દિલ્હી પોલીસે તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદ વિરૂદ્ઘ બિન-હેતુપૂર્વક હત્યાના કેસ દાખલ કર્યો

297

– દોષિત ઠરશે તો મૌલાના સાદને થઇ શકે છે ઉંમરકેદ, પરિવારજનો પણ કોરોનાની ઝપેટમાં

નવી દિલ્હી, તા.૧૬: દિલ્હી પોલીસે તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદ કાંધલવી વિરુદ્ઘ બિન-હેતુપૂર્વક હત્યાના કેસ દાખલ કર્યો છે,જે હત્યાના કોઇપણ પ્રકારના કેસમાં બીજી સૌથી મોટી ધારા છે.નિઝામુદ્દીન મરકજમાં આયોજિત જમાતના કાર્યક્રમમાં સામેલ કેટલાંક લોકોના કોરોના વાયરસથી થયેલા મોત અને જમાતમાં સામેલ લોકોથી સંક્રમણ ઝડપથી ફેલાયા બાદ આ પગલુ ભરવામા આવ્યું છે.કાનૂની વિશેષજ્ઞોનું કહેવું છે કે જો તપાસ દરમિયાન વધુ ગંભીર અપરાધ સામે આવશે તો પોલીસ આ કેસમાં વધુ કડક ધારાઓ લાગુ કરવા માટે સ્વતંત્ર છે.

પોલીસના સૂત્રો અનુસાર,સાદ અને અન્યો વિરુદ્ઘ નોંધવામાં આવેલી એફઆઇઆરમાં ભારતીય દંડ સંહિતાની ધારા ૩૦૪ જોડવામાં આવી છે.વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું કે આ ૩૦૪ને બદલે ૩૦૨નો એક સ્પષ્ટ મામલો છે.તબલીગી જમાતના લોકો માર્ચમાં આયોજિત કાર્યક્રમમાં ઘોર ગુનાહિત બેદરકારી દાખવી રહ્યાં હતાં,જે દેશભરમા કોરોના પોઝીટીવ લોકોના મોટા હિસ્સા માટે જવાબદાર છે.તેઓ જાણતા હતાં કે તેમના આ કાર્યથી સંક્રમણ ફેલાશે,જેથી અનેક મોત થવાની આશંકા છે.રોહતગીએ જણાવ્યું કે આ મામલે તાત્કાલિકધોરણે કાર્યવાહી થવી જોઇએ.મૌલવી છેલ્લે ૨૮ માર્ચે જોવા મળ્યો હતો.તે પછી એક ઓડિયો સંદેશના માધ્યમે તેણે પોતે એકાંતવાસમાં હોવાનો દાવો કર્યો.ધારા ૩૦૪ અનુસાર દોષી ઠેરવવામાં આવનાર વ્યકિતને આજીવન કારાવાસની સજા આપવામાં આવી શકે છે.આ સજા ૧૦ વર્ષ સુધી વધારવામાં પણ આવી શકે છે તેની પહેલા મૌલાના સાદ પર કે ધારાઓ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો જે જામીનપાત્ર હતા.પરંતુ હવે ધારા ૩૦૪ સામેલ થયા બાદ સાદ માટે જામીન મેળવવા મુશ્કેલ બનશે.

વરિષ્ઠ એડવોકેટ એશ્વર્યા ભાટીએ જણાવ્યું કે આ ધારા હત્યાના કોઇપણ કેસમાં બીજી ડિગ્રી રૂપે સમજવામાં આવી શકે છે.તેમાં કોઇની મોતનો ઇરાદો તો નથી,પરંતુ તેમણે એવુ કામ કર્યુ છે,જે એટલુ ખતરનાક છે અન તેની મોત થવાની સંભાવના છે.ભાટીએ કહ્યું કે હાલ આ મામલે તપાસ ચાલી રહી છે કારણ કે આ લોકો અત્યાર સુધી તેમાં સામેલ નથી થયાં.તપાસના કોઇપણ ચરણમાં જો તે જાણવા મળશે કે ષડયંત્રમાં તેમની ભૂમિકા અથવા અપરાધ ખૂબ જ જદ્યન્ય છે તો ચાર્જશીટ દાખલ થતા પહેલાં વધુ કડક ધારાઓ જોડવામાં આવી શકે છે.તેમણે કહ્યું કે જો આરોપી આ સ્તરે તપાસમાં સામેલ ન થાય તો આ એક અપરાધને વધુ મોટો કરવા જેવી વાત થશે.તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદના બે સંબંધીઓ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.મૌલાના સાદના બે સંબંધીઓના સેમ્પલમાં કોરોનાની પુષ્ટિ થયા બાદ જિલ્લા પ્રશાસને મંડી ક્ષેત્રના મોહલ્લા મુફ્તી વિસ્તારને સીલ કરી દીધો છે અને અહીના અન્ય ૮ લોકોને પણ આઇસોલેશનમાં રાખ્યા છે.સહારનપુરના જિલ્લાધિકારી અખિલેશ સિંહે આ જાણકારી આપી છે.બે સંક્રમિત વ્યકિત મૌલાના સાદના સાસરાપક્ષના છે.લોકડાઉન પહેલા બંને મરકજમાં હતાં.બંને તાજેતરમાં જ સાઉથ આફ્રિકાથી પરત ફર્યા હતાં જેના આધારે તે બંનેને તથા અન્ય બે ને આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં છે.તપાસમાં બંને સંક્રમિત હોવાની પુષ્ટિ થઇ.હવે પ્રશાસન તે પણ તપાસ કરી રહી છે કે આ લોકો કોના સંપર્કમાં રહ્યા છે.જિલ્લાધિકારીએ જણાવ્યું કે જે લોકો પણ તેમના સંપર્કમાં આવ્યાં હતાં તેમને આઇસોલેશનમાં રાખવામાં આવશે.

Share Now