પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં કોરોનાના એક સાથે ત્રણ કસ વધતાં કુલ પાંચ કેસ નોંધાતા સિદ્ધપુર તાલુકાને સીલ કરાયો છે. કોરોનાનો ચેપ ફેલાય નહીં તે માટે સિદ્ધપુર તાલુકાની તમામ બોર્ડરને સીલ કરાઈ છે. આ અંગે પાટણ કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યું છે. આજે કોરોનાના ત્રણ કેસ વધતાં સંક્રમણને અટકાવવા સિદ્ધપુર તાલુકાની બોર્ડરો સીલ કરવાનો હુકમ કરી દીધો છે.
સિદ્ધપુરની બોર્ડર સીલ કરી દેવાઈ
હાલમાં વિશ્વમાં નોવેલ કોરોના વાઇરસ covid-19 ના કેસોનો ભારતમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસો પ્રકાશમાં આવ્યા છે. જેથી નોવેલ કોરોના વાઇરસના સંક્રમણ ને અટકાવવા માટે લોકોની અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાઇરસને ફેલાવતો અટકાવવા પગલાં લીધા છે.
સિદ્ધપુરમાં કોરોનાના પાંચ કેસ
જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે, પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સમગ્ર વિસ્તારમાં સરકારી ફરજ તેમજ સરકારી કે અર્ધસરકારી તેમજ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો સહિતના સિવાય કોઈપણ વ્યક્તિ જાહેર રોડ પર પસાર થવા અને અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ સમગ્ર સિદ્ધપુર તાલુકાની બોર્ડર તેમજ તમામ ગ્રામ પંચાયત, નગરપાલિકાના વોર્ડ સહિતની સરહદો સીલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
રાજ્યમાં કોરોનાનો તાંડવ હવે ચરમસીમાએ પહોંચી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસોનો આંકડો 165 પર પહોંચી ગયો છે. ત્યારે પાટણ માટે આજે ખરાબ સમાચાર આવ્યાં છે. પાટણમાં આજે નવા ત્રણ કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટીવનોઆંકડો પાંચ થયો છે.
ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસોનો આંકડો 165 પર પહોંચી ગયો
આજે નોંધાયેલા ત્રણેય કેસ સિદ્ધપુર તાલુકામાં આવેલા નેદ્રાના વતની છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનો એક યુવક 15મી માર્ચે મુંબઈથી સિદ્ધપુર આવ્યો હતો આ ત્રણેય તેમના સંબંધી છે. મુંબઇથી આવેલા યુવકને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યો ન હતો. પરંતુ બિમારી વધી જતાં 47 વર્ષીય યુવક ધારપુર સિવિલ પહોંચ્યો હતો. જેમાં તેનુ મેડિકલ ચેકઅપ કરતા 4 એપ્રિલ 2020, શનિવારના રોજ રિપોર્ટ પોઝીટીવ આવતા ચકચાર મચી ગઈ હતી.
લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં સતત વધારો થઇ રહ્યો
આજના 19 નવા કેસોની વાત કરીએ તો, તેમાંથી 13 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે પાટણમાં ત્રણ, ભાવનગર, આણંદ અને હિંમતનગરમાં એક-એક કેસ નોંધાયા છે આ સાથે ગુજરાતમાં આંકડો 165 પર પહોંચી ગયો છે. તમામ દર્દીઓમાંથી 126 સ્વસ્થ, 4 દર્દી વેન્ટિલેટર પર અને 23 દર્દી સાજા થયા છે. રાજ્યમાં 3040 લોકોના ટેસ્ટ થયા છે. જેમાંથી 40 ટેસ્ટ પેન્ડિંગ છે.
રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં સતત વધારો
જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યારસુધીમાં કુલ 165 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 100 જેટલા લોકલ ટ્રાન્સમિશન કેસ છે. જ્યારે 33 વિદેશી ટ્રાવેલ હિસ્ટ્રી અને 32 આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. છેલ્લા 24 કલાકમાં 298 ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાંથી 237 નેગેટિવ છે, 21 પોઝિટિવ અને 40 કેસ પેન્ડિંગ છે. આમ અત્યારસુધીમાં કુલ 3040 ટેસ્ટ કરાયા છે. જેમાંથી 165 પોઝિટિવ, 2835 નેગેટિવ અને 40 કેસ પેન્ડિંગ છે.