દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તબલીઘી જમાતના પ્રમુખ મૌલાના સાદની ધરપકડ કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે સાદ અને એફઆઈઆરમાં જે લોકોના નામ છે તેની વિરુદ્ધ સબુતો એકત્રિત કર્યા છે, હવે તેમની કોઈ પણ જગ્યાએ પુછપરછ થઈ શકે છે. ક્રાઈમ બ્રાન્ચ તેમની ટીમમાં ડોક્ટરોને પણ સામેલ કરશે. જેનાથી મોલાના તપાસમાં મેડિકલ કારણોને ટાકીને બહાના ન બનાવી શકે. પહેલા તમામ આરોપીઓની અલગ-અલગ પુછપરછ થશે. પછીથી તેમને સામ-સામે બેસાડીને પુછપરછ કરવામાં આવશે.
મોટાભાગના લોકોડાઉન પહેલા જ તેમના ઘરે પરત ફર્યા
દિલ્હીના નિજામુદ્દીન મરકઝમાં 1થી 15 માર્ચ દરમિયાન થયેલા કાર્યક્રમમાં દેશ-વિદેશના 5 હજારથી વધુ લોકો સામેલ થયા હતા, જોકે આમ છતા પણ અહીં લગભગ 2000 લોકો રોકાયા હતા. જોકે મોટાભાગના લોકોડાઉન પહેલા જ તેમના ઘરે પરત ફર્યા હતા. મૌલાના પર આ આયોજનમાં સામેલ લોકોને કોરોના બાબતે ગેરમાર્ગે દોરવા અને લોકોના જીવને ખતરામાં મૂકવાનો આરોપ છે. ક્રાઈમ બ્રાન્ચ અત્યાર સુધીમાં બે વખત નોટિસ ઈસ્યુ કરી ચૂક્યું છે.
મૌલાના બહાનાબાજી ન કરે તે માટે પોલીસે કરી તૈયારી
મૌલાના પુછપરછમાં સહયોગ ન કરવા માટે ઘણા બહાના બનાવી શકે છે. તે હોમ ક્વોરેન્ટાઈનમાંથી તરત પરત ફરવાની વાત કહીને સવાલોને ટાળી શકે છે. તેઓ એ પણ કહી શકે છે કે 14 દિવસ સુધી ક્વોરેન્ટાઈનમાં રહેવાને કારણે તેમને તબલીઘી જમાતના મુખ્યાલયની હાલની સ્થિતિ વિશે ખ્યાલ નથી. પોલીસ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી રહી છે. ક્રાઈમ બ્રાન્ચે ક્વોરેન્ટાઈનમાં મૌલાનાની મેડિકલ તપાસ કરાવવા અને તબલીઘી જમાતના મુખ્યાલયમાંથી કોઈ પણ પ્રકારના દસ્તાવેજ જપ્ત કરવાની બાબત પર કઈ પણ કહેવાથી ઈન્કાર કર્યો છે.