ગુજરાતમાં મેઘરાજાએ ફરી પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે.હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાત,અમદાવાદ સહિત અનેક શહેરમાં ભારે વરસાદ નોંધાયો છે લગભગ એક મહિનાના સૂકા વાતાવરણ પછી ગુરુવારે સાંજથી મેઘરાજા ગુજરાતમાં વરસાદ લઈ પાછો ફર્યા છે.અમદાવાદ,દક્ષિણ ગુજરાતના શહેરો સહિત રાજ્યના અનેક શહેરોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.ભારતીય હવામાન વિભાગે શુક્રવારે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં “અતિ ભારે વરસાદ”ની ચેતવણી જાહેર કરી છે.
શુક્રવારે સુરત,નર્મદા,ડાંગ,તાપી,નવસારી અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી (DNH) માટે પણ બે દિવસના સમયગાળા માટે સમાન ચેતવણી જારી કરવામાં આવી છે.તો શનિવારે અરવલ્લી,દાહોદ,મહિસાગર,વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે, ગુરુવારે પણ DNH માં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ થયો હતો જ્યારે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થયો હતો.
આ સમયગાળા દરમિયાન દાહોદ,પંચમહાલ,છોટા ઉદેપુર અને ભરૂચ જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,જ્યારે પોરબંદર જેવા સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓમાં વીજળીના ચમકારા અને સપાટી પરના પવન સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.બોટાદ,દ્વારકા,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ,જૂનાગઢ,રાજકોટ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ.
શનિવારે ક્યાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, ઉત્તર ગુજરાતના અરવલ્લી તથા મધ્ય ગુજરાતના દાહોદ,મહિસાગર જિલ્લામાં તો દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સિવાય 30થી 40ની ઝડપે પવન ફૂકાવાની સાથે હળવા મધ્યમ વરસાદની અનેક જિલ્લામાં આગાહી કરવામાં આવી છે.આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ અને ઉત્તર અને મધ્ય ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં પણ અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો.
આજે ક્યાં કેટલો વરસાદ નોંધાયો
આજે સવારના 6 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીની વાત કરીએ તો, સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે.કપરાડામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.જ્યારે તો ડાંગ જિલ્લામાં 3.50 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.આ સિવાય દક્ષિણ ગુજરાતના ધરમપુર,ઉચ્છલ,સુરતના માંગરોળ,નવસારીના વાંસદા,ડાંગના વગાઈમાં 1.50 ઈંચથી વધુ જેટલો વરસાદ નોંધાયો છે.જ્યારે સોનગડ,ચિખલી,મહુવા,ખેરગામ,મોડાસા,વિસનગર,ઉમરગામ,વડગામ,વાલોદ,કડાણા,પાલનપુર,વડનગર, દહેગામ,સગબરામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, સુરતના લોકોને ગુરુવારે બપોરે હળવા વરસાદી ઝાપટાથી આકરી ગરમીમાંથી મોટી રાહત મળી હતી.દક્ષિણ ગુજરાતના નવસારી,વલસાડ,તાપી અને ડાંગ જેવા વિવિધ જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો હતો.જન્માષ્ટમમીના તહેવારના દિવસે વરસાદે અમી છાંટણા કર્યા બાદ વાતાવરમમાં ઠંડક થઈ ગઈ છે.બીજી બાજુ ગણેશ મૂર્તિના સ્થાપન માટે તૈયાર કરાયેલા પંડાલો પણ વરસાદને કારણે ભીના થઈ ગયા હતા અને પંડાલોની અંદરની સજાવટને બચાવવા માટે આયોજકો પંડાલો ઉપર પ્લાસ્ટિક નાખવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા.