વડોદરાના નવા વિસ્તારના સમા, દિવાળીપુરામાં કોરોના ઘૂસ્યો : કુલ આંક પહોચ્યો ૧૫૬ પર

589

ગોત્રી કોવિડ હોસ્પિટલની એક કર્મચારી પણ લપેટમાં આવી : તાંદલજા વિસ્તારમાંથી એક દર્દીને આવ્યો પોઝિટિવ

વડોદરા,

વડોદરાના રેડઝોન નાગરવાડા-સૈયદપુરા વિસ્તારમાં હજી પણ કોરોનાનો કેર યથાવત છે. ગઇકાલે રાત્રે એક વૃધ્ધના મૃત્યુ પછી પણ આજે આ વિસ્તારના રહીશોમાં કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.તેની સાથે કોરોનાગ્રસ્તોને સારવાર આપતી ગોત્રી ખાતેની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી એક કર્મચારીનો કોરોના પોઝિટિવ આવ્યો હતો.આ ઉપરાંત વડોદરાના તદ્દન નવા વિસ્તાર એવા ન્યૂ સમા અને દિવાળીપુરા વિસ્તારમાંથી એક એક કોરોના પોઝિટિવના કેસ આજે આવ્યા છે.અગાઉ રેડઝોન ડિકલેર કરાયેલા તાંદલજા વિસ્તારમાંથી પણ એક પોઝિટિવ કેસ આવ્યો છે.

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરામાં શુક્રવારે બપોર સુધી કોરોના પોઝિટવ દર્દીઓની કુલ સખ્યાં ૧૫૬ પહોચી છે.વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા તીર્થધામ કાયાવરોહણ ખાતેથી એક મહિલાને કોરોના પોઝિટિવ પણ આવ્યો છે.આજે કુલ ૧૧ નવા કેસ આવ્યા હતા.જેમાં હજી પણ સૈયદપુરા-નાગરવાડા અને તેની આસપાસના વિસ્તાર નવીધરતીમાંથી કેસ આવવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો.આજે ફત્તેપુરા રાણાવાસ અને પાણીગેટ બહાર કોલોની પાસે આવેલી ધનાની પાર્ક ખાતેથી પણ કેસ આવ્યા હતા.અલબત્ત, કોરોનામાંથી સાજા થઇ ગયેલા સાત દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.તાંદલજા વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ તે વિસ્તારમાં સીધા સંપર્કવાળો અત્યાર સુધી કોઇ દર્દીને પોઝિટિવ આવ્યો ન હતો.આજે એક પચાસ વર્ષની ફાતીમાનગરમાં રહેતી મહિલાને પોઝિટિવ આવ્યો હતો.
ન્યૂ સમા રોડ પર આવેલી રાંદલધામ સોસાયટીમાંથી ૫૮ વર્ષની મહિલા તથા દિવાળીપૂરાના અયોધ્યાપૂરી સોસાયટીમાંથી ૭૦ વર્ષની મહિલાના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજના નવા કેસમાં આઠ મહિલાઓ કોરનાની લપેટમાં આવી ગઇ છે.

Share Now