– શનિવારે શાકભાજી બાદ રવિવારે ચિકન લેવા માટે પડાપડી
– સુરતીઓની ભુલ અને પોલીસની ઢીલ સુરતમાં કોરોના માટે આફત બની શકેઃ પોઝીટીવ કેસ આવ્યો તેની નજીક જ મટન માર્કેટમાં ભીડ
સુરત, તા. 5 એપ્રિલ 2020 રવિવાર
સુરતના એપીએમસી માર્કેટમાં શનિવારે સાંજે શાકભાજી લેવા માટે ભીડ બાદ રવિવારે સવારે ઝાંપા બજારમાં ગેરકાયદે ચાલતી ચિકન, મટનની દુકાનમાં ભીડના કારણે લોક ડાઉનનો છડેચોક ભંગ થતો દેખાયો હતો. આજે જ્યાં પોઝીટીવ દર્દી બેગમપુરાનો જાહેર થયો તેની નજીક જ આ ભીડ હોવાના દ્રષ્યો સોશ્યલ મિડિયામાં વાઈરલ થયા બાદ પોલીસે ભીડને ભગાડી હતી. જોકે, હજી સુધી ચિકન, મટનની દુકાન ખુલ્લી રાખનારા સામે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. રવિવારની સવારે સુરતના ઝાંપા બજાર વિસ્તારમાં લોક ડાઉનનો ભંગ કરીને ચીકન મટનની સંખ્યાબંધ દુકાનો શરૂ થઈ ગઈ હતી.
રવિવાર હોવાથી નોનવેજના શોખીન અનેક લોકો આ દુકાનોમાં લેવા માટે પહોચી ગયા હતા. સુરતના બેગમપુરા હાથી ફળિયામાં આજે કોરોનાનો પોઝીટીવ દર્દી મળી આવ્યો છે. તેની નજીક જ મટન, ચિકન માર્કેટમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ ગઈ હતી. કોઈકે સોશ્યલ મિડિયામાં આ ફોટા અને વિડિયો વાઈરલ કરતાં પોલીસ દોડતી થઈ હતી.સરકારે જીવન જરૂરિયાતની વસ્તુ સિવાયની વસ્તુના વેચાણ પર પ્રતિબંધ મુક્યો હોવા છતાં ઝાંપા બજારમાં સરકારના નિયમ અને લોક ડાઉનનો છડેચોક ભંગ કરીને સોશ્યલ ડિસ્ટન્સ વિના જ મટન, ચિકનનું વેચાણ કરવામા આવ્યું હતું.
સુરતમાં કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે તેવામા આવા પ્રકારની ભીડ કોરોના માટે જીવતા બોમ્બ જેવી બની ગઈ હોવા છતાં કેટલાક લોકો નિયમનો ભંગ કરી રહ્યાં છે. ભીડ જોઈ ચોંકી ઉઠેલી પોલીસે ભીડને વિખેરી હતી પરંતુ ગેરકાયદે વેચાણ કરનારા સામે હજી સુધી કોઈ પગલાં ભરવામા આવ્યા નથી. પોલીસે અત્યાર સુધીમાં ખાણી પીણી અને ચાની દુકાન ખુલ્લી રાખનારા 75 લોકો સામે ગુનો નોંધી કેસ દાખલ કર્યા છે પરંતુ મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ અને કોરોના માટે અત્યંત જોખમી સ્થિતિ ઉભી કરનારા ઝાંપા બજારના વેપારીઓ સામે કોઈ કાર્યવીહી ન થઈ તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.