મલેશિયા જઈ રહેલા ૩૨ મુસ્લિમોના ભૂખના કારણે મધદરીયે મોત : મલેશિયાએ ત્રણ વખત જૂથને પાછું મોકલી દીધું

239

– સપ્તાહો સુધી જહાજ દરિયામાં ભટકતુ રહ્યું : ૩૯૬ને બચાવી લીધા તેમાં મોટા ભાગના બાળકો અને મહિલાઓ : અનેકની સ્થિતિ ગંભીર! શરીરના હાડકા દેખાતા હતા

ઢાકાઃ મ્યાંમારથી મલેશિયા જઈ રહેલા ઓછામાં ઓછા ૩૨ રોહિંગ્યા મુસ્લિમોનું દરિયામાં ભૂખના કારણે ટળવળીને મૃત્યુ થયું છે.બાંગ્લાદેશી કોસ્ટગાર્ડે દ્યટનાની વિગતો આપતા જણાવ્યું કે,રોહિંગ્યા મુસ્લિમોનું જહાજ મલેશિયા ન પહોંચી શકતા તેઓ અનેક સપ્તાહ સુધી દરિયામાં ભટકતા રહ્યા હતા જયારે જહાજ પર સવાર ૩૯૬ લોકોને બચાવી લેવાયા છે.બચાવી લેવાયેલા મોટા ભાગના લોકોને અનેક સપ્તાહથી ભોજન નહોતું મળ્યું.રોહિંગ્યા મુસ્લિમો આશરે બે મહીનાથી દરિયામાં ભટકી રહ્યા હતા અને ભૂખથી તડપી રહ્યા હતા.

બાંગ્લાદેશ સરકારે બચાવી લેવાયેલા તમામ ૩૯૬ રોહિંગ્યા મુસ્લિમોને પાડોશી દેશ મ્યાંમાર મોકલી આપવાનો નિર્ણય લીધો છે.જાણવા મળ્યા મુજબ બચાવી લેવાયેલા લોકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.તે પૈકીના અનેકની સ્થિતિ એટલી હદે ગંભીર હતી કે શરીરમાં માત્ર હાડકાં જ દેખાઈ રહ્યા હતા અને અનેક લોકો ઉભા પણ નહોતા થઈ શકતા.એક શરણાર્થીના કહેવા પ્રમાણે મલેશિયાએ ત્રણ વખત તેમના જૂથને પાછું મોકલી દીધું હતું અને એક વખત જહાજ પર ચાલક દળ અને મુસાફરો વચ્ચે ઝગડો થઈ ગયો હતો.હકીકતે રોહિંગ્યા મુસ્લિમોને મ્યાંમાર પોતાના નાગરિક નથી માનતું. આ કારણે તેમણે નોકરીઓ,સ્વાસ્થ્ય અને શિક્ષણમાં ભેદભાવનો સામનો કરવો પડે છે.૨૦૧૭માં સેનાએ રોહિંગ્યા મુસ્લિમો પર કાળો કેર વર્તાવ્યો હતો જેથી હજારોની સંખ્યામાં લોકો મ્યાંમાર છોડીને ભાગી ગયા હતા.એક અહેવાલ પ્રમાણે મ્યાંમારમાં આજે પણ રોહિંગ્યાઓ વિરૂદ્ઘ હિંસાનો દોર ચાલુ જ છે.

Share Now