ગુજરાતમાં એક જ દિવસમાં ૨૦ જેટલા કોરોના પોઝિટિવ રિર્પોટ મળતા અમદાવાદના ૫૩ સહિત કેસોની સંખ્યા વધીને રવિવારે ૧૨૮એ પહોંચી છે. છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં મહિલાના મૃત્યુ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને ૧૧ થયો છે. રવિવાર રાતે જાહેર થયેલી વિગતોમાં હૃદય હચમચાવી નાંખે તેવો કિસ્સો બહાર આવ્યો છે.
જામનગરમાં ૧૪ મહિનાના બાળક કોવિડ-૧૯નો ચેપ લાગ્યાની પૃષ્ટી થઈ છે. લોકડાઉન જેમ જેમ ૧૪ દિવસથી આગળ વધી રહ્યો છે એમ આ મહામારી આદિવાસી બાહુલ છોટા ઉદેપુરથી લઇને છેક મોરબી, જામનગર જેવા ગ્રામ્યક્ષેત્ર ધરાવતા જિલ્લાઓમાં પ્રસરી રહી છે.
જામનગરમાં ઘોડિયામાં ઝુલતા ૧૪ મહિનાના બાળકને ક્યાંથી ચેપ લાગ્યો તેની કોઇ જ માહિતી સ્થાનિક આરોગ્ય તંત્રથી લઇને ગુજરાત સરકાર સુધી કોઇને પણ મળી નથી. અમદાવાદમાં સાત વર્ષની બાળકી પછી જામનગર સૌથી નાની વયે કોવિડ-૧૯ પોઝિટિવ આવેલા બાળકને હાલ જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યો છે.
આરોગ્ય અગ્રસચિવ ડો. જંયતિ રવિને આ કેસ સંદર્ભે પુછવામાં આવતા તેમણે ૧૪ મહિનાના માતા કે પિતા છ મહિનાથી જામનગર બહાર પણ નીકળ્યા નથી તેવી માહિતી પ્રાપ્ત થયાનું કહ્યું હતું. જામનગરના આ પહેલા જ પોઝિટિવ કેસમા કોણ કન્ટેઇનર અર્થાત ચેપવાહક થઈને બાળક સુધી પહોંચ્યું તે પડકારરૂપ સંશોધન છે.
તબલિગી મકરઝના જમાતીઓને કારણે અમદાવાદ શહેરમાં કોવિડ-૧૯ પોઝિટિવ કેસોમાં સતત બીજા દિવસે ઉછાળો આવ્યો હતો. રવિવારે વધુ આઠ રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૫૩એ પહોંચી છે. ગુજરાતમાં સૌથી પહેલા તબલિગીથી ડેવલપ થયેલા ચેપગ્રસ્તના ક્લસ્ટરમા વધુ ચારનો ઉમેરો થતા ભાવનગરમાં કોરોનાના કેસની સંખ્યા ૧૩ થઈ છે.
સુરતમાં પ્રાઇવેટ મોલ્સમાં નોકરી કરતા કર્મચારીથી વધુ એકને ચેપ લાગ્યો છે. જો કે, આ યુવકને કેવી રીતે ચેપ લાગ્યો તેની હિસ્ટ્રી ટ્રેસ થઈ નથી. ગુજરાતમાં લોકડાઉનના જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ વીતેલા દિવસોમાં વિદેશ કે આંતર રાજ્ય પ્રવાસી કે પછી કોઇ કોરોના પોઝિટિવના સંપર્ક- સંસર્ગમાં ન હોય તેવા દર્દીઓની સંખ્યા વધી રહી. કચ્છમાં બીજા પોઝિટિવ જણાયેલા માધાપરના વુધ્ધને પણ કેવી રીતે ચેપ લાગ્યો તેની કોઇ જ માહિતી સ્થાનિક તંત્રને પ્રાપ્ત થઈ નથી. મોરબીમાં પણ એક પોઝિટિવ રિર્પોટ સાથે કોરોનાએ ગ્રામિણ વિસ્તારમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રવિવારે એક જ દિવસમા ચારથી વધુ દર્દીઓમા વાઇરલ લોડ ઘટીને નેગેટિવ તરફ ઢળતા રજા આપવામાં આવી હતી.
આરોગ્ય અગ્રસચિવે અત્યાર સુધીમાં કુલ ૨૧ નાગરિકો સાજા થયાનું જણાવતા ૯૪ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું કહ્યું હતું. જેમાંથી જામનગરના ૧૪ મહિનાના બાળક સહિત બે દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. ગુજરાતમા અમદાવાદમા કોરોના પોઝિટિવના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આજથી ૨૪ એપ્રિલ સુધીના દિવસો ખૂબ જ જોખમી છે.
આવી સ્થિતિને ધ્યાનમા રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દવારા કોરોના કંટ્રોલમા રહે તે માટે તકેદારીના પગલા શરુ કર્યા છે. ઉપરાંત સ્વાધ્યાય પરીવારે પણ અમદાવાદ,વડાદરા અને રાજકોટ માટે ૨૦થી વધુ ફોગીંગ મશીનો આપ્યા છે. વિદેશમા આવા મશીનો દવારા વિશેષ દવાનો છંટકાવ કરીને જાહેર માર્ગો તથા રોડને સેનેટાઈઝ કરવામા આવે છે.આ ફોગીંગ મશીનમા એક સાથે ૬૦૦ લીટરથી વધુ પ્રવાહીનો સંગ્રહ કરી શકાય છે.
આ ગાડી સતત દોઢ કલાક કામ આપી શકે છે અને ૩૦ સ્કેવર મીટરનો વિસ્તાર કવર કરી શકે છે. આ ગાડીઓ તીતીઘોડા જેવી દેખાય છે .અમદાવાદને મળેલી પાંચ ગાડીઓ રવિવારે જમાલપુરમા ફરી હતી.દવાનો છંટકાવ કરતી આ ગાડીઓ જેમ આગળ વધતા જાય છે તેમ જે તે વિસ્તાર સેનેટાઈઝ થઈ જાય છે.હવે આ ગાડીઓથી જૂદા જૂદા વિસ્તારોને સેનેટાઈઝ કરી દેવાશે.
સિવિલ-સોલા સિવિલમાં ૨૩ જમાતીના રિપોર્ટ નેગેટિવ આવ્યા, ૯ના રિપોર્ટ બાકી
અમદાવાદની સોલા સિવિલમાં દિલ્હીથી આવેલા પાંચ જમાતીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, બીજી તરફ અમદાવાદની સિવિલમાં રવિવારે એક પણ જમાતીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. સોલા સિવિલમાં ૨૬ જમાતીને જ્યારે અમદાવાદ અસારવા સિવિલમાં ૧૧ જમાતીને સારવાર માટે આઈસોલેશન વોર્ડમાં રખાયા હતા, સોલા સિવિલમાં ૨૬ જમાતી પૈકી પાંચના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તો ૨૦ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, એક રિપોર્ટ અત્યારે બાકી છે, અસારવા સિવિલમાં ૧૧ જમાતી પૈકી ત્રણના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને બાકીના આઠના રિપોર્ટ બાકી છે.
આમ સિવિલ-સોલા સિવિલમાં ૩૭ જમાતી પૈકી ૫ના રિપોર્ટ પોઝિટિવ અને ૨૩ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. બાકીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સિવિલમાં રવિવારે માત્ર એક જ કોરોનાનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં શનિવારે જે શંકાસ્પદ કેસ નોંધાયા હતા તે દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૧૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
SVP હોસ્પિટલમાં એક દિવસમાં ૩૬ સસ્પેકટેડ દર્દી દાખલ, ૩ કોરોના પોઝિટિવ
SVP હોસ્પિટલમાં આજે એક દિવસમાં ૩૬ કોરોના સસ્પેકટેડ દર્દી દાખલ થયા હતા.આજે ૩ દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા.અત્યાર સુધીમાં એસવીપી હોસ્પિટલમાં કુલ ૫૮૦ દર્દીઓને દાખલ કરાયા છે. જે પૈકી ૫૧૨ના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે જ્યારે અત્યાર સુધીમાં ૩૧ દર્દીના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.૩૭ દર્દીઓના રીપોર્ટ પેન્ડિગ છે.એસવીપી હોસ્પિટલમાં કોરોના વાઇરસના લીધે ૨ દર્દીનું મોત નીપજ્યું છે જ્યારે ૪ દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે.
હવે કોઇ દયા- અનુકંપા નહીં, ભાગી જતા દર્દીઓ સામે ન્છસ્છ ઉગામો
ગાંધીનગર, પાટણ અને અમદાવાદની હોસ્પિટલોમાં કોવિડ-૧૯ના પોઝિટિવ કે શંકાસ્પદ દર્દીઓના સારવારમાંથી નાસી છુટવાના,મેડિકલ સ્ટાફ સાથે ખરાબ વ્યવહારના કિસ્સા વધી રહ્યા છે.આ સ્થિતિને નિયંત્રિત કરવા આરોગ્ય અગ્રસચિવ ડો.રવિએ કહ્યુ કે, હવે કોઇ દયા કે અનુકંપા નહી રાખવામાં આવે.હાલની આપત્તિમા અમે તમામ હોસ્પિટલોમાં આ પ્રકારના વ્યવહાર ધરાવતા દર્દીઓ સામે લીવ અગેઇન્સ્ટ મેડિકલ એડવાઇઝરી- ન્છસ્છ હેઠળ ફેજદારી ફ્રિયાદ કરવા સુધીના આદેશો આપ્યા છે.ક્વોરોન્ટાઇનનો ભંગ કરનારા ૪૬૧ સામે ફેજદારી ગુના દાખલ કર્યા છે,જેમાંથી કેટલાકના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ પણ આવ્યા છે.
સુરતમાં પહેલાં ન માન્યા, છેલ્લી ઘડીએ દાખલ થતા મૃત્યુ પામ્યા
સુરતમાં શનિવારે રાતે મૃત્યુ પામેલા ૬૧ વર્ષના મહિલા છેલ્લી ઘડીએ હોસ્પિટલમાં દાખલ થતા ગંભીર સ્થિતિ ઉત્પન્ન થઇ છે.આરોગ્ય અગ્રસચિવે કહ્યુ કે, ૨૮મી માર્ચે આ બહેન હોસ્પિટલમાં આવ્યા ત્યારે જ તેમને એડમિટ થઇ જવા કહેવાયું હતુ.પરંતુ તેઓ માન્યા નહી. છેવટે સ્થિતિ વધુ વણસતા ગઇકાલે હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે સ્થિતિ નિયંત્રણ બહાર થઇ ચૂકી હતી.આથી, સૌને વિનંતી છે કે જરાય પણ લક્ષણો દેખાય કે સારવાર માટે વિલંબ કરવો નહી.બહારથી આવેલા નાગરિકો સામેથી ૧૦૪ નંબરની હેલ્પલાઇન ઉપર જાણ કરે.
૨૧૪ ટેસ્ટમાંથી ૨૨ના રિપોર્ટ પેન્ડિંગ,ગામડાઓમાં પડકાર
અત્યાર સુધીમા ૨૩૫૪ કોરોના શંકાસ્પદ ટેસ્ટ કરવામાં આવ્યા છે.રવિવારે ૨૧૪ ટેસ્ટમાંથી ૧૭૨ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ૨૦ પોઝિટિવ પછી હજી ૨૨ના રિપોર્ટ પેન્ડિંગ છે.બીજી તરફ રવિવારે ક્વોરોન્ટાઇન હેઠળ રહેલા નાગરિકોની સંખ્યા પણ ઘટીને ૧૪,૯૨૦એ પહોંચી છે. અધિકાંશ શહેરોમાં રહેલી ક્વોરોન્ટાઇન ફેસીલીટી વચ્ચે હવે ગામડાંઓમા કોરોનાનો ખાતુ ખુલતા આવનારો સમય સરકાર અને આરોગ્ય વિભાગ સામે મોટો પડકાર સર્જશે તે નક્કી છે.