– તાપી નદી કિનારે પાળા યોજનાની જોગવાઈઓ નો ભંગ કરી માટી પુરાણ કરી સુરત શહેરને પૂરના ભયમાં નાખવાનો મામલો મુખ્યમંત્રીના દરબારમાં પહોંચતા જ તપાસનો ધમધમાટ શરૂ : સમગ્ર મામલાની તપાસ નાયબ કલેક્ટર ઓલપાડ પ્રાંતને સોંપાઈ : કલેક્ટરે તાકીદે તપાસ કરી રિપોર્ટ કરવાનું ફરમાન કરતા તંત્ર દોડતું થઈ ગયું!
સુરત : સુરત જિલ્લાના ભાઠા ખાતે તાપી નદી કિનારે પાળા યોજનાની જોગવાઈઓનો ભંગ કરી માટી પુરાણ કરી સુરત શહેરને પુરના ભયમાં નાખવાનો મામલો મુખ્યમંત્રીના દરબારમાં પહોંચતા જ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવાની માંગ ઉઠાવતા સમગ્ર મામલાની તપાસ નાયબ કલેક્ટર ઓલપાડ પ્રાંતને સોંપાઈ છે.સુરતના ડુમસની સરકારી જમીન ગણોતીયાઓને પધરાવી દેવાનાં મસમોટા કૌભાંડને પણ પાછળ મુકી દે તેવા ભાઠા અને ભાટપોર ગામની સરકારી જમીન ઉપરનાં કબ્જાને તાકીદે દુર કરાવવા તેમજ કોસ્ટલ રેગ્યુલેશન ઝોનનો પ્રતિબંધ હોવા છતાં ખાનગી જમીનમાં કરવામાં આવી રહેલા માટીનાં પુરાણ અને બાંધકામ માટેની તૈયારીઓને અટકાવી સુરતને પુરથી બચાવવા માટેની માંગણીઓ ઉઠી છે.તાપી નદીના દરિયાનાં મિલનથી નજીકનાં અંતરે જ ભાટપોર અને ભાઠા ગામ આવેલું છે.આ વિસ્તારમાં તાપી નદીનાં પટની વિશાળ જમીન છે,જે ડુબાણ વિસ્તારમાં હોવાથી કોસ્ટલ રેગ્યુલેશન ઝોન દ્વારા ત્યાં કોઈપણ પ્રકારના પાકા બાંધકામ ઉપર પ્રતિબંધ મુક્યો છે.આ અંગે જિલ્લા કલેકટરને ફરિયાદ કરી તપાસની માંગ ઉઠાવવામાં આવી હતી.જે મુજબ, ભાઠા ગામ ખાતે તાપી નદીના કિનારનાં બેટમાં આશરે ૧૦૦૦ થી ૧૨૦૦ વીઘાં જમીન સરકારી અને આશરે ૩૦૦ થી ૩૫૦ વીઘા ખાનગી જમીન આવેલી છે.ભૂતકાળમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા આ વિસ્તારમાં ફરતી ખેતી કરવામાં આવતી હતી.
આ સમગ્ર વિસ્તાર તાપી નદીનો અને ખાનગી જગ્યાનો ડુબાણ વિસ્તાર છે અને વરસાદી પાણી સરકારી અને ખાનગી જમીનમાં બાંધકામ ઉપર કોસ્ટલ રેગ્યુલેશન ઝોનનો પ્રતિબંધ છતાં બાંધકામ પ્રક્રિયા ચાલુ છે.સુરત શહેરનાં વિકાસ માટે મહત્વનાં ગણવામાં આવતા કન્વેનશનલ બેરેજ જયાં પ્લાનીગ કરવામાં આવ્યું છે,તેને અડચણરૂપ કહી શકાય એવા ભાઠા ગામની તાપી નદીની સીમમાં ડુબાણમાં જતી ખાનગી જમીનમાં કરવામાં આવી રહેલા દબાણ સામે ઉઠેલી ફરિયાદ વચ્ચે જિલ્લા કલેક્ટરે નાયબ કલેક્ટર ઓલપાડ પ્રાંત પાર્થ તલસાણીયાને તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.ભાઠા-ભાટપોર વિસ્તારની તમામ સરકારી અને ખાનગી જમીનમાં બાંધકામ ઉપર કોસ્ટલ રેગ્યુલેશન ઝોનનો પ્રતિબંધ હોવા છતાં બાંધકામ માટેની પ્રક્રિયા ચાલી રહી હોય અને પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા પાળાથી નદી તરફના ભાગે દબાણ ઉભું કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ વચ્ચે તપાસનો ધમપમાટ શરૂ કરવામાં આવતા દબાણકર્તાઓની હાલત કફોડી થઈ જાય તો નવાઈ નહીં.સરળતાથી દરીયામાં વહી જાય તે માટે આ વિસ્તારમાં કોઈપણ પ્રકારના સ્થાથી બાંધકામ થઈ શકે તેમ નથી.સુરત મ્યુનિસિપલ કમિશ્નરના હદ વિસ્તારમાં ભુમાફિયાઓ અને રાજકીય વગ પરાવતા કેટલાંક હીરાનાં વેપારીઓ દ્વારા પાળા યોજનાની જોગવાઈનો ભંગ કરી માટી પુરાણ કરી રોડ રસ્તાઓ,કંપાઉન્ડ વોલ સહિતનું કાયમી બાંધકામ કરવાની કામગીરી કરવામાં આવી રહેલ છે તેમજ પાળા યોજના અંતર્ગત સંપાદિત જમીન વિસ્તાર ઉપર પણ કબજો કરી દેવામાં આવેલ છે અને રોડ-રસ્તાઓ બનાવી કુદરતી રીતે પાણીના થઈ રહેલ નિકાલનો માર્ગ બંધ કરી દેવામાં આવેલ છે.સુંદર પ્રોજેક્ટ તાપી નદીની પાસે આવેલ હોય તાપી નદીમાંથી પસાર થતી કુદરતી ખાડીઓ પણ પૂરી દેવામાં આવેલ છે.સદર જમીનમાં પુરાણ કરવા માટે ખૂબ મોટા પ્રમાણમાં માટી વાપરવામાં આવી રહેલ હોવાનું કહેવાય છે.જોકે, હવે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થતા રાજકીય વગ ધરાવતા હીરાના વેપારીઓ કોણ સંડોવાયા છે એ બાબતે પણ ચર્ચાએ જોર પકડ્યું છે.એટલું જ નહીં પાલિકાએ પણ આ વિસ્તારમાં બેરેજ બનાવવાનું આયોજન કર્યું છે.આ વિસ્તારમાં ખાનગી જમીન તેમજ સરકારી જમીન ઉપર અનેક દબાણો ઉભા થઈ ગયા હોવાથી તટસ્થ તપાસ કરી દબાણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.બ્લોક નં. ૬૦૮ અને ૬૨૮ સહિતના બ્લોક નંબરો એ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન ૨૦૧૧-૧૯ મુજબ “હેઝાર્ડ લાઈન” માં આવે છે અને સીઆરઝેડ વિસ્તારમાં આવતો હોવાથી ત્યાં થઇ રહેલા બાંધકામ અને માટીનાં પુરાણને અટકાવવાની માંગણી કરવામાં આવી હતી.જેની સામે આજે સુરત જિલ્લા કલેકટર સૌરભ પારધીએ નાયબ કલેક્ટર ઓલપાડ પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાને તપાસનાં આદેશ આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.ગંભીરતા સમજીને કલેક્ટરે તાકીદે તપાસ કરી રિપોર્ટ કરવાનું ફરમાન કરતા ઓલપાડ પ્રાંત તેમજ ચોર્યાસી મામલતદારની ટીમ દોડતી થઈ ગઈ છે.