– લોકડાઉન દરમ્યાન ભુજમાં મુસ્લિમ મહિલાને પ્રસુતિ સમયે એબી નેગેટિવ લોહીની જરૂર પડતાં સેવા આપીઃ દર એક હજાર વ્યકિતએ પાંચ જ વ્યકિતનું એબી નેગેટિવ ગ્રૃપનું લોહી મેચ થાય છે
ભુજ, તા.૧૮: રકતદાન કરવું તે સામાન્ય વાત છે,પરંતુ હાલની પરિસ્થિતિમાં સ્વજન હોસ્પિટલમાં દાખલ હોય તો તેને મળવા જવાનું પણ લોકો ટાળે છે. તો,દેશમાં કયાંકને કયાંક વાતાવરણ ડહોળવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે.તેવામાં,કોમી એકતાનો સંદેશ પ્રસરાવીને ‘ એક ભારત શ્રેષ્ઠ ભારત’ જેવો સંદેશ આપનાર આ પ્રસંગમાં માત્ર એક ફોનથી ૪૫ કિમી દૂર ગામડેથી ભુજ કોઈપણ સ્વાર્થ વગર મુસ્લિમ પ્રસૂતા મહિલા માટે લોહી આપવા માટે હિન્દુ યુવાનનું દોડી આવવું તે ઘટના પ્રસંશનીય જ શકાય.
વાત છે,ભુજ તાલુકાના જવાહર નગરના આહીર યુવાન રણછોડ આહીરની.ભુજની અદાણી જી.કે.જનરલ હોસ્પિટલમાં જલુબેન અભુભખર ગુજર નામના (ગામ કમળ કડુલી તાલુકો અબડાસાને) પ્રસુતિ માટે દાખલ કરાયા હતા.પ્રસુતિ દરમ્યાન આ મુસ્લિમ મહિલાને લોહીની જરૂર પડી હતી.તેમનું લોહીનું એબી નેગેટિવ ગ્રુપ હોતા જીવન જયોત બ્લડ બેંકને જાણ કરવામાં આવી હતી.આ ગ્રુપ દર એક હજાર વ્યકિતએ માત્ર પાંચમાં જ જોવા મળે છે. લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે જીવન જયોત બ્લડ બેંક દ્વાર સક્ષમ સંસ્થાના અમિષ મહેતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો.તેમણે ભુજ તાલુકાના જવાહરનગર ગામે રહેતા રણછોડ આહિરને ફોન કરીને એક પ્રસૂતા માતા અને નવજાત શિશુ માટે લોહીની જરૂરત હોવાનું જણાવ્યું હતું.પરિસ્થિતિની ગંભીરતા સમજીને રણછોડ એક જ કલાકમાં ૪૫ કિ.મી. દૂરથી મારતી ગાડીએ ભુજ પહોંચી આવ્યો હતો અને રકતદાન કર્યું હતું.અત્યારે દ્યરમાં જ રહેવાનું હિતાવહ હોવાથી બહાર નીકળવાનું દરેક લોકો ટાળે છે,ત્યારે આ યુવા અન્ય કોઈપણ વિચાર કર્યા વગર માનવતાના કાર્ય માટે ભુજ ધસી આવ્યો હતો.૩૯ વર્ષીય રણછોડ આહિરે અત્યાર સુધી ૪૫ થી વધુ વખત રકતદાન કર્યું છે.પ્રસૂતા મહિલા અને બાળકની જિંદગી બચાવી સમાજને રકતદાનની સાથે સાથે કોમી એકતાનું પણ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું છે.
રસ્તામાં આવતી પાંચેય ચોકીઓ પર પોલીસ પણ સહકારની ભૂમિકામાં
આહીર પટ્ટીના જવાહર નગરથી ભુજ પહોંચવામાં પાંચ પોલીસ ચેક પોસ્ટ આવે છે તેવું જણાવતા રણછોડ કહે છે કે,કનૈયાબે,ડગાળા,શેખપીર થઈને ભુજ સુધી પાંચ પોલીસ ચોકી આવે છે.જયાં હમણાં કડક પોલીસ બંદોબસ્ત છે.પરંતુ, દરેક જગ્યાએ ઇમરજન્સી લોહી આપવાનુ કહેતા ફરજપરના પોલીસકર્મીઓએ સંસ્થાનું કાર્ડ ચેક કરી તરત જ જવા માટે રજા આપી હતી.જે ખરેખર પોલીસના પણ માનવીય અભિગમનું સુંદર ઉદાહરણ છે.