લોખંડી સુરક્ષાના દાવા વચ્ચે સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારીના બનાવો વધી રહ્યા છે,તેમાં ખાસ કરીને અમદાવાદમાં લોકડાઉન જાહેર થતા જેલમાં પણ તમાકુની અછત વર્તાઈ રહી છે,સેન્ટ્રલ જેલમાં તમાકુ માટે કેદીઓ વચ્ચે મારામારી થઈ હતી,જેમાં એક કેદીને લોહી લુહાણ હાલતમાં જેલની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.રાણીપ પોલીસે બે આરોપી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે મહેસાણા જિલ્લાના ભાસરીયા ગામના વતની અને કલમ 302 હેઠળ જેલમાં સજા ભોગવી રહેલા કાચા કામના કેદી મનીષભાઈ કે પરમાર રાણીપ પોલીસ સ્ટેશનમાં કાચા કામના કેદી ઇમરાન શેખ અને સરફરાજ મન્સૂરી સામે ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સાંજે સાડા ચાર વાગે તેઓ નવી મધ્યસ્થ જેલના વીર ભગતસિંહ બેરેકના કોમન બાથરૂમમાં કપડા ધોઈ રહ્યો હતો તે સમયે ઇમરાન તથા સરફરાજ તેની પાસે આવ્યા હતા અને તમાકુની માગણી કરી હતી.
તમાકુ માટે ખેલાયો લોહિયાળ જંગ
જો કે ફરિયાદીએ પોતાના પાસે તમાકુ નથી તેમ કહેતા બંને જણા ઉશ્કેરાઈને ગાળો બોલીને ગરદન પકડી ને જમીન પર પછાડ્યો હતો અને પેટ સહિત શરીરના જુદાજુદા ભાગે ભાગે ગડદાપાટુનો માર માર્યો હતો.સખત મારના કારણે ફરિયાદી યુવકને નાક તથા મોંઢા માંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું હતું તે બેભાન હાલતમાં બાથરૂમમાં ફસડાઈ પડયો હતો, બૂમાબૂમ થતા બીજા કેદીઓ તથા જેલના જેલર સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો,ગંભીર રીતે ઘવાયેલા યુવકને જેલની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે રાણીપ પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે,ઉલ્લેખનીય છે કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં છેલ્લા કેટલાક સમયથી પ્રતિબંધિત તમામ ચીજવસ્તુઓ બેરોકટોક મળી રહી છે.તમાકુ, સિગારેટ સહિતની ચીજ વસ્તુઓ ડબલ ભાવે વેચવામાં આવતી હતી એક મહિના અગાઉ જેલના કર્મચારીઓ જ આ પ્રતિબંધિત વસ્તુઓ વેચતા રંગે હાથે ઝડપાયા હતા.