– વસો, મહેમદાવાદ અને ખેડા તાલુકા પંચાયતમાં બિન હરીફ વરણી
– મહેમદાવાદ,ખેડામાં ક્ષત્રિય જ્યારે વસોમાં પટેલ અને માતરમાં અનુસૂચિત જાતિના ઉમેદવારની પ્રમુખ તરીકે પસંદગી, માતરની ચૂંટણીમાં રસાકસી બાદ અંતે ભાજપના ઉમેદવાર વિજેતા
નડિયાદ : ખેડા જિલ્લામાં ચાર તાલુકા પંચાયતની બીજી ટર્મ માટે આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.તાલુકા પંચાયત હોલમાં યોજાયેલી આ ચૂંટણીના અંતે વસો તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પટેલ ઉમેદવાર,જ્યારે મહેમદાવાદ અને ખેડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ક્ષત્રિય ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી.માતરમાં ૨૦માંથી ૧૫ મત ભાજપના ઉમેદવારને મળ્યા હતા.જ્યારે પાંચ મત કોંગ્રેસના ઉમેદવારને મળ્યા હતા.જ્યારે માતર તાલુકા પંચાયતમાં અનુસૂચિત જાતિની બેઠક પર કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં ગયેલા ઉમેદવારને પ્રમુખ તરીકે બિન હરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.જેને પગલે ચારેય તાલુકા પંચાયતમાં ભાજપાના પ્રમુખ,ઉપપ્રમુખ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.ખેડા જિલ્લામાં તાલુકા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખની અઢી વર્ષની બીજી ટર્મ માટે આજે ચૂંટણી યોજાઈ હતી.આ ચૂંટણીમાં વસો તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી તાલુકા વિકાસ અધિકારી મલયભાઈ ભુવાના અઘ્યક્ષ સ્થાને યોજાઇ હતી.જેમાં પ્રમુખ તરીકે રીંકાબેન દક્ષેશભાઈ પટેલ (પલાણા) અને ઉપપ્રમુખ તરીકે કંકુબેન મહેન્દ્રભાઈ સોલંકી (ઝારોલ) જ્યારે કારોબારી ચેરમેન તરીકે કમલેશભાઈ ભાસ્કરભાઈ પરમાર (કરોલી) ચૂંટાયા હતા.
મહેમદાવાદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિનોદભાઈ જુવાનસિંહ ડાભી (વરસોલા), ઉપપ્રમુખ તરીકે ગોતાભાઇ ફૂલાભાઈ પરમાર (સિંહુંજ) અને કારોબારી ચેરમેન તરીકે સંગીતાબેન નિલેશકુમાર ચૌહાણ ચૂંટાયા હતા.જ્યારે ખેડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રેમીલાબેન દિલીપભાઈ ચૌહાણ,ઉપપ્રમુખ તરીકે લાલજીભાઈ મણીભાઇ પરમાર તથા કારોબારી ચેરમેન તરીકે ખોડાભાઈ શનાભાઈ વાઘેલા ચૂંટાયા હતા.
ઉપરાંત માતર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં અનુસૂચિત જાતિની અનામત બેઠક પર કોંગ્રસમાંથી ચુંટાઈ આવેલા અને ભાજપમાં જોડાયેલા અમિતભાઈ મકવાણા,ઉપપ્રમુખ તરીકે રાવજીભાઈ મણીભાઈ સોલંકી ચૂંટાયા હતા.માતર તાલુકા પંચાયતની બેઠકમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત આપના સભ્ય દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હોવાથી આ બેઠક ઉપર ચૂંટણી રસાકસી ભરી રહી હતી.જો કે અંતે તો આ બેઠક પણ ભાજપના ભાગે જ આવી હતી.