ્યોગપતિ પિતા જ છેલ્લા પાંચ વર્ષથી પુત્રીનું શારિરીક શોષણ કરતા હતા
– માતા સાથે પુત્રી પોલીસ પાસે પહોંચતા પોલીસે પિતા વિરૂદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી
વાપી : વાપી શહેરમાં એક ઉદ્યોગપતિએ આચરેલાં પાપનો ઘડો ફૂટ્યો છે.માનવતાને શર્મસાર કરે એવી હેવાનિયતભર્યો કિસ્સો પ્રકાશમાં આવતા ચોતરફ આ મામલાને લઇ ફિટકાર વરસી રહ્યો છે.આ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પિતા દ્વારા પોતાની જ સગી પુત્રીનું સતત 5 વર્ષ સુધી શારીરિક શોષણ થયું હોવાનું બહાર આવ્યું છે.હાલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી પુત્રીએ પોતાની સાથે થયેલા અત્યાચાર અને શારીરિક તેમજ માનસિક શોષણ અંગે વાપી ટાઉન પોલીસ મથકે તેના પિતાના કારનામાઓ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.સમગ્ર મામલે તેણીએ માતાને જાણ કરતા તેની માતા સાથે જઇ પોતાના જ પિતા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.જેને લઇ ભદ્ર સમાજમાં એક ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.પિતાના હેવાનિયત ભરેલા કારસ્તાનો ઉઘાડા પડતા સમગ્ર વાપીના ઔધોગિક એકમમાં આ વિષય હાલ ચર્ચાના સ્થાને છે.નરાધમ પિતા વિરૃદ્ધ ચોતરફ ફિટકાર વરસી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે પુત્રીની ફરિયાદના આધારે ગુનો નોંધી આ ઉદ્યોગપતિ પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે.
ઘટનાને પગલે ઔદ્યોગિક નગરી વાપી સ્તબ્ધ
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, મૂળ અન્ય રાજ્યના વતની અને હાલ વાપીમાં રહેતા અને દમણમાં ભાગીદારીમાં એક ઔદ્યોગિક એકમ ધરાવતા એક ઉદ્યોગપતિના પરિવારની ધ્રુણાસ્પદ ઘટના બહાર આવી છે.સાધન સંપન્ન આ પરિવારના મોભી અને એક પુત્રી અને એક પુત્રના પિતા એવા ઉદ્યોગપતિ દ્વારા તેની પોતાની સગી પુત્રીનું છેલ્લા 5 વર્ષથી શોષણ થતું હતુ.તેની પુત્રી જ્યારે 13 વર્ષની હતી ત્યારથી તેણે લાલચ આપી આ અધમ કૃત્ય આચરવાની શરૂઆત કરી હતી.જેમાં તેને સફળતા મળતાં તેણે એકલતામાં આ સિલસિલો યથાવત રાખ્યો હતો.જેમ જેમ પુત્રી મોટી થતી ગઇ તેમ તેમ તેને પોતાની સાથે અન્યાયની વાત સમજ પડવા લાગી હતી.
જોકે, આબરુ જવાના ડરથી તેણીએ ચૂપકીદી સેવી હતી.જોકે, ત્યારબાદ પણ નરાધમ નફ્ફટ પિતાએ બળજબરીપુર્વક આ કૃત્ય આચરવાનું યથાવત રાખતાં માસુમ પુત્રી હચમચી ઉઠી અને તેણીએ સમગ્ર હકીકત તેણીની માતાને કહી હતી.ત્યારે આ સંદર્ભે તેની માતાએ તેણીની સાથે વાપી ટાઉન પોલીસ મથકે જઇને આ સંદર્ભે ઉદ્યોગપતિ પિતા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરાવી હતી.આ ફરિયાદને પગલે ખુદ પોલીસ વિભાગ પણ સ્તબ્ધ થઇ ગયો હતો.ભોગ બનનારી યુવતી હાલ ઉચ્ચ કોલેજના બીજા વર્ષમાં ઉચ્ચ અભ્યાસ કરે છે.શિક્ષિત અને ધનાઢ્ય પરિવારની આ ધ્રુણાસ્પદ ઘટના લાંબા સમયે બહાર આવી છે.જોકે, આ ઘટનાને પગલે સમગ્ર વાપી શહેર અને ઔદ્યોગિક એકમમાં તેના ઘેરાં પ્રત્યાઘાત પડ્યા છે.ઘણા લાંબા સમય સુધી હેવાન પિતાએ પોતાની દીકરીનું શારીરિક શોષણ કર્યું હતું અને અંતે પોલીસ ફરિયાદ નોંધાતા હવે પોલીસ એક્શન મોડમાં આવી છે.આ અંગે વાપી ટાઉનના પોલીસ ઇન્સ્પેકટર સી.બી ચૌધરીએ જણાવ્યું હતું કે દુષ્કર્મ આચરનારા આરોપી પિતાની ધરપકડ થઇ ચુકી છે અને આજરોજ આરોપીને કોર્ટમાં રજુ કરી સમગ્ર મામલે વધુ તપાસ કરવા માટે રિમાન્ડ માંગવામાં આવશે.ભોગ બનનાર દીકરીની ગુપ્તતા જળવાઈ રહે તે હેતુથી આરોપી પિતાની ઓરખ પણ પોલીસે ગુપ્ત રાખી છે.વાપી ટાઉનમાં બનેલા આ ચકચારી કિસ્સાને કારણે ભદ્ર સમાજમાં આ ઉદ્યોગપતિ પિતા વિરુદ્ધ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.જોકે આ બાબતે પુત્રીએ પિતા વિરુદ્ધ ફરિયાદ આપતા હવે તેણીને સુરક્ષા પ્રાપ્ત થઇ છે પરંતુ હાલ આ મુદ્દો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે.