સુરત: લસકાણા વિસ્તારમાં વતન જવા તોફાને ચઢનાર 900 થી 1300 કારીગરો વિરૂદ્ધ રાયોટીંગનો ગુનો દાખલ

333

– સ્થળ ઉપરથી 81 કારીગરોની ધરપકડ, રેપીડ એક્શન ફોર્સ પણ ગોઠવી દેવાઈ
– સ્વૈચ્છિક સંસ્થાઓ જમવા માટે એક એક કલાક લાઇનમાં રાખે છે અને ખિચડી ખવરાવે છે તેમ કહી તોફાન શરૂ કર્યું હતું

સુરત, તા. 11 એપ્રિલ 2020 શનિવાર

લોકડાઉનમાં ફસાયેલા વિવિધ ઉદ્યોગોના શ્રમજીવીઓને તમામ સહાય મળે તે માટે સરકાર તેમજ વિવિધ સંસ્થાઓ સક્રિય છે. તેમ છતાં લસકાણા વિસ્તારમાં આવેલા ડાયમંડનગર, વિપુલનગર અને મારૂતિ નગરના ઉડીયા કારીગરો વતન જવાની જીદ લઇ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ જમવા માટે એક એક કલાક લાઇનમાં રાખે છે અને ખિચડી ખવરાવે છે તેમ કહી ગતરાત્રે તોફાને ચઢ્યા હતા.

કારીગરોએ લસકાણા ચેક પોસ્ટ નજીક રસ્તા ઉપર આડશ ઉભી કરી લારીઓ સળગાવી બાદમાં સ્થળ ઉપર પહોંચેલી પોલીસ ઉપર અને રસ્તા પસાર થતા વાહનો ઉપર પણ પથ્થરમારો કરતા અફરાતફરી મચી ગઈ હતી.

બનાવ અંગે સરથાણા પોલીસે તોફાને ચઢનાર 1200થી 1300 કારીગરોના ટોળા વિરૂદ્ધ રાયોટીંગનો ગુનો દાખલ કરી સ્થળ ઉપરથી 81 કારીગરોની ધરપકડ કરી હતી. આજે કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે આજે સ્થળ ઉપર રેપીડ એક્શન ફોર્સ પણ ગોઠવી દેવાઈ હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગતરાત્રે સુરતના છેવાડાના લસકાણા વિસ્તારમાં આવેલા ડાયમંડનગર, વિપુલનગર અને મારૂતિનગરમાં આવેલા લુમ્સના કારખાનાઓમાં કામ કરતા ઉડીયા કારીગરો વતન જવાની જીદ લઇ તોફાને ચઢ્યા હતા. ખુબ મોટી સંખ્યામાં એકત્ર થયેલા કારીગરોએ લસકાણા ચેક પોસ્ટ નજીક રસ્તા ઉપર આડશ ઉભી કરી રસ્તા બંધ કરી દીધા હતા અને લારીઓ સળગાવી હતી.

બાદમાં સ્થળ ઉપર પહોંચેલી પોલીસ ઉપર અને રસ્તા પસાર થતા વાહનો ઉપર પણ પથ્થરમારો કરતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને પેટ્રોલીંગ હાથ ધરતા કારીગરો રોડ ઉપરથી ભાગી ગયા હતા. પોલીસે ત્યાં જંગી કાફલો ખડકી ચાંપતો બંદોબસ્ત ગોઠવી કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં સ્થળ ઉપરથી પોલીસે 81 કારીગરોની અટકાયત કરી હતી.

કારીગરો તોફાને ચઢયા તેની જાણ લગભગ અડધો કલાક બાદ લસકાણાગામ નજીક નાકા પોઇંટ પર હાજર પીએસઆઇને એક વાહન ચાલક આવીને ફરીયાદી શ્રીને જાણ કરતા તે ત્યાં પહોંચ્યા હતા. સ્થિતિની ગંભીરતા જાણી તેમણે ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા પોલીસ કમિશનર પણ સ્થળ ઉપર દોડી ગયા હતા.

બાદમાં બનાવ અંગે પીએસઆઇએ 1200 થી 1300 જેટલા કારીગરો વિરુદ્ધ કોરોના મહામારી અંગે જાહેર થયેલા લોક ડાઉનની અમલવારી તોડી કોરોના વાઈરસની જાણકારી હોવા છતા સામાજીક અંતર નહીં જાળવી પોતાને વતનમાં જવા નથી દેતા અને સ્વૈચ્છિક સંસ્થાઓ જમવા માટે એક એક કલાક લાઇનમાં રાખે છે અને ખિચડી ખવરાવે છે તેમ કહી રોડ ઉપર ડિવાઇડર વચ્ચે લગાવેલા છોડવાઓ તોડી તથા ડિવાઇડર ઉપરની લોખંડની ગ્રીલ તોડી નાખવાની કોશીશ કરી જાહેર મિલકતને નુકશાન કરી રસ્તા ઉપરની કચરાની તથા એક લાકડાની હાથલારીને આગ લગાડી રસ્તા ઉપર જુદી જુદી જગ્યાએ પથ્થરો મુકી અવરોધ ઉભો કરી રસ્તે આવતા જતા વાહનો ઉપર તથા પોલીસ ઉપર પથ્થરમારો કરી રાયોટીંગ કર્યાની ફરિયાદ સરથાણા પોલીસ મથકમાં નોંધાવી હતી.

દરમિયાન, આજે સવારે પોલીસના બંદોબસ્ત સાથે સ્થળ ઉપર રેપીડ એક્શન ફોર્સને પણ ગોઠવી દેવાઈ હતી.

સરથાણામાં રાયોટિંગના ગુનામાં ઝડપાયેલા 81 આરોપી પૈકી 47 આરોપીઓને કાપોદ્રા પોલીસ મથકમાં પોલીસ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વતનમાં જવાની જીદ કરતા ઉડિયા કારીગરોએ સંસ્થાઓ માત્ર ખીચડી ખવડાવે છે તેમ કહી તોફાન કર્યું હતું. પોલીસે તેમને પોલીસ સ્ટેશનમાં આજે ભોજનની વ્યવસ્થા કરતા તેઓ ખુશ જણાતા હતા.

Share Now