કોરોના : બ્રિટન અને અમેરિકાએ કહ્યું પીએમ મોદી 18 દેશના ટાસ્ક ફોર્સના લીડર બને

304

હાલમાં સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ્સ ફરતી થઈ છે જેમાં જણાવવામાં આવ્યું છે કે યુ.એસ. અને યુ.કે. સહિત 18 રાષ્ટ્રોએ કોરોના વાયરસ સામે લડવા માટે ભારતના વડા પ્રધાન મોદીને ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરવા જણાવ્યું છે. પોસ્ટમાં WION ન્યૂઝ ચેનલ દ્વારા એક ન્યૂઝ ક્લિપ પણ સામેલ કરાઈ છે. કેપ્શનમાં સંપૂર્ણ રીતે વંચાઈ રહ્યું છે કે યુએસએ અને યુકે સહિત 18 રાષ્ટ્રો કોરોના માટે ટાસ્ક ફોર્સના નેતા તરીકે નરેન્દ્ર મોદીને ઇચ્છે છે. ભારત માટે તે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે.

ઘણા લોકો આ ખબરને શેર કરતાં દાવો કરી રહ્યાં છે કે અમેરિકા, ઇંગ્લેન્ડ સહિત 18 દેશ ઇચ્છે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરે. તેમાં મોટી સંખ્યામાં ટ્રોલર્સ તો છે જ, પરંતુ સાથે જ કેટલાંક એવા લોકો પણ છે જે એક જવાબદાર પદ પર બેઠા છે. તેમાં મહારાષ્ટ્ર બીજેપીના મહાસચિવ અતુલ ભટખાલકર અને મણિપુરના મુખ્યમંત્રીના સલાહકાર રજત સેઠી જેવા લોકો પણ છે. તો ચાલો તમને જણાવીએ કે આમા કેટલી હકીકત છે….

હકીકતમાં તેઓ એક WION ન્યૂઝ ચેનલનો એક વીડિયો શેર કરતાં દાવો કરી રહ્યાં છે. આ દાવાનો ફેક્ટ-ચેક કરવામાં આવ્યો અને અતુલ ભટાલકર અને રજત સેઠીની તે ટ્વીટની તપાસ કરવામાં આવી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવા ટાસ્ક ફોર્સના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અતુલ ભટખાલકરે લખ્યું છે કે, અમેરિકા, ઇંગ્લેન્ડ સહિત 18 દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોરોના માટે ટાસ્ક ફોર્સના નેતા બનાવવા માગે છે…ભારત માટે ગૌરવની ક્ષણ છે…આપણા મહાન નેતાનું આપણે સમર્થન કરવુ જોઇએ અને કોરોના સામેની લડાઇને આપણે જરૂર જીતીશું.

આવો જ દાવો રજત સેઠીએ કર્યો છે, વડાપ્રધાન મોદી અંતર્ગત વિશ્વભરમાં કોરોના મહામારીને નિયંત્રિત કરવાના સામૂહિક પ્રયાસ માટે ઇન્ટરનેશનલ ટાસ્ક ફોર્સના ગઠનમાં ભારત વિશ્વનું કેન્દ્ર બિંદુ રહ્યો છે. ટ્રમ્પ, બોરિસ જૉનસન, સ્કૉટ મોરિસન જેવા વૈશ્વિક નેતા ઇચ્છે છે કે આપણા વડાપ્રધાન આ પ્રયાસનું નેતૃત્વ કરે. આ હકીકતમાં સ્ટેટ્મેનશિપ છે.

ખરેખર પીએમ મોદી 18 દેશના ટાસ્ક ફોર્સના લીડર બનશે?

પરંતુ આમા હકીકત કેટલી છે? હકીકતમાં જે વીડિયો શેર કરતાં દાવો કરવામાં આવ્યો છે તે WION ન્યૂઝ ચેનલ માટે 15 માર્ચની તે સમયની ખબર છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે લડાઇ માટે સાર્ક એટલે કે ક્ષેત્રીય સહયોગ માટે દક્ષિણ એશિયાઇ સંગઠનના સભ્ય દેશો ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ, નેપાળ, પાકિસ્તાન ને શ્રીલંકા વચ્ચે સહયોગની વાત કરી હતી. ત્યારે વડાપ્રધાન મોદીએ આ દેશો વચ્ચે સામૂહિક પ્રયાસની વાત કરી હતી અને સાર્ક દેશો માટે એક કોષની ઘોષણા પણ કરી હતી. વડાપ્રધાન મોદીના આ પ્રયાસની ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રીઓએ પણ પ્રશંસા કરી હતી.

આ ખબરના આધારે WION ન્યૂઝ ચેનલે એક ખબર પ્રસારિત કરી હતી. તેની ઓલ્ટ ન્યૂઝે તપાસ કરી. WIONના વીડિયોમાં એન્કર તે વાત નથી કહેતી કે પીએમ મોદીને અમેરિકા, બ્રિટન અને 18 અન્ય રાષ્ટ્રો દ્વારા કોરોના વાયરસ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યાં છે. પરંતુ તે તેમ કહે છે કે, ભારત એક ટાસ્ક ફોર્સની જવાબદારી લેવા માટે એક નેતા તરીકે ઉભરી આવ્યું છે કારણ કે પીએમ મોદીએ મહામારીને રોકવા માટે દેશો વચ્ચે એક સંયુક્ત કાર્ય યોજના માટેનું આહ્વાન કર્યુ છે. આગળ એન્કર કહે છે, તમામ સાર્ક દેશોએ ભારતના આ પગલાનું સ્વાગત કરતાં કહ્યું કે તે નવી દિલ્હી સાથે મળીને કામ કરવા માગે છે કારણ કે ઘાતક બિમારીથી છૂટકારો મેળવવાની રણનીતિ તૈયાર કરવામાં આવી શકે. આ વચ્ચે તે વિશેષ રૂપે સાર્કના સભ્ય દેશો-ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા વિશે વાત કરે છે.

જ્યાં સુધી દુનિયાના અન્ય હિસ્સાઓનો સવાલ છે તો એન્કર કહે છે, પ્રશંસા ફક્ત દક્ષિણ એશિયા સુધી સિમિત ન હતી પરંતુ દુનિયાના અન્ય હિસ્સાઓના નેતાઓએ પણ પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી. સૌપ્રથમ બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જૉનસને મોદી સાથે આ પ્રકોપ સામેની લડત માટે સમન્વિત આંતરરાષ્ટ્રીય પ્રયાસો પર ચર્ચા કરી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને પ્રધાનમંત્રી મોદીના જી-20 આયોજિત કરવાના પ્રયાસોની પ્રશંસા કરી. ઉલ્લેખનીય છે કે અમેરિકાનો આ શૉમાં ક્યાંય ઉલ્લેખ નથી.

જી-20ના એક વર્ચ્યુઅલ શિખર સંમેલનની અધ્યક્ષતા સાઉદીએ કરી હતી

ઓલ્ટ ન્યૂઝ અનુસાર, ક્યાંય પણ એન્કર દાવો નથી કરી રહી કે પીએમ મોદીને કોરોના વાયરસ સંકટ પર વૈશ્વિક ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યાં છે. એન્કરે પ્રધાનમંત્રીની વૈશ્વિક નેતાઓ સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો છે. WION એ આગળ જી-20નો ઉલ્લેખ કરતાં કહ્યું કે ઓસ્ટ્રેલિયાના પીએમ મોરિસને જી20ના પ્રયાસો પર સાથે આવવા માટે પીએમ મોદીના પ્રયાસોના વખામ કર્યા. પછી ચેનલે મોરિસનના નિવેદનનો વીડિયો બતાવ્યો, જેમાં તેણે ભારતીય પ્રધાનમંત્રીના પ્રસ્તાવની પ્રશંસા કરી અને કહ્યું કે આ મામલે નિર્ણય આ વર્ષે જી-20ના અધ્યક્ષ દેશ સાઉદી સરકાર દ્વારા લેવામાં આવી શકે છે. જણાવી દઇએ કે 26 માર્ચે જી-20ના એક વર્ચ્યુઅલ શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની અધ્યક્ષતા સાઉદી અરબના કિંગે કરી હતી અને તેમાં પીએમ મોદી સહિત સભ્ય દેશોના નેતાઓએ ભાગ લીધો હતો. જી-20 દેશોએ આ સમકટના સામાજિક અને આર્થિક પ્રભાવોના ઉકેલ માટે 5 ટ્રિલિયન ડોલરની સંયુક્ત રાશિનું વચન આપ્યું. પીએમ મોદીએ ન તો જી-20 સંમેલનનું નેતૃત્વ કર્યુ અને ન તો ભારતે અલગ યોગદાન આપ્યું.

સંયુક્ત કે વૈશ્વિક ટાસ્ક ફોર્સનો કોઇ રિપોર્ટ નથી

ઓલ્ટ ન્યૂઝનો દાવો છે કે ઇંગ્લેન્ડે પણ આ પ્રસ્તાવિત નથી કર્યુ કે ભારત એક ટાસ્ક ફોર્સનો પ્રમુખ છે. જો કે પીએમ મોદી અને તેના બ્રિટિશ સમકક્ષે 12 માર્ચે એક ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાન કાર્યાલયની એક પ્રેસ રિલિઝ અનુસાર, બંને નેતાઓએ જળવાયુ પરિવર્તનના ક્ષેત્રમાં ભારત-બ્રિટન સહયોગ વિશે વાત કરી અને કોવિડ-19 મહામારી પર વિચારોનું આદાન-પ્રદાન કર્યુ. ભારત સંકટમાંથી બહાર આવવા માટે રણનીતિ બનાવવા માટે અમેરિકા સાથે વાતચીત કરી રહ્યું છે. જો કે સંયુક્ત કે વૈશ્વિક ટાસ્ક ફોર્સનો કોઇ રિપોર્ટ નથી.

એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઇ ટાસ્ક ફોર્સની કોઇ ચર્ચા નથી થઇ. તેના આધારે ઓલ્ટ ન્યૂઝે દાવો કર્યો છે કે WIONના વીડિયો સાથે લોકો ખોટો દાવો કરી રહ્યાં છે કે અમેરિકા, બ્રિટન સહિત 18 દેશ ઇચ્છે છે કે પ્રધાનમંત્રી મોદી કોરોના વાયરસ પર એક ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરે. આવો કોઇ પ્રસ્તાવ કે પહેલ નથી થઇ. ઓલ્ટ ન્યૂઝે કહ્યું કે ચેનલ દ્વારા મરી-મસાલો ભભરાવીને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે WION એક ભારતીય સમાચાર ચેનલ છે જે વૈશ્વિક મામલાને કવર કરે છે. તેની માલિકી ઝી મીડિયા પાસે છે. તેના પ્રધાન સંપાદક સુધીર ચૌધરી છે, જે ઝી ન્યૂઝના સંપાદકીય પ્રમુખ છે.

Share Now