– બીજા અને ત્રીજા માળે આવેલા બે રૂમનું બાંધકામ નહીં તોડવા મકાન માલિક પાસે રૂ.50 હજારની લાંચ પહેલા માંગી હતી, બાદમાં રક્ઝકના અંતે રૂ.35 હજાર લેવા તૈયાર થયા હતા
– સુરત એસીબીએ જુનિયર ઈજનેર પુણા વોર્ડ ઓફિસની સામેથી રંગેહાથ ઝડપી લીધા, જયારે પટાવાળા ઓફિસમાંથી ઝડપાયા
સુરત,તા.13 સપ્ટેમ્બર,બુધવાર : સુરતના પુણા વિસ્તારમાં એક મકાનના બીજા અને ત્રીજા માળે આવેલા બે રૂમનું ગેરકાયદેસર બાંધકામ નહીં તોડવા માટે રૂ.35 હજારની લાંચ લેતા સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેરને સુરત એસીબીએ પુણા વોર્ડ ઓફિસની સામેથી રંગેહાથ ઝડપી લીધા હતા.જયારે લાંચ માંગવામાં સામેલ પટાવાળાને એસીબીએ ઓફિસમાંથી ઝડપી લીધા હતા.
એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા વિસ્તારમાં એક વ્યકિતએ તેના મકાનની ઉપર બીજા અને ત્રીજા માળે બે રૂમ બનાવ્યા હતા.તે ગેરકાયદેસર હોય તોડવા પડશે કહી સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેર કેયુરભાઇ રાજેશભાઇ પટેલ અને પટાવાળા નિમેષકુમાર રજનીકાંત ગાંધીએ જો તેને તોડવા નહીં હોય તો લાંચ પેટે રૂ.50 હજારની માંગણી કરી હતી.મકાન માલિકે રક્ઝક કરતા બંને રૂ.35 હજાર લેવા તૈયાર થયા હતા.જોકે, આ અંગે મકાન માલિકે સુરત એસીબીમાં ફરિયાદ કરતા એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મહિલા પીઆઈ એ.કે.ચૌહાણે એ ગત મોડીસાંજે પુણાગામ પુણા વોર્ડ ઓફિસની સામે છટકું ગોઠવ્યું હતું.
છટકા મુજબ જુનિયર ઈજનેર કેયુરભાઇ રાજેશભાઇ પટેલે લાંચની રકમ સ્વીકારી તે સાથે જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને તેમને રંગેહાથ ઝડપી પાડી પટાવાળા નિમેષકુમાર રજનીકાંત ગાંધીને તેમની ઓફિસમાંથી ઝડપી પાડી આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.