– ગુજરાતનો મૃત્યુઆંક ૬૩: અમદાવાદની સ્થિતિ ચિંતાજનકઃ દેશમાં કોરોના મહામારીના ટોપ હોટસ્પોટ પૈકી એક અને ગુજરાતનું સૌથી મોટું શહેર તેમજ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ કોરોના વાયરસના ભરડામાં વધુને વધુ ફસાઈ રહ્યું છે
અમદાવાદ, તા.૨૦: રવિવારે એક જ દિવસમાં ગુજરાતમાં ૩૬૭ કેસ નોંધાયા હતા.જે અત્યાર સુધીમાં રાજયમાં નોંધાયેલ એક દિવસના કેસનો સૌથી મોટો આંકડો છે.આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને ૧૭૪૩ થઈ ગઈ છે.જે દેશમાં મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ત્રીજા નંબરે છે. જયારે રવિવારે રાજયમાં ૧૦ વ્યકિતઓ આ મહામારીનો ભોગ બન્યા હતા.જેથી ગુજરાતમાં અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક ૬૩ પહોંચી ગયો છે.
મહામારીના કારણે મૃત્યુદરમાં પણ ગુજરાત દેશના રાજયો પૈકી મહારાષ્ટ્રના ૨૧૧ મોત અને મધ્યપ્રદેશમાં ૭૨ મોત બાદ ત્રીજા નંબર પર છે.રાજયમાં ગઇકાલે નોંધાયેલ ૧૦ મોત પૈકી ૭ એકલા અમદાવાદમાંથી છે.જયારે સુરત,આણંદ અને ભરુચમાંથી એક-એક મૃત્યુ નોંધાયા છે.દેશમાં કોરોના મહામારીના ટોપ હોટસ્પોટ પૈકી એક અને ગુજરાતનું સૌથી મોટું શહેર તેમજ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ કોરોના વાયરસના ભરડામાં વધુને વધુ ફસાઈ રહ્યું છે.રવિવારે નોંધાયેલા કુલ કેસ પૈકી ૨૩૯ કેસ એટલે કે ૬૫ ટકા કોરોના પોઝિટિવ કેસ એકલા અમદાવાદમાંથી સામે આવ્યા છે.ત્યાર બાદ ગુજરાતનું સુરત બીજા નંબરનું હોટસ્પોટ બની રહ્યું છે.અહીંથી રવિવારે ૮૯ કેસ સામે આવ્યા છે.જે બાદ વડોદરા ૨૨ કેસ સાથે ત્રીજા નંબરે છે.આ સાથે જ અમદવાદમાં અત્યાર સુધીમાં કુલ ૧૧૦૧ કેસ, સુરતમાં ૨૪૨ અને વડોદરામાં કુલ કેસનો આંકડો ૧૮૦ પર પહોંચ્યો છે.જોકે આ બધા વચ્ચે રાજય માટે એક જ આશાનું કિરણ છે કે રાજયમાં રવિવારે કોરોના મહામારીમાંથી મુકત થનારા અને બીમારીમાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા ૧૦૦ને પાર થઈ ગઈ છે.
રવિવારે ગુજરાતમાં કુલ ૧૨ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જે સાથે રાજયમાં કુલ રિકવર થનાર દર્દીની સંખ્યા ૧૦૫ થઈ ગઈ છે. જોકે રાજયના આરોગ્ય સચીવ જયંતિ રવિએ કહ્યું કે આંકડાની દ્રષ્ટીએ રાજયમાં કેસની સંખ્યા વધુ છે પરંતુ જો વસ્તીની દ્રષ્ટીએ જોવામાં આવે તો પ્રતિ ૧૦ લાખ વ્યકિતએ ગુજરાતમાં ફકત ૧૯.૩ કેસ છે જયારે દિલ્હીમાં ૯૧.૧, મહારાષ્ટ્રમાં ૨૮.૭ અને તેલંગણામાં ૨૧.૨ કેસ છે.તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં નોંધાયેલા મોટાભાગના કેસ રાજયના હોટસ્પોટ વિસ્તારોમાંથી આવે છે.જેમ કે ગઈકાલે અમદાવાદમાં બપોરથી સાંજ સુધીમાં સામે આવેલ ૯૯ કેસ અમદાવાદના હોટસ્પોટ કલસ્ટર કવોરન્ટીન વિસ્તારમાંથી આવે છે.તેમણે વધુમાં કહ્યું કે,રાજયમાં ટેસ્ટિંગ પર ભાર દેવામાં આવ્યો છે અને દેશમાં પ્રતિ ૧૦ લાખે ૨૬૯ ટેસ્ટની રાષ્ટ્રીય એવરેજની સખામણીએ ગુજરાતમાં પ્રતિ ૧૦ લાખે ૪૪૭.૮ વ્યકિતઓનું સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ થઈ રહ્યું છે.તેમજ જેટલી વધુ ટેસ્ટ કરીશું તેટલા કોરોના પોઝિટિવના આંકડા વધુ સામે બહાર આવશે.રાજયમાં એન્ટિબોડી ટેસ્ટ કિટ આવી ગઈ છે પરંતુ હાલ રાજયના આરોગ્ય કર્મચારીઓને તેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.જે બાદ રાજયના તમામ કોરોના મહામારીના કલસ્ટરમાં મોટાપ્રમાણમાં ટેસ્ટિંગ પ્રક્રિયા શરું કરવામાં આવશે.રાજયના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે શ્ન રાજયમાં કોરોનાના સંક્રમણના કેસ વધતા કેન્દ્રમાંથી નિષ્ણાંતોની ટીમ પણ ગુજરાતમાં આવી છે અને રાજયની પરિસ્થિતિ,આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર,તમામ સુવિધાઓ,ટેસ્ટિંગ વગેરે બાબતોની સમિક્ષા કરી રહી છે.ત્યરબાદ જરુરી માર્ગદર્શન પણ આપશે.