હિમાચલમાં કોંગ્રેસના વળતા પાણી ! રાજ્યસભા ચુંટણી ન જીતવાના આ છે પ્રમુખ કારણો…..

179

હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સિંહ સુક્ખુની સરકારને આવ્યા માત્ર 14 મહિના જ થયા છે,ને સરકાર પર પડી ભાંગવાને આરે છે.હવે સીએમ સુક્ખુ તેમની ખુરશી પર ટકી રહેશે કે નહીં તે સવાલ આવીને ઊભો થયો છે.જો કે, આ અસંતોષનો બળાપો હિમાચલ પ્રદેશમાં આજે નથી ફૂટ્યો,પરંતુ ચૂંટણી જીત્યા બાદ રાજ્યમાં સરકાર બનાવવાનો વારો આવ્યો ત્યારે.પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના અવસાન બાદ જ્યારે કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવવાની સ્થિતિમાં આવી ત્યારે આ તક પાર્ટી માટે ઘણી સમસ્યાઓ લઈને આવી.પુર્વ સીએમના અવસાન બાદ તેમની પત્ની પ્રતિભા સિંહ દાવેદારાની રેસમાં આગળ હતા.

પૂર્વ સીએમની પત્ની પ્રતિભા સિંહ સીએમની રેસમાં આગળ હતા

પ્રતિભા સિંહ શિમલા જિલ્લાના છે,જ્યાં કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કર્યો અને 8માંથી 7 બેઠકો જીતી હતી.એ સમયે એવું માનવામાં આવતું હતું કે, પ્રતિભાને પૂર્વ સીએમ વીરભદ્ર સિંહની નજીકના મોટાભાગના નેતાઓનું સમર્થન છે.તેથી મુખ્યમંત્રી તરીકેની તેમની દાવેદારી મજબૂત મનાતી હતી.પ્રતિભાએ ચૂંટણી પછી એમ પણ કહ્યું હતું કે વીરભદ્ર સિંહ અને તેમના પરિવારના વારસાને અવગણી શકાય નહીં.પરંતુ જો કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રતિભાને સીએમ પદ સોંપ્યું હોત તો પાર્ટી પર પરિવારવાદનો આરોપ લાગત.તેવા સંજોગોમાં હિમાચલ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રહેલા 59 વર્ષીય સુખવિંદર સિંહ સુક્ખુ મુખ્યમંત્રી બન્યા.પરંતુ આ નિર્ણય બાદ અંદરોઅંદર મતભેદો તો હતા જ.વીરભદ્ર પરિવાર અને હાઈકમાન્ડ વચ્ચે કડવાશ પેદા થઈ ગઈ. છ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા વીરભદ્ર સિંહનો પરિવાર સીએમ પદની ખોટ સહન કરી શક્યો નહીં અને ત્યારથી હાઈકમાન્ડ સામે બળવાખોર મૂડમાં છે.

વિક્રમાદિત્ય સિંહ પાર્ટીની વિચારધારા વિરુદ્ધ પણ નિવેદનો આપતાં

વીરભદ્ર સિંહના દીકરા વિક્રમાદિત્ય સિંહે કેટલાક મુદ્દાઓ પર પાર્ટીની વિધારધારાથી અલગ નિવેદનો આપ્યા છે.અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પર તેમણે કહ્યું કે, હું એક પ્રખર હિંદુ છું અને દેવ સમાજમાં વિશ્વાસ રાખનાર હિંદુ તરીકે આવા પ્રસંગે હાજર રહેવું અને ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવાની તેમની જવાબદારી છે.વિક્રમાદિત્ય સિંહનું આ નિવદેન ત્યારે આવ્યું જ્યારે કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવાનો ઈનકાર કર્યો હતો.સુક્ખુ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંહે હાઈકમાન્ડને જણાવતા જરાય શરમાયા નહીં કે તેમના પરિવારને સરકારમાં યોગ્ય સન્માન મળતું નથી.જો કે, 68 સભ્યોની વિધાનસભામાં 40 બેઠકો મેળવીને સરકાર બનાવનાર સુક્ખુ પોતાના ધારાસભ્યો સાથે સંવાદ અને સંકલન જાળવી શક્યા નથી.આ રાજકીય વ્યૂહરચના હતી જેમાં વીરભદ્ર સિંહ નિષ્ણાત હતા.વીરભદ્ર સિંહ હિમાચલ પ્રદેશની રાજનીતિને સંતુલિત રાખવામાં માનતા હતા.તેથી તેમને સરકાર ચલાવવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.

ભાજપે વીરભદ્રના રણનીતિકારને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા

હિમાચલમાં બહુમત ન હોવા છતાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે હર્ષ મહાજનને મેદાનમાં ઉતાર્યા.હર્ષ મહાજન કોંગ્રેસના પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના રણનીતિકાર હોવાનું કહેવાય છે.હર્ષ મહાજન 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.ત્યારે તેમનું આ પગલું ભલે અસરકારક ન રહ્યું હોય,પરંતુ આ વખતે હર્ષ મહાજને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મજબૂત નેતા અભિષેક મનુ સિંઘવીને ભાજપ હાઈકમાન્ડના સમર્થનથી હરાવ્યા છે.ત્યારથી હિમાચલમાં સરકાર પડી ભાંગવાના એંધાણ દેખાઈ રહ્યા છે.

G-23 ના આનંદ શર્મા દિલથી ભાંગી પડ્યા હતા

રાજ્યસભાની ચૂંટણીની રેસમાં કોંગ્રેસે હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવીને મેદાનમાં ઉતાર્યા હતી.સિંઘવીની જીતથી પાર્ટી ચિંતિત હતી.સામાન્ય સંજોગોમાં 40 ધારાસભ્યો સાથે સિંઘવીની જીત અંગે કોઈ દુવિધા નહોતી.પરંતુ અહીં અંદરોઅંદર કંઈક ચાલી રહ્યું હતું તેની સુધ્ધાં પણ જાણ પાર્ટીને નહીં થઈ.માનવામાં આવે છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્મા પણ રાજ્યસભામાં જવા માંગતા હતા.આનંદ શર્મા શિમલાથી આવે છે,તેથી હિમાચલમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે તેમની ઉમેદવારીને હિમાચલ કોંગ્રેસમાં પણ નૈતિક સમર્થન મળી રહ્યું હતું.પરંતુ નોંધનીય છે કે આનંદ શર્મા એક સમયે કોંગ્રેસના અસંતુષ્ટોના G-23 જૂથનો એક ભાગ હતા જેમણે પાર્ટીમાં આંતરિક લોકશાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પ્રમુખ પદ માટે ચૂંટણીની માંગ કરી હતી.તેથી હાઈકમાન્ડે તેમની મહત્વાકાંક્ષાઓ પર કોઈ ધ્યાન આપ્યું ન હતું અને આનંદ શર્મા ગુસ્સામાં જ રહ્યા.

સિંઘવી સિમલામાં બહારના વ્યક્તિ બની ગયા

આનું પરિણામ એ આવ્યું કે હિમાચલ પ્રદેશમાં કેટલીક શક્તિઓ અભિષેક મનુ સિંઘવીને બહારી વ્યક્તિ કહીને અંદરોઅંદર વિરોધ કરવા લાગ્યા.ચૂંટણી હાર્યા બાદ સિંઘવીએ પોતે કહ્યું હતું કે એક રીતે આ કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ બની ગઈ છે.કારણ કે ક્રોસ વોટિંગ કરનારા છ ધારાસભ્યોએ તેમની સાથે રાત્રિભોજન અને નાસ્તો કર્યો હતો,તેમ છતાં તેઓ તેમના ઇરાદાને સમજી શક્યા ન હતા.રસપ્રદ વાત એ છે કે, 6 ધારાસભ્યોએ ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું છે જેમને સ્વર્ગસ્થ વીરભદ્ર સિંહની છાવણીમાંથી માનવામાં આવે છે.

હિમાચલ સરકારના કેબિનટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે આપ્યું રાજીનામું, CM પર લગાવ્યો આરોપ

હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી બાદ સુક્ખુ સરકાર પર ખતરાના વાદળો મંડરાઈ રહ્યા છે.એક તરફ કોંગ્રેસના છ ધારાસભ્યોએ પાર્ટી સામે બળવો કર્યો છે.તો બીજી તરફ, પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્યએ પણ સુક્ખુ સરકારમાંથી રાજીનામું આપી દીધું છે.વિક્રમાદિત્ય સિંહે કહ્યું, “અમે હંમેશા પાર્ટીને સમર્થન આપ્યું છે… હું આજે માત્ર એટલું જ કહેવા માંગુ છું કે વર્તમાન સમયે આ સરકારમાં રહેવું મારા માટે યોગ્ય નથી.મેં નિર્ણય કર્યો છે કે હું કેબિનેટમાંથી રાજીનામું આપી રહ્યો છું.”

વિક્રમાદિત્ય સિંહે સીએમ સુક્ખુ પર આરોપો લગાવ્યા

વિક્રમાદિત્ય સિંહે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુ પર પોતાની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો હતો.તેમણે કહ્યું કે ઘણા ધારાસભ્યો મુખ્યમંત્રીના કામકાજથી નારાજ હતા અને હવે સ્થિતિ યોગ્ય નથી.તેમણે CMની કાર્યશૈલી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે મારે દુ:ખ સાથે કહેવું છે કે મંત્રી તરીકે મને અપમાનિત કરવાના પ્રયત્નો કરાયા છે.જે રીતે વિભાગમાં મેસેજ જતા હતા,તે અમને નબળા પાડવાની કોશિશ છે.સૌના સામૂહિક પ્રયાસોથી સરકાર બની હતી.હું કોઈ દબાણમાં આવવાનો નથી.તેમણે વધુમાં કહ્યું કે, ધારાસભ્યો સાથે ક્યાંકને ક્યાંક ઉપેક્ષા થઈ રહી છે.તેમના અવાજના દબાવવામાં આવે છે,જેના કારણે આજે અમે કિનારે આવીને ઊભા છે.આ તમામ મુદ્દા સરકાર સામે ઉઠાવવામાં આવ્યા પરંતુ ત્યાંથી કોઈ નક્કર પગલાં લેવાયા નથી.

પિતા વીરભદ્ર સિંહને યાદ કરતા વિક્રમાદિત્ય ભાવુક બન્યા

વિક્રમાદિત્ય પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાના પિતા વીરભદ્ર સિંહને યાદ કરતા ભાવુક થઈ ગયા.તેમણે પિતાની તુલના છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર સાથે કરી.જેમને દફનાવવા માટે બે યાર્ડ જમીન પણ નથી મળી હતી અને આજે તેમની કબર પાડોશી દેશ મ્યાનમારમાં છે.વિક્રમાદિત્યે કહ્યું કે, આખી ચૂંટણી વીરભદ્ર સિંહના નામે થઈ હતી.ભારે હૃદય સાથે મારે કહેવું છે કે હિમાચલમાં જે વ્યક્તિના કારણે કોંગ્રેસની સરકાર બની હતી તેની પ્રતિમા સ્થાપિત કરવા માટે શિમલાના મોલ રોડ પર 2 યાર્ડ જમીન આપવામાં આવી નથી.આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

આ ઉપરાંત, વિક્રમાદિત્યએ રાજ્યસભા ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે.તેમણે કહ્યું કે ધારાસભ્યોની અવગણના કરાઈ છે.આ મુદ્દાઓ હાઇકમાન્ડ સમક્ષ વારંવાર ઉઠાવવામાં આવ્યા હતા.અમે સરકાર બનાવવામાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે.જો કે, આ બધા વચ્ચે સુક્ખુ સરકારમાં મંત્રી વિક્રમાદિત્ય સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.તેમણે કહ્યું કે મેં આ અંગે પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને જાણ કરી છે.તેમણે કહ્યું કે કેટલીકવાર આકરા નિર્ણયો લેવા પડે છે અને વર્તમાન પરિસ્થિતિને જોતા હું આ સરકારમાં રહી શકતો નથી.અમે અમારાથી બની શકે એટલી મહેનત કરી અને સરકારને ટેકો આપ્યો.દુઃખ સાથે મારે કહેવું છે કે મારું અપમાન થયું છે.મારા વિભાગની કામગીરીમાં દખલગીરી હતી.હું કોઈના દબાણમાં આવતો નથી.હંમેશની જેમ આજે પણ આપણે જે સાચું છે તેનું સમર્થન કરીશું અને જે ખોટું છે તેનો વિરોધ કરીશું.સમગ્ર ઘટના અંગે હાઈકમાન્ડ સાથે વાત કરી છે.

Share Now