દેશભરના રિઅલ એસ્ટેટ ડેવલપરો પાસે અંદાજે રૂપિયા ૩,૭૦,૦૦૦ કરોડના રહેઠાણ એકમો વેચાયા વગરના પડયા છે.કોરોના વાઈરસની અસરને પરિણામે રહેઠાણ ખરીદવાનું ઈચ્છનારાઓએ પોતાના રહેઠાણ ખરીદીની યોજના હાલમાં મોકૂફ રાખવાની ફરજ પડી છે.૨૦૨૦ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રહેઠાણના વેચાણમાં વાષક ધોરણે ૩૦ ટકા ઘટાડો નોંધાયો હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે.
ઘરો માટેની માગ નબળી રહેતા ડેવલપરોની રૂપિયા ૩,૭૦,૦૦૦ કરોડની મૂડી હાલમાં અટવાઈ પડી છે.૨૦૨૦ના પ્રથમ ત્રિમાસિકમાં રહેઠાણોના વેચાણ આંક કરતા નવા બાંધકામ શરૂ કરવાની માત્રામાં વધારો જોવાયો હતો.૨૦૧૯ના પ્રથમ ત્રિમાસિકમાં ૪૪૨૨૨૮ એકમોની સરખામણીએ ૨૦૨૦ના પ્રથમ ત્રિમાસિકમાં નહીં વેચાયેલા રહેઠાણોનો આંક વધીને ૪૫૫૩૫૧ એકમો રહ્યો હતો.
રહેઠાણોની સૌથી વધુ ઈન્વેન્ટરીની દ્રષ્ટિએ દિલ્હી કરતા મુંબઈ આગળ નીકળી ગયું છે,એમ રિપોર્ટમાં જણાવાયું છે.મુંબઈમાં નહીં વેચાયેલા રહેઠાણોનો આંક ૧૨૪૦૫૯ એકમો રહ્યો છે જ્યારે દિલ્હીમાં આ આંક ૧૨૧૮૦૦ જેટલો છે.છેલ્લા કેટલાક વર્ષોના વેચાણ આંક પર નજર નાખવામાં આવતા જણાય છે કે ડેવલપરોને આ સ્ટોક ખાલી કરતા ૩.૩૦ વર્ષ લાગી શકે છે.
કોરોનાની અસરને કારણે આવનારા દિવસોમાં વેચાણમાં મંદી રહેવાની શકયતાને જોતા આ સ્ટોકસ ક્લિઅર થવા માટેનો સમયગાળો પણ વધી શકે છે. માટે વિકાસકોએ રૂપિયા ૩,૭૦,૦૦૦ કરોડની આ ઈન્વેન્ટરીના વેચાણ માટે લાંબો સમય રાહ જોવી પડી શકે છે.વર્તમાન સ્થિતિને કારણે ઘર ખરીદનારાઓનો વિશ્વાસ પણ ડગમગી ગયો છે.
આથક મંદીને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં કરેલા ઘટાડાને પરિણામે કોવિડ-૧૯ બાદ વિકાસકો ખરીદનારાઓને આકષત કરવા રહેઠાણના ભાવમાં ઘટાડો કરે તેવી પણ રિપોર્ટમાં શકયતા વ્યકત કરવામાં આવી છે.કિંમતોમાં ઘટાડાથી પરવડી શકે તેના રહેઠાણો બજારમાં ઉપલબ્ધ થશે જેનાથી રહેઠાણ ખરીદનારાઓની માનસિકતામાં સુધારો થશે.
જો કે આ બધાનો આધાર લોકડાઉન કેટલું લાંબુ ચાલે છે તેના પર પણ રહેલો છે. લોકડાઉન લાંબુ ચાલશે તો સ્ટોકસ ક્લિઅર થવાનો સમયગાળો પણ લંબાઈ શકે છે. બાંધકામ ક્ષેત્રે કામ કરતા મજુરો કોરોનાવાઈરસને કારણે પોતાને વતન ચાલી ગયા હોવાથી બાંધકામ પ્રવૃત્તિ પણ અટકી પડી છે અને તેને ફરી શરૂ થવામાં પણ વિલંબ જોવા મળશે.