– મંજૂર કરાયેલ ૯ ખરીદી પ્રસ્તાવોમાં ૧૨ એસયુ-૩૦ એમકેઆઇ ફાઇટર જેટ, ધુ્રવાસ્ત્ર મિસાઇલ અને ડોર્નિયર એરક્રાફટનું અપગ્રેડેશન સામેલ
– આત્મ નિર્ભર ભારતને વેગ આપવા તમામ ખરીદી ભારતીય વિક્રેતાઓ પાસેથી કરવામાં આવશે ઃ હાઇ મોબિલિટી વ્હીકલ (એચએમવી)ની ખરીદીને મંજૂરી આપી
ચીનની સાથે સરહદ વિવાદ અને પાકિસ્તાન સાથે સંબધોમાં તિરાડની વચ્ચે સંરક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે.સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે ૪૫૦૦૦ કરોડ રૃપિયાના ખર્ચે વિભિન્ન મિલિટરી હાર્ડવેરને મંજૂરી આપી છે.જેમાં હવાથી જમીન પર ત્રાટકતી ધુ્રવાસ્ત્ર મિસાઇલ અને ૧૨ એસયુ-૩૦ એમકેઆઇ ફાઇટર જેટ પણ સામેલ છે.સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી ડિફેન્સ એક્વિઝન કાઉન્સિલ (ડીએસી)એ કુલ ૯ ખરીદ પ્રસ્તાવોને મંજૂરી આપી છે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે આ તમામ ખરીદી ભારતીય વિક્રેતાઓ પાસેથી કરવામાં આવશે.જેનાથી આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં ભારતીય સંરક્ષણ ઉદ્યોગને પૂરતા પ્રમાણમાં વેગ મળશે.મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સુરક્ષા, ગતિશિલતા,હુમલાની ક્ષમતા વધારવા માટે ડીએસસીએ લાઇટ આરમર્ડ મલ્ટીપરપઝ વેહિકલ (એલએએમવી) અને ઇન્ટેગ્રેટેડ સર્વેલન્સ એન્ડ ટારગેટિંગ સિસ્ટમ (આઇએસએટી-એસ)ની ખરીદીને મંજૂરી આપી છે.ડીએસીએ તોપ અને રડારને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા અને તેની તૈનાતી માટે હાઇ મોબિલિટી વ્હીકલ (એચએમવી)ની ખરીદીને મંજૂરી આપી છે.
મંત્રાલયે જણાવ્યું છે કે ડીએસસીએ ભારતીય નેવી માટે આગામી પેઢીના સર્વેક્ષણ જહાજોની ખરીદીને પણ મંજૂરી આપી છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે ડોર્નિયર વિમાનના અપગ્રેડને સુનિશ્ચિત કરવા માટે ઇન્ડિયન એરફોર્સના એક પ્રસ્તાવને પણ જરૃર મુજબ મંજૂરી આપવામાં આવી હતી.