કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રનું ચિત્ર ધૂંધળું બનતું જાય છે, અર્થતંત્રની અનિશ્ચિતતા વધુ ડરાવશે અને માંદા પણ પાડશે. આ સંજોગોમાં સુધારાના કોઈ પણ સંકેત દેખાતા નથી. આગામી સમય વધુ કપરો બનવાનાં એંધાણ છે.
કોઈ આર્થિક-ઉત્પાદનની પ્રવૃત્તિ થતી જ ન હોય, નાણાંનો વ્યવહાર નહીંવત્ થઈ જાય; કામદારો, કર્મચારીઓ, સ્વરોજગારીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓને જ્યારે ઘરમાં બેસી જવું પડે ત્યારે અર્થતંત્રની ગાડી ક્યાંથી, કેટલી અને કઈ રીતે ચાલે? અને અર્થતંત્રની ગાડીને બ્રેક લાગી જાય તો માર્કેટ ક્યાંથી અને કેવું ચાલે? આ સવાલ જગત સામે મહાકાય સમસ્યા બનીને ઊભો રહી ગયો છે. બજારનો સેન્સેક્સ મોટે ભાગે ચાર આંકડામાં જ વધ-ઘટ (ઘટ વધુ) કરવા લાગ્યો છે. નવાઈની વાત એ છે કે એક દિવસ ૧૦૦૦ પૉઇન્ટ તૂટેલું બજાર બીજા દિવસે ૧૦૦૦ પૉઇન્ટનો ઉછાળો મારી દે છે, આ વાત ગળે ઊતરે એવી હોતી નથી. આને કોઈ રીતે બજાર પચાવી શકે એમ હોતું નથી. તેમ છતાં માત્ર ગ્લોબલ સંકેતો પર આવું ચાલ્યા કરે છે.
આપણે ગયા વખતે જે વાત કરી હતી કે સરકાર અને રિઝર્વ બૅન્કની રાહતો સામે કોરોનાની આફતો ચાલુ જ રહેવાથી ઇકૉનૉમીની કરોડરજ્જુ તૂટતી જોવા મળે છે. યુરોપિયન માર્કેટ સહિત મોટા ભાગના દેશો ટોટલ લૉકડાઉન તરફ આગળ વધી રહ્યા હોવાથી અર્થતંત્રની ચિંતા ચરમસીમાએ પહોંચી છે. એમાં વળી આઇએમએફ (ઇન્ટરનૅશનલ મૉનિટરી ફંડ) તરફથી ગ્લોબલ મંદીની આગાહીએ ગભરાટ વધારી દીધો છે. યુએસ ઇકૉનૉમી પણ ચિંતાની આગમાં ઘી હોમી રહી છે.
વધુ ડાઉન, વધુ મૂડીધોવાણ
વીતેલા સપ્તાહના પ્રથમ દિવસે વધુ એક વાર કડાકા સાથે શરૂઆત કરી હતી. કોરોનાના વધતા વ્યાપે સોમવારે સેન્સેક્સ ૧૩૭૫ પૉઇન્ટ અને નિફ્ટી ૩૭૯ પૉઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યા હતા. વિદેશી રોકાણકારોની વેચવાલી જોર-જોમ પૂર્વક ચાલુ રહી હતી. એક જ દિવસમાં ૨.૮૫ લાખ કરોડ રૂપિયાનું મૂડીધોવાણ થયું હતું. પ્રાપ્ત આંકડા મુજબ ફૉરેન ઇન્વેસ્ટરોએ ગયા સોમવાર સુધીમાં ઇક્વિટી માર્કેટમાં ૫૯,૦૦૦ કરોડ અને ડેટ માર્કેટમાં ૫૭,૦૦૦ કરોડનું વેચાણ કર્યું હતું. મંગળવારે માર્ચ વર્ષાન્તનો અંતિમ દિવસ હતો. ગ્લોબલ પૉઝિટિવ સંકેતને લીધે બજારે પૉઝિટિવ ટર્ન લઈ સેન્સેક્સે ૧૦૨૮ પૉઇન્ટનો અને નિફ્ટીએ ૩૧૬ પૉઇન્ટનો ઉછાળો દર્શાવ્યો હતો. વિદેશી રોકાણકારોના વેચાણમાં નોંધાયેલો ઘટાડો પણ આ માટેનું એક કારણ હતું. હાલના સંજોગોમાં ભારતીય માર્કેટ મહદ્અંશે ગ્લોબલ માર્કેટના સંકેત અને ટ્રેન્ડ મુજબ ચાલશે, કારણ કે ભારતીય બજારમાં હાલ કોઈ ટ્રિગર નથી.
નવા નાણાકીય વર્ષની નબળી શરૂઆત
બુધવારે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે (પહેલી એપ્રિલે) બજારે પુનઃ કડાકો દર્શાવ્યો હતો. સેન્સેક્સ ૧૨૦૦ પૉઇન્ટ અને નિફ્ટી ૩૪૪ પૉઇન્ટ તૂટીને બંધ રહ્યા હતા. દિવસમાં ૩.૨૧ લાખ કરોડ રૂપિયાનું મૂડીધોવાણ થયું હતું. જેમ-જેમ વાઇરસ અસરગ્રસ્તના અને ફેલાવાના આંકડા વધે છે તેમ-તેમ બજારમાં ઘટાડો થવા લાગે છે. આખરે અર્થતંત્રની વિકટ બનતી જતી સ્થિતિ માર્કેટને સતત નિરાશાજનક દિશામાં લઈ જઈ રહી છે. ગુરુવારે બજાર રામનવમી નિમિત્તે કામકાજ માટે બંધ હતું, જ્યારે કે શુક્રવારે બજાર ઘટાડાતરફી ચાલ સાથે માઇનસ બંધ રહ્યું હતું. જોકે વૉલિટિલિટી ઓછી હતી. સેન્સેક્સ ૬૭૪ પૉઇન્ટ માઇનસ થઈ ૨૭,૫૯૦ અને નિફ્ટી ૧૭૦ પૉઇન્ટ ઘટીને ૮૦૮૩ બંધ રહ્યો હતો. આ ઘટાડાનું કારણ કોરોનાનો વધતો ફેલાવો હતું. આ ઉપરાંત રેટિંગ એજન્સી મૂડીઝે બૅન્કિંગ સિસ્ટમ માટેનું આઉટલુક સ્ટેબલ પરથી ડાઉનગ્રેડ કરીને નેગેટિવ કર્યું હતું જેની બૅન્ક શૅરો પર ગંભીર અસર થઈ હતી. સંસ્થાકીય વેચવાલી પણ જોરમાં ચાલુ રહી હતી. માત્ર ને માત્ર મંદીના સમાચાર અને સંકેત ફરી રહ્યા હોવાથી બજાર પાસે રિકવરીનું કોઈ ટ્રિગર નહોતું અને આવવાની સંભાવના પણ નહીંવત્ છે.
ઇન્વેસ્ટરો આટલું સમજી લે
અર્થતંત્ર હોય કે વેપારનાં બજારો કે પછી ઉદ્યોગો, એ આર્થિક પરિબળો (ફંડામેન્ટલ્સ), સેન્ટિમેન્ટ (લોકમાનસ) અને લિક્વિડિટી (પ્રવાહિતા-પૈસાની છૂટ) પર આધાર રાખતાં હોય છે જેના આધારે રોકાણજગત કામ કરતું હોય છે. એથી હાલમાં ઇન્વેસ્ટરોએ કેટલીક હકીકત સમજવી આવશ્યક છે. સમગ્ર દેશમાં લાંબું લૉકડાઉન ચાલી રહ્યું હોવાથી ઉત્પાદન પ્રવૃત્તિ અને વેપાર પ્રવૃત્તિ સાવ જ બંધ છે. અલબત્ત, આમાં કેટલીક આવશ્યક ચીજ-વસ્તુઓ અપવાદ છે. જોકે એના આશરે અર્થતંત્ર ચાલી શકે નહી. કરોડોના હિસાબે નોકરી-ધંધા, સ્વરોજગાર વગેરે અસર પામ્યા છે. આવી હાલતમાં વપરાશ કયાંથી અને કેટલો વધી શકે? વપરાશની અછત હોય તો માગ કયાંથી અને કેટલી વધી શકે? મોટા ભાગના વેપાર-ઉદ્યોગ ધિરાણના બોજ હેઠળ છે. એમને રિઝર્વ બૅન્કે ચોક્કસ રાહત આપી ભલે, પરંતુ એ તો કામચલાઉ છે, જ્યારે કે એમની સમસ્યા લાંબી, નાજુક અને ગહન છે. રિઝર્વ બૅન્કે ધિરાણ માટે નાણાપુરવઠો-પ્રવાહિતા તો વધારી આપી, પરંતુ એ ધિરાણ લેવા કોણ, શા માટે આવશે?
બે ક્વૉર્ટર નબળાં રહી શકે
એક તરફ અર્થતંત્ર સામે વપરાશ-માગની મંદી ચાલુ છે ત્યારે બીજી તરફ ક્રૂડની ક્રાઇસિસ ઊભી છે, સીધા વિદેશી રોકાણની વાત તો બાજુએ રહી, શૅરબજારમાંથી વિદેશી રોકાણ સતત પાછું ખેંચાઈ રહ્યું છે. ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે. રોજગારલક્ષી ગણાતા ઑટો અને કન્સ્ટ્રક્શન જેવા સેક્ટરમાં દુકાળ જેવી હાલત છે.
લાંબી મંદી માટે તૈયાર રહો
વર્તમાન સંજોગોને ધ્યાનમાં લેતાં અને ભાવિ સંકેતોને જોતાં બજારે લાંબી મંદી માટે તૈયાર રહેવાનું છે. કોરોનાથી કેટલી કંપનીઓનાં ક્વૉર્ટરલી પરિણામ પ્રોત્સાહક રહેશે? કોનાં ફંડામેન્ટલ્સ મજબૂત રહી શકશે? આ સવાલના જવાબ માત્ર મંદીતરફી સંકેત આપે છે. રોકાણકારો હવે ઍવરેજ કરવાથી પણ દૂર થવા લાગ્યા છે, કારણ કે હજી ઘટવાના કારણ અને પરિબળ માથા પર ઊભાં જ છે. બીજી બાજુ લૉકડાઉન વહેલાસર પાછો ખેંચાવાની શક્યતા પણ દેખાતી નથી. એ માત્ર તબક્કા વાર અને વિસ્તાર વાર આંશિક ખૂલશે જેથી લૉકડાઉન ખૂલવા સાથે આર્થિક પ્રવૃત્તિ ધમધમવા માંડશે એવું કઈ થશે નહીં. શૅરબજાર આશા પર જેટલું ચાલે છે, એટલું એ આશા પૂરી થયા બાદ ચાલતું નથી. મોટા ભાગના ઇન્વેસ્ટરોના પોર્ટફોલિયોના ભુક્કા બોલાઈ ગયા છે. અનેકના તો નેગેટિવ પણ થવા લાગ્યા છે. ઍસેટ એલોકેશન નહીં કરનારા કે રોકાણનું વિવિધ સાધનોમાં વૈવિધ્યકરણ નહીં કરનારાની દશા વધુ કફોડી છે. યુએન ટ્રેડ રિપોર્ટ મુજબ ગ્લોબલ મંદીની વિકસતા દેશોને અસર થશે. જોકે એમાં ભારત અને ચીન અપવાદ હશે. અર્થાત્ ભારત જો કોરોના સામેની લડતમાં સફળ રહ્યું તો એ બાબત ભારતની ઇકૉનૉમીને રિવાઇવ થવામાં સહાયરૂપ બનશે. જોકે હાલ માત્ર અનિશ્રિતતા સિવાય કંઈ નથી.