નવી દિલ્હી તા. ૧૩ : દેશમાં આવતીકાલ એટલે કે ૧૪મી એપ્રિલ ૨૧ દિવસના લોકડાઉનનો અંતિમ દિવસ છે.જે પહેલા શનિવારે વડાપ્રધાન મોદીએ દેશભરના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરીને દેશમાં કોરોનાની સ્થિતિ અંગે સમિક્ષા કરી હતી અને લોકડાઉન પાર્ટ ટુ અંગે પણ ચર્ચા કરી હોવાનું કહેવાય છે.જોકે કેન્દ્ર સરકાર તરફથી હજુ આ મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે લોકડાઉન આગળ વધારવામાં આવશે,આ લોકડાઉન કેવા પ્રકારનું રહેશે વગેરે.જોકે કેન્દ્રિય ગૃહ સચીવે તમામ રાજયોના મુખ્ય સચીવને પત્ર લખી લોકડાઉન ૨.૦ અંગે નવી ગાઈડલાઈન અને પ્રોસિજરની માહિતી આપી છે.
આ દરમિયાન ગુજરાતમાં પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજયના તમામ જિલ્લાના કલેકટર અને આગેવાનો સાથે ૫ કલાક સુધી મેરાથોન બેઠક કરીને જિલ્લા વાઈઝ સ્થિતિ અને આગળની કાર્યવાહી અંગે ચર્ચા કરી છે.જે મુજબ ૨૧ દિવસના લોકડાઉનના કારણે રાજયમાં જીવન જરુરિયાતની વસ્તુઓના પ્રોડકશન અને કોલ્ડ સ્ટોરેજ બાબતે ઉદ્બવેલા પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી છે.જેમાં લોકડાઉન પીરિયડ વધારવાની સાથે સાથે કોરોનાના સંક્રમણને ઘટાડવા માટે માસ્કને પણ ફરજિયાત કરવા અંગે પણ ચર્ચા કરાઈ છે.આ સાથે જ સરકાર અનેક વેપાર અને ઉદ્યોગધંધાને ફરી શરું કરી શકે છે.કેન્દ્ર સરકારે પણ રાજય સરકારને આ અંગે સૂચન કર્યા છે.આ સૂચનો પૈકી ખેડૂતોને તેમની ખેત પેદાશ અને અનાજના વેચાણ માટેની છૂટ આપવામાં આવી શકે છે.તેમજ રાજય સરકાર એવા જિલ્લા કે જયાં કોરોનાના કોઈ કેસ નથી તેમાં લોકાડાઉનમાં રાહત આપી શકે છે.જોકે આ રાહત ફકત જિલ્લા પૂરતી જ મર્યાદિત રહેશે અને તમામ જિલ્લાઓની બોર્ડરને સીલ કરી દેવામાં આવશે.તેમજ ઘરની બહાર નીકળવા માટે પણ એક સમય મર્યાદા નિશ્ચિત કરવામાં આવશે.લોકો ઈચ્છે ત્યારે ઘરની બહાર નહીં નીકળી શકે.
કેન્દ્રીય ગૃહ સચીવ અજય ભલ્લા દ્વારા તમામ રાજયોના મુખ્ય સચીવોને લખવામાં આવેલ પત્રમાં આવી અનેક પ્રકારની રાહતો સાથેના લોકડાઉન પીરિયડને આગળ વધારવાની વાત કરવામાં આવી છે.જેમાં નાણાંકીય ગતિવિધિ અને ટ્રાન્સપોર્ટેશનને ફરી શરૂ કરવાનો મુદ્દો છે.પત્રમાં કહેવાયું છે કે રાજયના વહિવટી તંત્ર દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવે કે જેથી જુદા જુદા ઉદ્યોગ અને કંપનીમાં કામ કરતા કામદારો સરળતાથી પોતાની ઓફિસ કે કામકાજના સ્થળે આવી જઈ શકે.આ સાથે જ કેન્દ્રીય ઓથોરિટી દ્વારા રેલવે,એરપોર્ટ અને બંદરોને પોતાના કર્મચારીઓ તેમજ કોન્ટ્રાકટ બેઝડ કામદારોને પાસ ઇશ્યુ કરવા અને તમામ સંસ્થાનોને ધીરે ધીરે કાર્યરત કરવા માટે પણ મંજૂરી આપી દીધી છે.તેમજ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો જેમાં અનાજનો લોટ,ખાવાનું તેલ અને કઠોળ-દાળ સહિતની પ્રોડકટનું ઉત્પાદન થાય છે તેમને પણ છૂટ આપવાનું કહેવામાં આવ્યું છે.તેમજ રાજય સરકારને આવા પરમિટ કેટેગરીમાં આવતા વેપાર-ઉદ્યોગમાં કામ કરતા કામદારોને ઝડપથી પાસ ઇશ્યુ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જિલ્લાના કલેકટર્સ,આગેવાનો,મંત્રીઓ અને APMC માર્કેટના અધિકારીઓ સાથે કરેલી બેઠકમાં એ બાબતની ચર્ચા કરવામાં આવી કે આગામી દિવસોમાં APMC કઈ રીતે કામગીરી કરશે.
આ તમામ બાબતનો જાણકાર સૂત્રના જણાવ્યા મુજબ સરકાર નાના રેસ્ટોરન્ટ્સ અને કેટરિંગના વ્યવસાય અને તેમના નાના વાહનોને લોકડાઉનમાંથી રાહત આપવા વિચારી રહી છે.જે બાદ ત્યાર પછીના સ્ટેજમાં ડ્રાઈવર સાથે એક વ્યકિત સહિત ટ્રકની અવરજવરને પણ મંજૂરી આપવામાં આવશે.આ ઉપરાંત રાજય સરકારે હાલમાં જ દરિયા કિનારા નજીક માછીમારીની મંજૂરી આપી છે.લોકડાઉન અંગેના નવા નિર્ણયોમાં વધુને વધુ ઈકોનોમિક એકિટવિટીને રાહત આપવામાં આવશે.આજુબાજુના રાજયોમાંથી ઘાસચારો લઈ આવતા ટ્રકમાં જ જે તે રાજયોમાં વેચાણ માટે માછલીઓનો જથ્થો મોકલવામાં આવશે.જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.રાજય સરકારના એક ઉચ્ચ સૂત્ર દ્વારા જાણવા મળ્યા મુજબ તેઓ હાલ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ આવે તેની રાહ જોઈ રહ્યા છે.જોકે એટલું તો નક્કી જ છે કે લોકડાઉન ૨.૦ અમલમાં જરૂર આવશે પરંતુ કેટલીક રાહતો સાથે તેનો અમલ થશે.તે ૨૧ દિવસના પ્રથમ ચરણની જેમ પૂર્ણકક્ષાનું લોકડાઉન નહીં હોય.જોકે કોરોનાના સંક્રણના ભયને જોતા જે પણ રાહત આપવામાં આવશે તેના માટે ખૂબ જ કડક રીતે હાઈજીન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાની શરતે જ આપવામાં આવશે.