સુરતના પાંડેસરા વિસ્તારમાં ઓરિસ્સાવાસી યુવકોએ શાકભાજીની લારીઓ ઊંઘી વાળી હોબાળો મચાવ્યો હતો. ગણેશનગર વિસ્તારમાં બનેલી ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. શાકભાજીના ફેરિયાઓ દ્વારા લોકો પાસેથી બેગણા ભાવ વસુલવામાં આવતા હોવાથી લોકો રોષે ભરાયા હતા.
30 લોકોની કરી અટકાયત
પોલીસે મામલાની ગંભીરતાને જોતા આશરે ૩૦ જેટલા લોકોની પણ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો કે, શાકભાજીના ફેરિયાઓ દ્વારા બેગણા ભાવ વસુલવામાં આવી રહ્યા હતા.જેથી ઉશ્કેરાયેલા લોકોએ હોબાળો મચાવી લારીઓ ઉંધી વાળી દીધી હતી. હાલ તો પોલીસે તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગણેશ નગર સિવાય અન્ય વિસ્તારોમાં પરિસ્થિતિ નહીં વણસે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલીગ સઘન બનાવવામાં આવ્યું છે.
જમવાની કરાશે વ્યવસ્થા
સુરતમાં ઓસિસ્સાના લોકો દ્વારા શાકભાજી વિક્રેતાઓની લારીઓ ઉંધી વાળવાની ઘટનાને લઈને તંત્ર જાગ્રત થયુ અને કલેકટર કચેરીએ અધિકારીઓની બેઠક મળી જેમાં કલેકટર, મહાપાલિકા કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા બેઠકમાં ઓરિસ્સા સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા. ઓરિસ્સાના લોકોને જમવાની વ્યવસ્થા પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 25થી વધુ મેસ ચલાવનારાઓને મહાપાલિકા કમિશનરે તાકીદ કરી છે. આ ઉપરાંત જમણવાર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ સાચવવા પણ અપીલ કરવામાં આવી હતી. પોલીસની હાજરીમાં જ તમામ કામગીરી કરવામાં આવશે. અને રાશનની જરૂર હશે તો તંત્ર દ્વારા આપવામાં આવશે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો.