બેઇજિંગ, તા.17 એપ્રિલ 2020, શુક્રવાર
ચીનમાં કોરોના વાયરસના કહેર બાદ સરકારે મોટાભાગના રાજ્યોમાં જંગલી પ્રાણીઓનુ માંસ ખાવા પર પ્રતિબંધ મુકી દીધો છે.આમ છતા ચીનમાં આવા માંસની ડીમાન્ડ એટલી છે કે, જેના કારણે તેને સપ્લાય કરવાનુ નેટવર્ક પણ ઉભુ થઈ રહ્યુ છે.
ચીનના જાયલિન નામના પ્રાંતની પોલીસે આવા નેટવર્કનો પર્દાફાશ કરીને 13000 જંગલી જાનવરોના મૃતદેહ કબજે કર્યા છે.જેમાંથી મોટાભાગના ઘુવડ છે.એવુ મનાય છે કે ચામાચિડિયાની જેમ ચીનાઓ ઘુવડનુ પણ માંસ ખાતા હોય છે.જેના પગલે જંગલમાં એક ગેંગ દ્વારા ઘુવડોનો શક્તિશાળી એરગનનો ઉપયોગ કરીને શિકાર કરવામાં આવી રહ્યો હતો.
છેલ્લા ચાર મહિનાથી પોલીસ તેમને પકડવા માટે પાછળ પડી હતી.પોલીસના કહેવા પ્રમાણે ઘુવડોનો શિકાર તો મોટા પાયે થયો હતો પણ લોકડાઉનના કારણે આ ગેંગ મૃતદેહોને માર્કેટ સુધી પહોંચાડવામાં સફળ થઈ નહોતી.
જાનવરોની લાશોની સાથે બીજા 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે.આ લાશોને ફ્રિઝરમાં મુકવામાં આવી હતી.ગેંગ રાહ જોઈ રહી હતી કે,ક્યારે લોકડાઉન ખુલે અને ક્યારે તેને માર્કેટમાં વેચીએ.