। રાજકોટ ।
રવિવારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમા કોરોના વાઈરસના નવા ૭ કેસ જાહેર થયા છે.જેમા સૌથી આંચકો લાગે તે કિસ્સો જામનગરનો છે.અહીં શ્રમિકોની વસાહતમા માત્ર ૧૪ મહીનાના બાળકને કોરોના થયો છે.જ્યારે ભાવનગરમા સૌથી વધુ કોરોનાના નવા ૪ કેસ બહાર આવ્યા છે.ઉપરાંત કચ્છ તથા મોરબીમા એક એક પોઝિટિવ કેસ છે.
ભાવનગરમાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. દિલ્હીથી પરત ફરેલા અને કોરોના થતા મૃત્યુ પામેલા હાજી અબ્દુલ કરીમ શેખના જ સાળાના પત્ની અને ઘરકામ કરી રહેલા યુવક સહિત કુલ૪ વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાવનગર શહેરમાં કુલ ૧૨ કેસ પોઝિટીવ નોંધાયા છે.આજના નવા ચાર કેસમા મૃત્યુ પામેલા વૃધ્ધના સાળાના પત્ની જાહીદા પરબીન રફીકભાઈ નાગોરી (ઉ.૩૫) અને તેના જ ઘરે રહેતા અવિનાશ વસાયા (ઉ.૨૬),ફારુક અહેમદ કુરેશી ૪૮ તથા રસુલ મામદ રાઠોડ ૯૦ નો સમાવેશ થાય છે ભાવનગર જિલ્લામાં કુલ ૧૩ પોઝિટિવ કેસ સાથે બેના મૃત્યુ થયા છે. જામનગર શહેર નજીક અને જીઆઈડીસીને અડીને આવેલા દરેડ ગામની સીમમાં પરપ્રાંતિય મજુરોની ખોલીઓ ટાઈપની વસાહતમાં આજે માત્ર ૧૪ માસના બાળકને કોરોના વાયરસનો ચેપ લાગ્યાનું જાહેર થયા બાદ તંત્રએ ચાંપતા પગલા લઈને ર૦ હજારની વસ્તી ધરાવતા વિસ્તારને ક્વોરેન્ટાઈન જાહેર કરી દઈ ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણી હાથ ધરી છે. જામનગરમાં કોરોના વાયરસનો આ પ્રથમ કેસ છે.
મજુર વસાહતમાં રહેતાં માત્ર ૧૪ માસના બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું કલેક્ટર રવિશંકરે જાહેર કર્યા બાદ સમગ્ર વિસ્તારને એસઆરપી અને પોલીસની ટુકડીએ કોર્ડન કરી લીધો હતો. બાદમાં કલેક્ટરે આ વિસ્તારને ૧૪ દિવસ માટે ક્વોરેન્ટાઈન કરાયો હોવાનું જાહેર કર્યું હતું.આરોગ્ય વિભાગની ૭૭ ટીમો દ્વારા પરપ્રાંતિય મજુરોની મોટી વસ્તી ધરાવતા વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે ચાલુ કરી દેવામાં આવ્યો છે. તેમજ વિસ્તારને ડીસઈન્ફેક્ટેડ કરવા માટે પણ દવા છંટકાવની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.
ટ્રાવેલ હિસ્ટ્રી વિનાના માતા પિતા છતાં ૧૪ માસના બાળકને ચેપ
જામનગરથી સાત કિલો મીટર દુર મોટી વસાહત છે. આંચકો લાગે તેવી વાત એ છે કે, આ બાળક તથા તેના માતા-પિતાની કોઈ જ ટ્રાવેલ હીસ્ટ્રી નથી. એટલું જ નહીં માતા-પિતા પણ હાલમાં સ્વસ્થ જણાય છે. તો પછી કોરોના વાયરસ બાળક સુધી પહોંચ્યો કેવી રીતે ? તે સવાલ ડોક્ટરોને મુંઝવે છે. કોરોના પોઝિટીવ આ બાળકને અત્યારે વેન્ટિલેટર પર રખાયો છે. તેમજ ૨૦ હજાર લોકોની વસ્તી ધરાવતા દરેડમાં આવન-જાવન બંધ કરી દેવાઈ છે.
તબલિગી હિસ્ટ્રી :ભાવનગર શહેર ‘કોરોના બોમ્બ’ પર
દિલ્હી ખાતે નિઝામુદ્દીન મરકઝમાં તબલીગી જમાતમાં સામેલ થયેલા ભાવનગરના વૃદ્ધના મૃત્યુ બાદ સંક્રમણ વધુ પ્રસરી રહ્યું છે .૧૧ દિવસમાં મૃતક વૃદ્ધના ૫ પરિવારજનો કોરોના પોઝિટિવના સકંજામાં આવી ગયા છે. જે રીતે સંક્રમણ પ્રસરી રહ્યું છે તે જોતા ભાવનગર કોરોના બોમ્બ પર હોવાની ચિંતા લોકોને સતાવી રહી છે.
હાજી અબ્દુલ કરીમભાઈ શેખ દિલ્હી ગયા બાદ ગઈ તા. ૧૧ માર્ચના રોજ દિલ્હીથી પરત ભાવનગર આવ્યા હતા. તા.૧૧થી ૧૪ માર્ચ તેમના પરિવાર સાથે રહ્યા હતા. મસ્જિદમાં નિયમિત નમાજ પઢવા ગયા હતા સગા સંબંધી સહિતના લોકો સાથે સંપર્કમાં રહ્યા હતા.