સુરત, તા. 11 એપ્રિલ 2020 શનિવાર
બંધ રૂમમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે અમરોલી પોલીસે મોટા વરાછાના શ્રીનીધી રેસીડેન્સીમાં દરોડા પાડી 8 જણાને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા 8 જણા જુગાર નહિ પરંતુ સોશીયલ ડીસ્ટન્સીંગ જાળવ્યા વિના લોકડાઉન લંબાશે કે નહિ તે મુદ્દે ચર્ચા કરી રહ્યા હોવાથી તમામ વિરૂધ્ધ એપેડમીક ડિસીઝ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી.
ગત મધ રાત્રે શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં અજાણ્યાએ કોલ કરીને કહ્યું હતું કે મોટા વરાછા શ્રીનીધી રેસીડેન્સીના ફલેટ નં. બી/402માં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે.
કંટ્રોલ રૂમ દ્વારા આ અંગેની જાણ અમરોલી પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમે દરોડા પાડયા હતા. જયાંથી પોલીસે શ્રીનીધી રેસીડેન્સીના રહેવાસી એવા એમ્બ્રોડરી કારખાનેદાર મોન્ટુ પ્રવિણ ઘોરી, જયદીપ બાવચંદ ઇટાળીયા, પુજીત બાબુ ગોધાણી, રાકેશ રતિભાઇ ચોપડા, નિકુંજ મનસુખ કનાળીયા, હીરા વ્યાપારી જસ્મીન બાવચંદ ઇટાળીયા, ધ્રૃવીન અશોક ઇટાળીયા અને પિયુષ અશોક ઇટાળીયાને ઝડપી પાડયા હતા.
શ્રીનીધી રેસીડેન્સીના ઉપરોક્ત રહેવાસીઓ જુગાર તો ન્હોતા રમી રહ્યા પરંતુ તેઓ કોરોના વાઈરસને પગલે જાહેર કરવામાં આવેલા લોકડાઉન અંતર્ગત નવરાશની પળોમાં સમય પસાર કરવા માટે એકઠા થયા હતા અને તેઓ લોકડાઉન લંબાશે કે નહિ તે મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા.
એકઠા થયેલા તમામે વાઈરસના સંક્રમણથી બચવા માટે સોશીયલ ડીસ્ટન્સીગ જાળવવું જરૂરી હોવા છતા ડીસ્ટન્સ રાખ્યું ન્હોતું. જેથી પોલીસે તમામ વિરૂધ્ધ એપેડમીક ડિસીઝ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડ કરી હતી.