– શિકાગોમાં રેમડેસિવિરથી દર્દીઓ સાજા થઇ રહ્યાના દાવા, જીલેડનો શેર 16 ટકા ઉછળ્યો, ડાઉ જોન્સ ફ્યુચર્સમાં પણ ઉછાળો
એજન્સી, ન્યૂયોર્ક
કોવિડ-19ની દવા શોધવા માટે વિશ્વભરની દવા કંપનીઓમાં જામેલી હોડ વચ્ચે અમેરિકી બાયોટેક કંપની જીલેડની રેમડેસિવિરનાં શિકાગોમાં દર્દીઓ પર થયેલા પ્રયોગોમાં આશાસ્પદ પરિણામો મળ્યાનો દાવો થયો છે.આ દાવાના કારણે વિશ્વભરનાં ફાર્મા બાયોટેક સેક્ટરમાં ભારે ચર્ચા જાગી છે.બીજી તરફ જીલેડ કંપનીના શેરમાં 16 ટકાનો ઉછાળો આવ્યો હતો અને સાથે સાથે ડાઉ જોન્સ ફ્યુચર્સમાં પણ ઉછાળો નોંધાયો હતો. જોકે,સંખ્યાબંધ નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો છે કે આ દવાની અસકારકતા વિશે કોઇપણ અભિપ્રાય બાંધી લેવાની ઉતાવળ કરવા જેવી નથી અને હજુ વધુ ક્લિનિકલ ટ્રાયલ્સની જરૂર છે.
યુનિવર્સિટી ઓફ શિકાગોના તબીબી સંશોધકોએ જણાવ્યું હતું કે તેમણે 125 દર્દીઓને જીલેડની રેમડેસિવિર દવા ક્લિનિકલ ટ્રાયલના ભાગરૂપે આપી હતી.મેડિકલ ન્યૂઝ સાઇટ સ્ટેટ ન્યૂઝના અહેવાલ અનુસાર શિગારો યુનિવર્સિટીમાં બે તબક્કામાં યોજાયેલી ત્રણ ક્લિનિકલ ટ્રાયલમાં 125 દર્દીઓને આ દવા અપાઇ હતી.તેમાંથી 113 દર્દીઓને બહુ સિવિયર ઇન્ફેક્શન હતું. શિકાગો યુનિવર્સિટીના સંશોધકો વચ્ચે એક ચર્ચાનો વીડિયો સ્ટેટ ન્યૂઝ દ્વારા મેળવવામાં આવ્યો છે.તેમાં આ નિષ્ણાતોને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે આ દવા અપાયા બાદ સંખ્યાબંધ દર્દીઓનો તાવ ઘટ્યો હતો અને કેટલાય દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટમાંથી બહાર આવી ગયા હતા.દર્દીઓની શ્વાસ સંબંધી તકલીફોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.જોકે, આ ટ્રાયલ દરમિયાન બે દર્દીનાં મોત થયાં હતાં પરંતુ મોટાભાગના દર્દી સાજા થઇ ચૂક્યા હતા.
આમ,યુનિવર્સિટીના કોઇ સત્તાવાર અહેવાલ નહીં પરંતુ એક આંતરિક ચર્ચાનો વીડિયો બહાર આવ્યો છે.ફાર્મ તથા એપિડેમોલોજી સેક્ટરના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે હજુ તો ક્લિનિકલ ટ્રાયલ ચાલુ રહી છે તેની અધવચ્ચે થયેલી કેટલીક ચર્ચાના આધારે કોઇ આખરી તારણ પર આવી જવાનું ઉતાવળિયું ગણાશે.
આ દવાની એક ટ્રાયલ વિશ્વભરમાં તીવ્ર ચેપ ધરાવતા 2400 દર્દીઓ પર ચાલી રહી છે.બીજી ટ્રાયલ વિશ્વભરમાં માઇલ્ડ ચેપ ધરાવતા 1600 દર્દીઓ પર ચાલી રહી છે.ગયા માર્ચથી શરૂ થયેલી આ ટ્રાયલ આગામી મે માસ સુધી ચાલવાની છે.
આ અહેવાલના સંદર્ભમાં જીલેડ કંપનીએ એટલું જ જણાવ્યું છે કે અમે હજુ હાલ ચાલી રહેલી ટ્રાયલ્સના પૂરતા ડેટાની રાહ જોઇ રહ્યા છીએ.
આ પહેલાં ચીનમાં પણ રેમડેસિવિરની ક્લિનિકલ ટ્રાયલ ચાલુ થઇ હતી.પરંતુ બાદમાં ચીને આ ક્લિનિકલ ટ્રાયલ એમ કહીને બંધ કરાવી દીધી હતી કે અત્યારે જુદી જુદી દવાઓ માટે એકસાથે ક્લિનિકલ ટ્રાયલ ચાલુ થઇ છે અને સાથે સાથે ચીની પરંપરાગત ઔષધિઓના પ્રયોગો પણ ચાલી રહ્યા છે એટલે ક્લિનિકલ ટ્રાયલ માટે પૂરતા દર્દીઓ મળતા નથી.જોકે, નિષ્ણાતો માને છે કે કોવિડ19ની દવાની બહોળી માંગ ઊભી થાય તે સંજોગોમાં અમેરિકી દવા કંપનીઓ વિશ્વ બજારને સર ના કરી લે એટલે ચીને આ ક્લિનિકલ ટ્રાયલ બંધ કરાવી દીધી છે.
ચીનના આ નિર્ણયને પગલે જીલેડના શેરમાં કડાકો બોલ્યો હતો.પરંતુ શિકાગો યુનિવર્સિટીમાં ક્લિનિકલ ટ્રાયલનાં પ્રોત્સાહક પરિણામોને પગલે તેના શેરમાં 16 ટકાનો વધારો થયો હતો.તેનો ભાવ 76.54 ડોલરથી વધીને 89.10 ડોલર થઇ ગયો હતો.
અમેરિકી ડાઉ જોન્સ ફ્યુચર ગુરુવારે રાતે 805 પોઇન્ટ ઉછળ્યો હતો અને બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રેમડેસિવિરનાં પ્રોત્સાહક પરિણામો સહિતના પરિબળો આ ઉછાળા માટે કારણભૂત છે. હાલ કોવિડ-19ની કોઇ દવા પ્રાપ્ય નથી. રસી આવવામાં હજુ મહિનાઓ લાગી શકે છે.આવા સંજોગોમાં દવા સંસોધનના ક્ષેત્રે એક પોઝિટિવ ન્યૂઝ પણ રોકાણકારોના માનસ પર હકારાત્મક અસર સર્જે છે.
ગયાં સપ્તાહે ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન દ્વારા પણ રેમડેસિવિરના કારણે દર્દીઓના એક નાનાં જૂથમાં હકારાત્મક અસર જોવા મળી હોવાનો દાવો કરાયો હતો.