– પ્રાણ પ્રતિષ્ઠાને લઈને માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ઉજવણીનો માહોલ
– ભારત સાથે અમેરિકા, યુકે, મોરિશિયસ સહિત ઓસ્ટ્રેલિયામાં કાર રેલીનું આયોજન અને અખંડ રામાયણ પાઠ
આજે 500 વર્ષની રાહનો અંત આવશે. આજે રામ લલા અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં નિવાસ કરવા જઈ રહ્યા છે.આજે પીએમ મોદી અને સીએમ યોગી સહિતના વિશેષ મહેમાનોની હાજરીમાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થવા જઈ રહ્યો છે. રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં તેમજ વિદેશમાં પણ ઉજવણીનો માહોલ છે અને મીઠાઈઓ વહેંચવામાં આવી રહી છે.આ સિવાય ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં ભગવાન રામ અને મંદિરની 3D તસવીરો લગાવવામાં આવી છે.
ભારતીય મૂળના લોકો દ્વારા વિવિધ ઉજવણી
બ્રિટનમાં આસ્થા કલશ યાત્રા તેમજ અખંડ રામાયણનો પાઠ કરવામાં આવી રહ્યો છે.જયારે અમેરિકાના ઘણા શહેરોમાં ભારતીય મૂળના લોકો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે અને મીઠાઈઓ વહેંચવામાં આવી રહી છે,તો મોરેશિયસમાં રસ્તાઓને શણગારવામાં આવ્યા છે અને ઓસ્ટ્રેલિયામાં પણ સરઘસ કાઢવામાં આવી રહ્યા છે.
રામ મંદિર અને મોરેશિયસના પ્રધાનમંત્રીએ કર્યું ટ્વિટ
આ ઐતિહાસિક દિવસે, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જગન્નાથએ દેશના લોકોને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવા લોકોને આગ્રહ કરતા કહ્યું હતું કે, ભગવાન રામના આશીર્વાદ અને ઉપદેશ લોકોને શાંતિ અને સમૃદ્ધિની દિશામાં માર્ગદર્શિત કરતુ રહેવું જોઈએ. ઉજવણી બાબતે તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, ‘ચાલો આપણે ભગવાન રામની અયોધ્યા પરત ફરવાની ઉજવણી કરીએ, તેમના આશીર્વાદ અને ઉપદેશો શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ દર્શાવે. જય હિન્દ! જય મોરેશિયસ!’
અમેરિકામાં પણ ઉજવણી
રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને અમેરિકામાં પણ ભારતીય મૂળના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ અવસરે અમેરિકામાં પણ ડઝનથી વધુ કાર્યક્રમોનું આયોજન થવા જઈ રહ્યું છે.ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેર,વોશિંગ્ટન ડીસી,એલએ, સાન ફ્રાન્સિસ્કો, ઈલિનોઈસ, ન્યુ જર્સી, જ્યોર્જિયા અને બોસ્ટન સહિત અમેરિકામાં ઉજવણીનો માહોલ છે.આ સિવાય અમેરિકામાં વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યામાં રામ મંદિર ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પહેલા ગોલ્ડન ગેટ બ્રિજ પર કાર રેલીનું આયોજન કર્યું છે.
યુકેમાં અખંડ રામાયણના પાઠ
યુકેમાં પણ આજના દિવસની ઉજવણી ઉત્સાહભેર જોવા મળી રહી છે. યુકેના બધા જ 250 જેટલા મંદિરોમાં ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે.તેમજ ઈંગલેન્ડમાં આ સમારોહની ઉજવણી માટે કલશ યાત્રા કાઢવામાં આવી છે. જે 21 જાન્યુઆરીથી શરુ થઈને 22 જાન્યુઆરીએ મંદિરમાં પહોંચશે. આ ઉપરાંત અખંડ રામાયણના પાઠ અને વિશેષ આરતીનું આયોજન પર કરવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયા અને તાઇવાનમાં જાહેર કાર્યક્રમોનું આયોજન
અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણીને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયામાં પણ ઘણા જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.પ્રાણ પ્રતિષ્ઠા એક દિવસ પહેલા એટલે કે ગઈકાલે ભારતીય પ્રવાસીઓએ શનિવારે સિડનીમાં 100થી વધુ કારોએ ભાગ લેતા કાર રેલીનું આયોજન કર્યું હતું.આ સાથે લોકો ફટાકડા પણ ફોડી રહ્યા છે. આ પ્રસંગ નિમિતે ઈન્ડિયન એસોસિયેશન ઓફ તાઈવાન દ્વારા લાઈવ સ્ટ્રીમ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવી રહ્યું છે.તેમજ તાઈવાનના ઈસ્કોન મંદિરમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ટાઈમ્સ સ્ક્વેરમાં લાડુનું વિતરણ
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા, ‘ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ રામ મંદિર’ના સભ્યોએ રવિવારે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં લાડુનું વિતરણ કર્યું હતું.