– અગાઉ મુંબઈની બે ખાનગી હોસ્પિટલના 39 સ્ટાફનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો હતો
– મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારના સભ્યો માટે કામ કરતાં 150 થી વધુ કર્મચારીઓનું કોરોના પરીક્ષણ કરવામાં આવશે
એજન્સી, મુંબઈ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને પગલે સ્થિતિ કફોડી બની રહી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના બાંદ્રા ઈસ્ટમાં આવેલા નિવાસસ્થાન ‘માતોશ્રી’ બહાર એક ચાની દુકાનવાળાને કોરોના પોઝિટિવ જણાતા સીએમ નિવાસ તેમજ આસપાસના વિસ્તારને સીલ કરી દેવાયા છે. મુંબઈમાં બે હોસ્પિટલના 39 જેટલા સ્ટાફનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 868 થઈ ગઈ છે. એક દિવસમાં મુંબઈમાં 52 તેમજ મહારાષ્ટ્રમાં 120 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા હતા. કોરોનાને પગલે એક દિવસમાં સાત લોકોના મૃત્ય થયા હતા.
બીએમસીના એક અધિકારીએ આપેલી માહિતી મુજબ સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘરની નજીક ચાની દુકાનવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી સાવચેતીના ભાગરૂપે માતોશ્રીને સીલ કરી દેવાયું છે. આ વિસ્તારમાં દવાનો છંટકાવ કરીને ડિસઈન્ફેક્ટ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. હવે ચાની દુકાન ધરાવતા આ વ્યક્તિ સાથે સંપર્કમાં આવેલા લોકની ઓળખ કરી તેમના રિપોર્ટ લેવાની તજવીજ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ આ ચાની દુકાનધારકના ઘરમાં રહેતા બે વ્યક્તિના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હોવાનું જણાયું છે.
અગાઉ સોમવારે બીએમસીએ મુંબઈ સેન્ટ્રલ સ્થિત વોકહાર્ટ હોસ્પિટલ તેમજ જસલોક હોસ્પિટલને સીલ કરી દીધી હતી. વોકહાર્ટ હોસ્પિટલમાં ત્રણ ડોક્ટર્સ તેમજ 26 નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો. જસલોક હોસ્પિટલમાં છ નર્સ સહિત 10 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો હતો.
પોલિસે હવે આ વિસ્તારને સીલ કરી દીધો
માતોશ્રી નજીક કોરોના વાયરસ મળવાના સમાચાર આખા મુંબઇમાં જંગલમાં પ્રસરેલી આગની જેમ ફેલાઈ ગયા છે. BMC નો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, આ ક્ષેત્રમાં અત્યાધુનિક મશીનો દ્વારા સ્વચ્છતા કરવામાં આવી હતી. પોલિસે હવે આ વિસ્તારને સીલ કરી દીધો છે. અને લોકોની આવનજાવન કેટલાક દિવસો માટે રોકી દેવામાં આવી છે. કારણ કે બધાને ખબર છે કે કોરોના મોટું સંકટ છે. અને હાલમાં માતોશ્રી ની એક્ઝેટ સામેજ ઊભું રહ્યું છે.