જંબુસર તાલુકાના દેવલા ગામેથી બે અને આમોદ ખાતેથી એક મળી વધુ ત્રણ કેસ મોડી સાંજે થયા જાહેર
ભરૂચ,
વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર ધીરેધીરે ગુજરાતમાં પણ વધી રહ્યો છે, ભરૂચ જિલ્લામાં કોરોનાએ પગપેસારો કર્યો તેના પહેલા જ દિવસે સાત કેસ કોરોનાના પોઝિટીવ આવ્યા છે. આમોદ તાલુકાના ઈખર ગામેથી કોરોનાના ચાર પોઝીટીવ કેસ બહાર આવતા જિલ્લાભરમાં તેનો હાઉ ઉભો થયો હતો. ત્યારે મોડી સાંજે જંબુસરના દેવલા તથા આમોદનો એક મળી ત્રણ કેસ પોઝિટીવ આવ્યા છે. તંત્ર દ્વારા ઈખર ગામ અને તેની આસપાસના સાત કિલોમીટર સુધીના વિસ્તારને કોવિડ ક્વોન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરી લોકોના આવવા-જવા પર પ્રતિબંધ વધુ કડક બનાવી દીધો છે. તમામ પોઝિટીવ દર્દીઓને જયાબેન મોદી અંકલેશ્વર ખાતે લઈ જવાયા હતા.
તામીલનાડુ ખાતે જમાતમાં હાજરી આપી ધર્મના પ્રચાર માટે ભરૂચમાં આવેલા જમાતીઓમાંથી અગિયાર જમાતીઓને આઈડેન્ટીફાઈ કરી તેમના મેડીકલ ચેકઅપ કરાયા હતા. જેમાંથી ઈખર ગામે પહોંચેલા ચાર જમાતીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં હડકંપ મચી ગયો હતો. કોરોના પોઝીટીવ ચારેય દર્દીઓને રાતોરાત ભરૂચ સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા હતા. જ્યાંથી સરકારે કોરોનાની સારવાર માટે નક્કી કરેલ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. અન્ય સાત જેટલા જમાતીઓને આમોદ ખાતે આવેલ બચ્ચોંકા ઘરમાં ક્વોરન્ટાઈન કરાયા છે.
એક અહેવાલ પ્રમાણે તમીલનાડુ ખાતે આવેલ જમાતના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી ૧૧ જેટલા જમાતીઓ ટ્રેન દ્વારા ૧૨ થી ૧૭ માર્ચ દરમિયાન અંકલેશ્વર આવ્યા હતા. ત્યાંથી ત્યાંથી ભરૂચ ખાતે આવી તેઓ એક મસ્જીદ ખાતે રોકાયા હતા અને ત્યાંથી તેઓ ઈખર ગામે ગયા હતા. તંત્રએ અગિયાર જમાતીઓને આઈડેન્ટીફાઈ કરી ૮ એપ્રિલના રોજ તેમના બ્લડ સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલ્યા હતા અને જેમાં ૯ એપ્રિલના રોજ ચાર જમાતીઓના કોરોના વાઈરસ રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
ઈખર ખાતે ચાર જેટલા કરોના પોઝીટીવ કેસ આવતા જિલ્લા કલેકટરે વિદ્યુત ગતિએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ હતુ. જેમાં ઈખર ગામની સાત કિલોમીટરની ત્રિજ્યામાં એટલે કે કોર એરિયામાં આવતા આમોદ તાલુકાના ઓચ્છણ, સુથોદરા, તેલોદ, દાંડા, માતર, ધોરાટ, કોઠી, કરેણા અને ભરૂચ તાલુકાના કંબોલી, સીમીલીયા, ક્રિષ્નાડ અને પાલેજ સહિતના ગામોની હદોને સીલ કરી લોકોના આવાગમન ઉપર નિયંત્રણ મૂક્યા છે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે જ સવારના ૮ થી ૧૧ કલાક સુધી ગ્રામજનોને મુક્તિ આપવામાં આવી છે.
ઇખર ગામની કુલ વસ્તી ૭૦૦૦ની છે. ગામના તમામ રહીશોનું સ્ક્રીનીંગ કરી કોરોનાનું સંક્રમણ ન વધે તે અંગેના તકેદારીના પગલાં લઇ રહ્યા છે.
આમોદમાં ક્વોરન્ટાઈન કરવામાં આવેલા સાત જમાતીઓ પૈકી વધુ એક કેસ અને જંબુસર તાલુકાના દેવલા ગામેથી બે વ્યક્તિઓ શંકાસ્પદ હોવાનું બહાર આવતા ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. દેવલા ખાતે હરિયાણાથી જમાતીઓની ટીમ આવી હોવાના અહેવાલ હતા. જેમાંથી બે વ્યક્તિઓના પરીક્ષણ શંકાસ્પદ આવ્યા હોવાના અહેવાલ આવી રહ્યા છે. આ પૈકીના ત્રણના પોઝિટીવના રીપોર્ટ આવ્યા હોવાનું બહાર આવતા હોબાળો મચી ગયો હતો.